રાજ્યમાં શાષનમાં દખલ કરવાનો રાજ્યપાલને કોઈ અધિકાર નથી

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ભલામણ કરી છે કે તેમણે રાજ્યમાં મંદિરો ખોલવાં જોઈએ. તેઓ આટલી ભલામણ કરીને અટક્યા નથી. તેમણે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં પૂછ્યું છે કે, “શું હવે તમે સેક્યુલર થઈ ગયા છો? તમે હિન્દુત્વવાદી રાજકારણ કરતા હતા. મુખ્ય પ્રધાન બન્યા પછી તમે અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા ગયા હતા અને હજુ ત્રણ મહિના પહેલાં અષાઢી એકાદશીને દિવસે પંઢરપુરમાં વિઠ્ઠલ રુકમણીની પૂજા કરવા પણ ગયા હતા.” તેમણે વ્યંગ કરતાં લખ્યું છે કે, “મંદિરો ખોલવાનું મુલતવી રાખવાનો નિર્ણય કોઈ દૈવી સંદેશનું પરિણામ છે કે પછી તમે હવે સેક્યુલર થઈ ગયા છો? એક સમયે તો સેક્યુલર શબ્દ તમને સાંભળવો પણ ગમતો નહોતો.”

રાજ્યમાં શાષનમાં દખલ કરવાનો રાજ્યપાલને કોઈ અધિકાર નથી

આવા છે અત્યારના રાજ્યપાલો જેમને બંધારણનાં મૂળભૂત તત્ત્વોની અને રાજ્યપાલના હોદ્દાની મર્યાદાની પણ સમજ નથી. અહીં બચાવ સેકયુલરિઝમનો નથી કરવો. એ તો ભારતના બંધારણીય માળખાનો હિસ્સો છે જ અને માટે ભારત લોકતાંત્રિક-સેક્યુલર-સમવાય (ફેડરલ) સંઘ છે. બંધારણમાં દેશ કે રાષ્ટ્ર શબ્દ નથી ‘સંઘ’ (યુનિયન) શબ્દ છે અને એ શબ્દપ્રયોગ સહેતુક છે. લોકતંત્ર અને સેકયુલરિઝમની રખેવાળી કરવી એ દરેક શાસકનો તેમ જ દેશની લોકતાંત્રિક સંસ્થાઓનો ધર્મ છે અને તેમાં રાજ્યપાલના પદનો પણ સમાવેશ થાય છે. અત્યારના શાસનમાં લોકતંત્ર અને સેકયુલરિઝમ એમ બન્ને ઉપર ખતરો તો છે જ, પરંતુ લક્ષણો જોતાં એમ લાગે કે સમવાય ઢાંચો પણ સુરક્ષિત નથી.

હા, તો અહીં બચાવ ભારતના સમવાયતંત્રના ઢાંચાનો કરવાનો છે. રાજ્યના શાસનમાં દખલગીરી કરવાનો રાજ્યપાલને કોઈ અધિકાર નથી. તેઓ વધુમાં વધુ સૂચન કરી શકે. તેમણે માત્ર સૂચન નથી કર્યું, ઉદ્ધવ ઠાકરેને ટોણા માર્યા છે. તેમણે માત્ર રાજ્યપાલ બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું, માણસાઈની મર્યાદાનું પણ ઉલ્લંઘન કર્યું છે. કોઈ સભ્ય માણસ આવો પત્ર લખે? ઉદ્ધવ ઠાકરેએ યોગ્ય રીતે જ કહ્યું છે કે, “અમને અમારું કામ કરવા દો અને અમે હિન્દુત્વવાદી છીએ કે નહીં એ વિશે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. અમે અમારો ધર્મ અને અમારી ધાર્મિકતાને જાણીએ છીએ. એક તરફ લોકોની ધાર્મિક શ્રદ્ધા છે અને બીજી બાજુ લોકોની જિંદગી છે. જિંદગી વધારે કિંમતી છે. કેટલોક વખત મંદિરમાં નહીં જવાથી શ્રદ્ધા બુઠ્ઠી નથી થઈ જવાની, પણ લોકોના જીવની રક્ષા કરવી એ શાસકોનો ધર્મ છે. જે રીતે અચાનક ચાર કલાકની નોટીસ આપીને લોકડાઉન કરવાનો નિર્ણય અયોગ્ય હતો એ જ રીતે એક સાથે લોકડાઉન ઉઠાવવો એ પણ અયોગ્ય નિર્ણય સાબિત થઈ શકે છે. રહી વાત હિન્દુત્વની તો એ તમારી પાસેથી શીખવાની અમને જરૂર નથી. લોકોના જીવને જોખમમાં નાખીને મંદિર ખોલો તો હિન્દુત્વવાદી અને ન ખોલો સેક્યુલર એ વિચિત્ર તર્કશાસ્ત્ર અમને સ્વીકાર્ય નથી.”

એ વાત ખરી છે કે શિવસેના એક જમાનામાં હિંદુત્વવાદી રાજકારણ કરતી હતી અને ૧૯૮૯ થી હિન્દુત્વવાદી રાજકારણમાં બીજેપીની ભાગીદાર હતી. જ્યારે તમામ રાજકીય પક્ષ બીજેપી સાથે આભડછેટ રાખતા હતા ત્યારે સેનાએ બીજેપીને સાથ આપ્યો હતો. ૨૦૧૪ પછી બીજેપીની સ્થિતિ સુધરી એ પછી બીજેપીએ પહેલો વિશ્વાસઘાત શિવસેના સાથે કર્યો હતો. ત્યારે હિંદુ હિંદુ ભાઈ ભાઈની યાદ નહોતી આવી? એનાથી સામે છેડે ગયા વરસે મહારાષ્ટ્રમાં બીજેપીને સરકાર રચવામાં બેઠકો ઓછી પડતી હતી ત્યારે આ જ હિંદુહિતરક્ષક રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ હિન્દુત્વવાદી શિવસેનાને પડતી મૂકીને સેક્યુલર અને નાસ્તિક શરદ પવારના ભત્રીજા અજીત પવારના ટેકાવાળી સરકારને અડધી રાતે સોગંદ લેવડાવ્યા હતા. ત્યારે હિન્દુત્વની યાદ નહોતી આવી? ત્યારે તેમણે મહારાષ્ટ્રના બીજેપીના નેતાઓને ચેતવવા જોઈતા હતા અને ટોણો મારવો જોઈતો હતો કે, તમે શું સેક્યુલર થઈ ગયા છો કે અજીત પવારના ટેકા સાથે સરકાર રચી રહ્યા છો? એક હિન્દુત્વવાદીએ જતું કરીને પણ બીજા હિન્દુત્વવાદીનો સાથ નિભાવવો જોઈએ. પણ ત્યારે તેમને હિન્દુત્વની યાદ નહોતી આવી. વળી તેમના પોતાના રાજ્ય ઉત્તરાખંડમાં તેમના પોતાના જ પક્ષના રાજકીય પ્રતિસ્પર્ધી રમેશ પોખરિયાલ ‘નિશંક’ સાથેનો તેમનો સંબંધ ક્યાં હિંદુ-સહોદરનો હતો! એવો જ હતો જેવો કોઈ સત્તાપિપાસુ સ્વાર્થી રાજકારણીનો હોય.

માર્ચ મહિનામાં કોવીડપ્રકોપની હજુ શરૂઆત જ થઈ હતી ત્યારે દિલ્હીમાં મળેલા તબલીગી જમાતના અધિવેશનને કોમી સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મુસલમાનો એટલી ધર્મઘેલછા ધરાવે છે કે પ્રકોપના સમયે પણ તેઓ ધર્મને છોડીને જવાબદાર નાગરિક તરીકે વર્તતા નથી. ત્યારે તેમની ઠેકડી ઉડાડવામાં આવતી હતી અને મુસલમાનો સામે નફરતનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું હતું. એ સમયે દેશમાં કોરોનાકેસ ૩૦૦ પણ નહોતા. અત્યારે જ્યારે કોવીડકેસ ૭૨ લાખની આસપાસ છે ત્યારે સંઘપરિવાર મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવાનો આગ્રહ રાખે છે એ ધર્મઘેલછા નથી તો બીજું શું છે? ધાર્મિક શ્રદ્ધા અંગત ભાવના છે અને તે મૂર્તિ અને મંદિરની મોહતાજ નથી. હા, ધર્મ અને ધાર્મિકતાનો દેખાવ કરવો હોય તો એ જુદી વાત છે. એને માટે મંદિર અને મસ્જીદની જરૂર પડતી હોય છે. જે ફરક ‘રામ રામ’ અને ‘જય શ્રીરામ’ વચ્ચે છે એ ફરક હિંદુ અને હિન્દુત્વ વચ્ચે છે.

ખેર, રાજ્યપાલને રાજ્યપાલના પદની ગરિમાનું અને મર્યાદાનું ભાન હોવું જોઈએ. તેનું કામ કેન્દ્રના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં નજર રાખવાનું છે. તેના રાજ્યમાં શું ચાલી રહ્યું છે એ વિશે કેન્દ્ર સરકારને માહિતગાર રાખવાનું છે. જરૂર લાગે ત્યાં રાજ્ય સરકારને સલાહ-સૂચનો આપવાનું છે. રાજ્ય સરકાર તેની મર્યાદાની બહાર જઈને કોઈ કાયદા ઘડે તો તેને અટકાવવાનું છે અન્યથા બહાલી આપવાનું છે. રાજ્યપાલના મંજૂરીના સિક્કાની એટલા માટે જરૂરત રાખવામાં આવી છે કે રાજ્ય રાષ્ટ્રના હિતની વિરુદ્ધ કોઈ કામ ન કરે. આ સિવાય રાજ્યપાલને  રાજ્યના વહીવટીતંત્રમાં સીધું માથું મારવાનો કોઈ અધિકાર નથી. આનો અર્થ એ થયો કે રાજ્યપાલનું કામ દેશના સમવાય માળખાને જાળવી રાખવાનું છે, તોડવાનું નથી.

આદર્શ રાજ્યપાલ કેવો હોય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા. તેઓ ૧૯૫૨-૧૯૫૭ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ હતા. મુનશીએ રાજ્યપાલ તરીકે શું કર્યું હતું, કેવી પરંપરા કાયમ કરી હતી, કેવા દાખલા બેસાડ્યા હતા, રાજ્યના સાહિત્યિક-સાંસ્કૃતિક ઉત્થાનમાં સૂચનો દ્વારા કેવી રીતે ઉપયોગી થયા હતા, રાજ્યમાંની પ્રવૃત્તિઓ ઉપર કેન્દ્રના પ્રતિનિધિ તરીકે કેવી નજર રાખતા હતા અને રાષ્ટ્રપતિને વીસ વીસ પાનાનાં કેવા અહેવાલ મોકલતા હતા એ બધું બિચારા ભગતસિંહ કોશ્યારીના ગજા બહારનું કામ છે.

લોકતંત્ર અને સેકયુલરિઝમ જ નહીં; સમવાય ઢાંચો પણ જોખમમાં છે.

            –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts