કિસાનોની આવક વધારવી હોય તો સજીવ ખેતી તરફ વળવું પડશે

સરકારે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચ્યા તો પણ કિસાનો પોતાનું આંદોલન પાછું ખેંચવા તૈયાર નથી. રાજનેતાઓ આપણને એવું સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે દેશનો વિકાસ થઇ રહ્યો છે; પણ દેશનો અન્નદાતા કિસાન મજબૂરીથી આત્મહત્યા કરી રહ્યો છે. દિવસરાત મજૂરી કરીને દેશની ૧૩૦ કરોડની વસતિનું પેટ ભરનારો કિસાન પોતે ભૂખ્યો સૂએ છે. સ્વતંત્રતા પછી આપણા દેશમાં હરિયાળી ક્રાંતિના નામે જે કૃષિ નીતિ અખત્યાર કરવામાં આવી તેને કારણે ખેતીવાડીના ખર્ચમાં પ્રચંડ વધારો થયો છે,પણ આવકમાં નહીંવત્ જ વધારો થયો હોવાથી દેશના મોટા ભાગના કિસાનો દેવાના ડુંગર હેઠળ દબાઇ ગયા છે. કિસાનો લોન માફ કરવાની માગણી કરે છે, સરકાર લોન માફ કરશે, પણ તેથી કિસાનોની સમસ્યાનો મૂળમાંથી અંત આવવાનો નથી.

કિસાનો રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સંકર બિયારણ, ટ્રેક્ટર અને ડિઝલ પાછળ જે ખર્ચાઓ કરે છે, તેને બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી કિસાન દેવાદાર જ રહેશે. કિસાને જો સ્વયંનિર્ભર બનવું હશે તો સજીવ ખેતી તરફ વળવું પડશે, જેમાં રાસાયણિક ખાતરનો કે જંતુનાશક દવાઓનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. સરકારે પણ યુરિયા ખરીદવા માટે કરોડો રૂપિયાની સબસિડી આપવાને બદલે કેમિકલના ઉપયોગ વગરની સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું પડશે.

ભારત સરકારની નીતિ કિસાનોના હાથમાંથી કૃષિની કમાન ઝૂંટવીને ઉદ્યોગપતિઓના હાથમાં સોંપી દેવાની છે. રિલાયન્સ અને બિરલા જેવી મોટી કંપનીઓ અનાજ અને શાકભાજીના વેપારમાં પ્રવેશી ચૂકી છે. હવે તેઓ કિસાનો પાસેથી સીધી ખરીદી કરશે. પછી તેઓ કિસાનોને એડવાન્સમાં રૂપિયા ચૂકવીને પોતાના વેઠિયા મજૂર બનાવી દેશે. અમેરિકામાં બિલ ગેટ્સ દેશનો સૌથી મોટો જમીનદાર બની ગયો છે. વિદેશોમાં જેમ મલ્ટિનેશનલ કંપનીઓ હજારો એકર જમીન પર યંત્રો વડે ખેતી કરે છે, તેવું ભારતમાં પણ થશે. સરકારની નીતિ તે તરફ લઇ જનારી છે.

ગરીબ કિસાને આ કંપની પાસેથી લોન લઇને ખેતી કરવી પડશે અને તેને પોતાનો માલ વેચવો પડશે. ઋતુ પરિવર્તનને કારણે પાક નિષ્ફળ જાય છે, તેનું મૂળ કારણ પણ કેમિકલ વડે થતી ખેતી છે. કિસાનો જ્યાં સુધી દેશી બિયારણ, છાણિયાં ખાતર અને બળદ વડે ખેતી કરતા હતા ત્યાં સુધી હવામાનમાં ફેરફારથી નુકસાન નહોતું થતું, કારણ કે દેશી બિયારણ તેની સામે ટકી રહેતું હતું. પરંતુ કિસાનો દ્વારા સંકર તથા જિનેટિકલી મોડિફાઇડ બિયારણ વાપરવામાં આવે છે તે આબોહવાના પરિવર્તન સામે ટકી શકતું નથી, પણ રોગોનો ભોગ બને છે. સરકાર કેમિકલ ફાર્મિંગને બદલે સજીવ ખેતીને પ્રોત્સાહન આપશે તો જ કિસાનો આત્મનિર્ભર બનશે અને આપઘાત કરતા બંધ થશે.

જગતનો તાત કહેવાતો કિસાન દુ:ખી છે. ગરીબ કિસાન પોતાના ખેતરમાં રોજના ૧૨ કલાક પસીનો પાડ્યા પછી પણ દેવામાં ડૂબેલો છે. કિસાન તેણે લીધેલી ૯૦,૦૦૦ રૂપિયાની લોન ચૂકવી ન શકે તો તેનું ખોરડું જપ્ત કરવામાં આવે છે, પણ વિજય માલ્યા કે નીરવ મોદી જેવા માલેતુજારો બેન્કોના  અબજો રૂપિયા ડૂબાડીને વિદેશ ભાગી જાય છે. જે કિસાન તનતોડ મહેનત કરીને આપણું પેટ ભરે છે, તે પોતે ભૂખ્યો રહી જાય છે, રોગોનો ભોગ બને છે અને છેવટે આપઘાત કરવા પ્રેરાય છે. આપણા બહેરા અને આંધળા થઇ ગયેલા સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી. સંસદસભ્યો પોતાના પગાર અને ભથ્થાં વધારી શકે છે, પણ કિસાનોની આવક વધારવાનો કોઇ વિચાર કરતું નથી.

આપણા દેશમાં શોષણનું તંત્ર એવી રીતે ગોઠવાયું છે કે ધોમધખતા તાપમાં, કડકડતી ટાઢમાં કે મુશળધાર વરસાદમાં કાળી મજૂરી કરીને ધાન્ય, કઠોળ તેમ જ શાકભાજી ઉગાડતા કિસાનો બેહાલ છે, જ્યારે અનાજ-કઠોળનો વેપાર કરનારા વેપારીઓ, સટ્ટો કરનારા સટોડિયાઓ, સંઘરાખોરો, તેલિયા રાજાઓ, સાકરનાં કારખાનાંના માલિકો, ફુડ પ્રોસેસિંગ કરનારી કંપનીઓ, હોટેલોના માલિકો, ઉદ્યોગપતિઓ, ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના વેપારીઓ, ફર્ટિલાઇઝર કંપનીઓ, તેના શેર હોલ્ડરો, હાઇબ્રીડ બિયારણ વેચતી કંપનીઓ, તેના માલિકો વગેરે સમૃદ્ધિમાં આળોટે છે. સિમેન્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિઓ કાર્ટેલ બનાવીને ભાવો વધારી મૂકે છે, પણ ગરીબ કિસાનને તેનું ઉત્પાદન પાણીના ભાવે વેચવાની ફરજ પડે છે. દેવામાં ડૂબેલા હજારો કિસાનો આપઘાત કરીને પોતાના જીવનનો અંત આણે છે. ભારતના કિસાનોની બરબાદીનું કારણ રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને જિનેટિકલી મોડિફાઇડ બિયારણ છે, પણ તેઓ તે માટે સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.

મોન્સાન્ટો નામની મલ્ટિનેશનલ કંપનીના બીટી કપાસનું મોંઘુંદાટ બિયારણ ખરીદે છે ત્યારે તેમને આશ્વાસન આપવામાં આવે છે કે તેમાં જંતુ ન લાગતાં હોવાથી તમારો જંતુનાશક દવાનો ખર્ચો બચી જશે. મોંઘું બિયારણ વાપર્યા પછી પણ તેમાં જંતુ પડે ત્યારે કિસાન બરબાદ થઇ જાય છે. મહારાષ્ટ્રના હજારો કિસાનો જુલાઇથી નવેમ્બર દરમિયાન જંતુનાશક દવાઓ શ્વાસમાં જવાને કારણે ગૂંગળાઇને મરી જાય છે, પણ તે માટે પણ તેઓ સરકારને જવાબદાર ગણે છે. ખેડૂતો બિયારણ ખરીદવા બેન્ક પાસેથી લોન લે છે, પણ પાક નિષ્ફળ જવાથી લોનના હપ્તા ચૂકવી શકતા નથી. ભારતના કિસાનો યંત્રઆધારિત કૃષિ તરફ વળ્યા તેને કારણે પણ તેમની વિટંબણા વધી છે.

નાસિકના દિંડોરી તાલુકામાં રહેતો કિસાન વાઘેરે એક એકર જમીનમાં ડાંગર ઉગાડે તેનો ખર્ચ આશરે ૧૨,૦૦૦ રૂપિયા આવે છે. એક એકરમાં આશરે ૧૫ ક્વિન્ટલ ડાંગર પેદા થાય તે બજારમાં વેચવા જાય ત્યારે તેના હાથમાં માંડ ૧૫,૦૦૦ રૂપિયા આવે છે. ચાર મહિના કાળી મજૂરી કર્યા પછી કિસાનના હાથમાં ત્રણ હજાર રૂપિયા આવે તેમાં તે કેવી રીતે ગુજરાન ચલાવી શકે? કિસાન વેપારીને જે ચોખા ૧૦ રૂપિયાના ભાવે વેચે છે તે વેપારી ગ્રાહકને ૨૫ થી ૩૦ રૂપિયાના ભાવે વેચે છે. રેસ્ટોરન્ટમાં ૫૦ ગ્રામ ચોખામાંથી બનતી રાઇસની પ્લેટ ૬૦ રૂપિયાના ભાવે વેચાય છે. બાપડા કિસાનને મજૂરી નથી છૂટતી, પણ વેપારી મલાઇ ખાઇ જાય છે. કિસાનોની પહેલી માગણી સ્વામિનાથન કમિટિના હેવાલનો અમલ કરવાની છે.

સ્વામિનાથન કમિટિનું સૂચન હતું કે કિસાનોનો જળ, જમીન, વીમો, ધિરાણ, ટેકનોલોજી, જૈવિક સંસાધનો, માર્કેટ વગેરે પર પહેલો અધિકાર હોવો જોઇએ. સ્વામિનાથને કૃષિને રાજ્ય સરકારની યાદીને બદલે કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત યાદીમાં મૂકવાની સિફારસ કરી હતી. હકીકતમાં આપણી સરકાર તમામ સંસાધનો પર પોતાનો કબજો જમાવીને બેઠી હોવાથી તે સ્વામિનાથન કમિટિના હેવાલનો અમલ કરતી નથી. સિંચાઇનાં પાણી પર કિસાનોનો અધિકાર નથી. સરકાર જ્યારે ચાહે ત્યારે નહેરનું પાણી છોડે છે, જ્યારે ચાહે ત્યારે બંધ કરી દે છે. કૃષિની જમીન પર પણ કિસાનોનો અધિકાર નથી. સરકાર વિકાસ યોજનાને નામે કિસાનોની જમીન ઝૂંટવી લેવાની સત્તા ધરાવે છે.

ખેતપેદાશોની માર્કેટ પર પણ કિસાનોનું નિયંત્રણ નથી. તેના પર માલદાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કબજો જમાવીને બેઠા છે. કિસાન પોતાના માલની વેચાણ કિંમત નક્કી કરી શકતો નથી. જો સ્વામિનાથન કમિટિનાં સૂચનોનો અમલ કરવામાં આવે તો ખેડૂતોને પોતાના ઉત્પાદનની મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરવાની સ્વતંત્રતા મળી જાય તેમ છે. સરકાર પાસે બુલેટ ટ્રેન માટે નાણાં છે, પણ કિસાનોના કલ્યાણ માટે નાણાં નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts