બાબરી મસ્જિદ ડિમોલીશન કેસમાં કોઈને સજા થશે ખરી?

અયોધ્યામાં ૧૯૯૨ ની ૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી, પણ ભારતની કોર્ટ હજુ નક્કી નથી કરી શકી કે બાબરી મસ્જિદ તોડી પાડવા માટે કોણ કોણ જવાબદાર હતા અને તેમને શું સજા કરવી જોઈએ? બાબરી મસ્જિદનો કેસ ૨૭ કરતાં વધુ વર્ષથી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો છે, પણ તેણે રાજકીય રંગ ધારણ કરી લીધો હોવાથી તેના ચુકાદામાં આટલો બધો વિલંબ થયો છે. 

બાબરી મસ્જિદ ડિમોલીશન કેસમાં કોઈને સજા થશે ખરી?

જ્યારે બાબરી મસ્જિદનું ડિમોલીશન કરવામાં આવ્યું ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાથી સીબીઆઈ દ્વારા ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણસિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન જ લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી જીતીને ભારતના નાયબ વડા પ્રધાન બન્યા હતા. શિવસેના દ્વારા તો માગણી પણ કરવામાં આવી હતી કે આ કેસને પાછો ખેંચી લેવો જોઈએ; પણ સરકાર દ્વારા ગોલમાલ કરવામાં આવી નથી તેવું દેખાડવા કેસ ચાલુ રાખવામાં આવ્યો હતો.

બાબરી મસ્જિદના કેસને વર્ષો સુધી સુષુપ્ત દશામાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણસિંહ વગેરે રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. દરમિયાન ૨૦૧૭ માં ભાજપના મોરચાની સરકાર દ્વારા કેસને પુનર્જીવિત કરવામાં આવ્યો હતો. તેનો આશય લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓને તેમના જીવનકાળ દરમિયાન જ ફોજદારી કેસમાંથી મુક્ત કરવાનો હતો. હવે કોર્ટ દ્વારા ચુકાદા માટે ૩૦ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે ત્યારે ૯૨ વર્ષના અડવાણીને કે ૮૬ વર્ષના મુરલી મનોહર જોશીને અદાલત કોઈ સજા કરે તેવું લાગતું નથી. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ ભાજપના વડીલોને બાઇજ્જત મુક્ત કરશે અને ૩૨ આરોપીઓ પૈકી કેટલાકને મામૂલી સજા કરીને છોડી દેશે. અદાલતમાં ન્યાય થાય કે ન થાય; પણ ન્યાય થઇ રહ્યો છે, તેવું દેખાડવું પણ જરૂરી છે.

બાબરી મસ્જિદ ડિમોલીશન કેસમાં કોઈને સજા થશે ખરી?

બાબરી મસ્જિદના કેસમાં શું ચુકાદો આવશે? તે વિચારતાં અગાઉ બાબરી મસ્જિદને તોડી પાડવામાં લાલકૃષ્ણ અડવાણી વગેરે રાજકીય નેતાઓની શું ભૂમિકા હતી? તે સમજવું જરૂરી છે. આ નેતાઓએ જાતે હથોડા લઈને બાબરી મસ્જિદ પર પ્રહારો નહોતા કર્યા પણ તેમની પર બાબરી મસ્જિદનું તોડકામ કરનારા હિન્દુઓના ઝનૂની ટોળાંને ઉશ્કેરવાનો આરોપ છે, કારણ કે તેઓ તોડકામ ચાલી રહ્યું હતું ત્યારે હાજર હતા. એક દલીલ એવી પણ થઈ રહી છે કે લાલકૃષ્ણ અડવાણી વગેરે નેતાઓએ જો ધાર્યું હોત તો તેઓ તોફાની ટોળાંને અટકાવી શક્યા હોત. લાલકૃષ્ણ અડવાણી વગેરે નેતાઓએ કોર્ટમાં જે નિવેદન આપ્યું તેમાં ટોળાંને ઉશ્કેરવામાં તેમની કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો. ભાજપના નેતાઓનાં આ નિવેદનો સાથે શિવસેનાના દિવંગત નેતા બાળ ઠાકરેનું નિવેદન સરખાવવા જેવું છે. બાળ ઠાકરેને જ્યારે પૂછવામાં આવ્યું કે ‘‘શું બાબરી મસ્જિદ તોડી પાડવામાં શિવસૈનિકોનો હાથ હતો?’’ ત્યારે બાળ ઠાકરેએ છાતી ઠોકીને કહ્યું હતું કે ‘‘જો શિવસૈનિકો દ્વારા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હોય તો તેના બદલ હું ગર્વનો અનુભવ કરું છું.’’

બાબરી મસ્જિદ તોડી પાડવામાં કદાચ લાલકૃષ્ણ અડવાણીનો હાથ નહીં હોય, પણ દેશભરમાં તેના ભણી દોરી જનારું જે વાતાવરણ પેદા થયું તેમાં જરૂર તેમનો હાથ હતો. ૧૯૯૦ માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામજન્મ ભૂમિનું આંદોલન શરૂ કરવામાં આવ્યું તેમાં ભાજપે પણ ઝંપલાવી દીધું હતું. ભાજપના તત્કાલીન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી દ્વારા દ્વારકાથી અયોધ્યાની રથયાત્રા કાઢવામાં આવી હતી, જેના સુકાની નરેન્દ્ર મોદી બન્યા હતા. બિહારના તત્કાલીન મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવે આ રથયાત્રા બિહારમાં જ અટકાવી હતી અને અડવાણીને જેલમાં નાખ્યા હતા. રથયાત્રા અયોધ્યા નહોતી પહોંચી પણ તેને કારણે ભારતમાં પ્રચંડ જાગ્રતિ આવી હતી.

૧૯૯૨ ની ૬ ડિસેમ્બરે કારસેવકો દ્વારા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી વગેરે નેતાઓ ત્યાં હાજર હતા અને તેમણે સ્ટેજ પરથી ભડકામણાં ભાષણો કર્યાં હતાં, તેવો આક્ષેપ તેમના ઉપર કરવામાં આવી રહ્યો છે. બાબરી મસ્જિદને તોડી પાડનારા કારસેવક સંતોષ દુબેએ સીબીઆઈ સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘‘ અમે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને બીજા નેતાઓની સૂચનાથી જમા થયા હતા. તેમણે અમને કહ્યું હતું કે ‘આપણે ૫૦૦ વર્ષની ગુલામીના ઢાંચાને તોડી પાડવાનો છે.’ તેમણે અમને બાબરી મસ્જિદ તોડી પાડવાનું કહ્યું અને અમે તેને તોડી પાડી હતી.’’

સીબીઆઈની ચાર્જશીટ મુજબ જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે મુરલી મનોહર જોશી સ્ટેજ પર હાજર હતા અને તેઓ નારાઓ બોલીને કારસેવકોની ઉશ્કેરણી કરી રહ્યા હતા. ત્યારે મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતી પણ સ્ટેજ પર હતાં અને તેઓ જોરશોરથી નારાઓ પોકારી રહ્યાં હતાં કે ‘‘ એક ધક્કા ઔર દો, બાબરી મસ્જિદ તોડ દો’’ ‘‘ મસ્જિદ ગિરાઓ, મંદિર બનાઓ, બાબર કી ઔલાદ કો પાકિસ્તાન ભગાઓ. ’’ ઉમા ભારતીએ લિબરહાન કમિશન સમક્ષ બાબરી મસ્જિદ તોડી પાડવાની નૈતિક જવાબદારીનો સ્વીકાર કર્યો હતો. જો કે તેમણે બાબરી મસ્જિદને તોડી પાડવાનાં કાવતરાંમાં પોતે સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો.

બાબરી મસ્જિદના ડિમોલીશન કેસમાં કુલ ૪૮ આરોપીઓ હતા. તેમાંના ૧૬ નાં તો ૨૭ વર્ષ દરમિયાન મરણ થઈ ગયાં છે. હવે ૩૨ આરોપીઓ બાકી રહ્યા છે. જે ૧૬ આરોપીઓનાં મરણ થયાં છે તેમાં વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અશોક સિંહલનો પણ સમાવેશ થાય છે. હકીકતમાં રામ જન્મભૂમિ ઝુંબેશના તેઓ મુખ્ય પ્રણેતા હતા. રામ જન્મભૂમિની ઝુંબેશ બાબતમાં લાલકૃષ્ણ અડવાણી અને અટલબિહારી વાજપેયી વચ્ચેના મતભેદો મિટાવવામાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. બાબરી મસ્જિદના તોડકામમાં બાળ ઠાકરેએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે તેમણે એલાન કર્યું હતું કે તેઓ દસ હજાર શિવ સૈનિકો સાથે અયોધ્યા જશે. જો કે તેઓ જાતે અયોધ્યા ગયા નહોતા પણ તેમના શિવસૈનિકો જરૂર ગયા હતા. જ્યારે બાબરી મસ્જિદ તૂટી પડી ત્યારે તેના કાટમાળ હેઠળ કેટલાક શિવસૈનિકો દબાઈ પણ ગયા હતા. બાળ ઠાકરે ત્યાં હાજર ન હોવાથી તેમને બાબરી ડિમોલીશન કેસમાં આરોપી બનાવવામાં આવ્યા નહોતા.

અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે જે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે તેના મહામંત્રી સંપત રાય પણ બાબરી મસ્જિદ ડિમોલીશન કેસના ૩૨ હયાત આરોપીઓ પૈકી છે. જો તેમને કોર્ટ દ્વારા સજા કરવામાં આવે તો રામમંદિરના નિર્માણ સામે પણ સમસ્યા ખડી થઈ શકે છે. ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન કલ્યાણસિંહ પણ આ કોર્ટમાં આરોપી છે. તેમની સામે બાબરી મસ્જિદની સુરક્ષામાં બેદરકારી રાખી કારસેવકોને મદદ કરવાનો આરોપ છે.

સુપ્રિમ કોર્ટે રામમંદિર કેસનો આખરી ચુકાદો આપ્યો તેમાં બાબરી મસ્જિદના તોડકામનો ઉલ્લેખ કાયદાના ભંગ તરીકે કર્યો હતો. તેના પરથી કહી શકાય કે આ કેસમાં કેટલાક કારસેવકોને સજા જરૂર કરવામાં આવશે. જો લાલકૃષ્ણ અડવાણીને નિર્દોષ જાહેર કરવામાં આવે તો તેઓ કલંકમુક્ત બનીને જીવી શકશે.

            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts