આણંદ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગના મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ વધે અને જિલ્લાના મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર જોડાય તે માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મતદાર જાગૃતિ અર્થે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આણંદ જિલ્લામાં હાથ ધરાયેલા મતદાન જાગૃત્તિના યજ્ઞમાં મધ્ય ગુજરાત વીજ કંપની પણ જોડાઈ છે. આ કંપની દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા લાઈટ બીલમાં ‘‘અવસર લોકશાહીનો’’ સુત્રને સ્થાન આપી મતદાન જાગૃતિના આ મહાઅભિયાનને વેગ મળે તે માટેનું કાર્ય કર્યું છે. આણંદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની દરરોજ અંદાજીત 500થી વધુ બીલમાં મતદાર જાગૃતિ સુત્રોને સ્થાન આપીને લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાનો સંદેશો પાઠવી રહી છે, ત્યારે સૌ કોઈએ અવશ્ય મતદાન કરી લોકશાહીના આ મહાપર્વને ઉત્સાહભેર ઉજવવો પડશે.