હીરાબજારમાં ફરતા થયેલા વિડીયોમાં વેપારીએ વેદના વ્યક્ત કરી: ‘જીવતો રહીશ તો લેણદારોની પાઈ-પાઈ ચૂકવી આપીશ’

સુરત: (Surat) લોકડાઉન પહેલાથી જ મંદીમાં ઘેરાયેલા હીરા ઉદ્યોગકારોની હાલત લોકડાઉન ( Lockdown) બાદ વધુ કફોડી બની છે. પોલિશ્ડ હીરાની ડિમાંડ નહીં હોવાની સાથે લેણદારો તરફથી સતત થઇ રહેલી વસૂલીને પગલે નાના અને મધ્યમ હીરા ઉદ્યોગકારો(diamond industry)ની ચિંતામાં વધારો થયો છે. આવક બંધ અને ખર્ચા સતત ચાલુ હોવાથી હીરા ઉદ્યોગકારો પર ભીંસ વધતાં પલાયનની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા બે દિવસથી સુરતના હીરા બજારમાં એક વિડીયો ફરી રહ્યો છે, જેમાં કતારગામમાં રહેતા જૈન હીરાના (Diamond) વેપારીએ લેણદારોથી ત્રાસી જઇ પોતાની વેદના વિડીયોમાં વ્યક્ત કરી છે. આ વેપારીએ લેણદારોને મોકલેલા 1 મિનીટ 8 સેકન્ડના વિડીયોમાં જણાવ્યું છે કે, ‘હું સુરત છોડીને જઇ રહ્યો છું. અને જો જીવતો રહીશ તો લેણદારો (creditor) ની પાઇ-પાઇ ભવિષ્યમાં ચૂકવી દઇશ. વ્યાજે રૂપિયા લઇને પણ લેણદારોને નાણાં ચૂકવ્યાં છે. હવે રૂપિયો મળી શકે તેમ નથી. મારી પાછળ પરિવારજનોને હેરાન કરશો નહીં’.

હીરા ઉદ્યોગ(diamond industry)નાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ આ વેપારીએ લેણદારોને 70 લાખનાં લેણાંની વાત કરી છે. પરંતુ વેપારીઓને તેની પાસે છ કરોડનું લેણું નીકળે છે. લોકડાઉન પછી લેણદારોએ (creditor) સતત ભીંસ વધારતાં આ હીરા વેપારી ડિપ્રેશનમાં સુરત છોડી જતો રહ્યો છે તથા તેના પરિવારજનોને હેરાન નહીં કરવા પણ લેણદારોને વિનંતી કરી છે. વિડીયોમાં તેણે એમ પણ જણાવ્યું છે કે, ભૂતકાળમાં તેણે દરેક લેણદારની મૂડી ચૂકવી આપી હતી. ભવિષ્યમાં પણ ચૂકવવાની કામના છે. છેલ્લા બે દિવસથી આ વિડીયો વાયરલ થતાં હીરા ઉદ્યોગની સ્થિતિ બહાર આવી છે. ખાસ કરીને નાના અને મધ્યમ હરોળના વેપારીઓ ભીંસમાં મુકાયા છે અને મોટી સંખ્યામાં દેવાદાર બની ગયા છે.

હીરાબજારમાં ફરતા થયેલા વિડીયોમાં વેપારીએ વેદના વ્યક્ત કરી: ‘જીવતો રહીશ તો લેણદારોની પાઈ-પાઈ ચૂકવી આપીશ’

વર્તમાન સ્થિતિમાં વિદેશોમાં પણ ડિમાંડ નહીં હોવાથી ધિરાણ પર રફ હીરા મેળવવાની સાથોસાથ વેપાર માટે પેઢીઓ પાસેથી વ્યાજે રૂપિયા લેનારા નાના હીરાના ઉદ્યોગકારોની સ્થિતિ કફોડી બની છે. હાલની પરિસ્થિતમાં કેટલાક હીરા ઉદ્યોગકારો પાસે મૂડી નથી. બેંકો દ્વારા પણ હીરા ઉદ્યોગને ધિરાણ નહીં કરવામાં આવતાં હીરા ઉદ્યોગકારો માટે સંઘર્ષ વધી ગયો છે. છેલ્લા બે દિવસથી એક હીરા ઉદ્યોગકાર રૂ.6 કરોડમાં ઊઠી ગયો હોવાની વાત સામે આવી છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલી વિડીયો ક્લિપમાં હીરા વેપારીએ પોતાની ઓળખ પણ આપી છે અને તેઓ સુરત છોડીને જઈ રહ્યા છે. જીવતા રહેશે તો પરત આવી લોકોની પાઇ-પાઇ ચૂકવી આપશે. તેમના પરિવારનો કોઈ વાંક નથી એટલે હેરાન કરવા નહીં. તેવી વાતો પણ કરી છે. સ્થિતિ બદલાતાં હીરા વેપારીઓ માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ જતું હોય છે. આવા સંજોગોમાં મોટા લોકો નાના લોકોનું ધ્યાન રાખે તો સારું થાય તેવું જણાવી રહ્યા છે. ઉઠમણું કરનારા ઉદ્યોગકારથી કેટલા લોકોના રૂપિયા ફસાયા તે હજુ સુધી સામે આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં હીરા ઉદ્યોગકારો અને તેમની સાથે સંકળાયેલા પલાયન કરી રહ્યા છે. સુરત, મુંબઈ અને એન્ટવર્પ મળી એક જ માસમાં રૂ.70 કરોડથી વધુનાં ઉઠમણાં સામે આવ્યા છે. જો કે, કેટલાક નાના વેપારીઓની જાણકારી સામે આવતી નથી. નહીં તો આ આંકડો 70 કરોડ રૂપિયાથી વધારે હોવાની આશંકા છે.

Related Posts