ભારતનાં રાજકારણનું કેન્દ્ર જો દિલ્હી છે તો સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર હવે અયોધ્યા – રામમંદિર છે

પાંચ ઓગસ્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રમાં રામમંદિરના ભૂમિમપૂજનની બધી જ તૈયાર થઇ ચૂકી છે. બાબરી મસ્જિદ તૂટયાનો બનાવ જેમ ભારતીય સમાજ અને રાજકારણમાં અત્યંત મહત્વનો હતોઅને ખરુ કહો તો મહાત્મા ગાંધી અને ભારતીય બંધારણને માન્ય બિનસાંપ્રદાયિકતાથી ભિન્ન હતો. ત્યાર પછી ભારતમાં અયોધ્યાનાં રામમંદિર વિશે ખૂબ વિવાદ ઉહાપોહ થયા. અદાલતી કાર્યવાહી ચાલતી રહી. ભાજપની બહુમતિવાળી સરકાર આવી પછી જ તે સ્પષ્ટ ચુકાદારૂપે ‘લોકનિર્ણય’ બની.

ભારતનાં રાજકારણનું કેન્દ્ર જો દિલ્હી છે તો સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર હવે અયોધ્યા - રામમંદિર છે

એ ચુકાદા વખતે દેશભરમાં પ્રતિ આંદોલન થવાની પૂરી શકયતા હતી પણ મોદી અમિત શાહના શાષકીય પ્રભાવે અને વિત્યા વર્ષોમાં પ્રથમ મુખ્યમંત્રી તરીકે અને પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામમંદિર વિશે જે વલણ દાખવેલું તે કારણે વિરોધીઓને સ્પષ્ટ બોધ થઇ ગયેલો. એ ચુકાદો ખરેખર જ ઐતહાસિક બની ગયો બાકી જયાં નાની નાની વાતે પણ મોટા મોટા હિન્દુ મુસ્લિમ દંગા થયા હોય ત્યાં કોઇ ચૂં કે ચાં ન કરે એ અસંભવ હતું. જે બન્યું તે ઠીક થયું એવા નિરીક્ષણ પહેલાં કહેવું જોઇએ કે જો કોંગ્રેસની સરકાર હોત તો આ બનવું અસંભવ હોત. કોંગ્રેસ કેટલાંક મુદ્દે અનિર્ણયની બંદીવાન રહી છે. 

હિન્દુ મત તો પોતાને મળવાનો જ છે અને મુસ્લિમ મત ચુકવો નથી એવું કાયમી વલણ તેમનું રહ્યું. બાબરી મસ્જિદ તૂટી પછી કોંગ્રેસ માટે આઘાતક રીતે આ પ્રજામન બદલાયું આ માટે અડવાણી વાજપેયીને પ્રથમ કારણરૂપે ગણવા જોઇએ. સાથે જ નરસિંહરાવ અને તે પહેલાં રાજીવ ગાંધીનું ય સ્મરણ થવું જોઇએ.

ભારતમાં વસતી હિન્દુ બહુમતિ આજે શાસનનાં કેન્દ્રમાં આવી ગઇ છે. વડાપ્રધાન મોદી મોટું ભકિતમંડળ ધરાવે છે તેના કારણમાં પણ હિન્દુ સ્વમાનની લાંબી લડાઇ છે જેને ઘણા લોકો આઝાદીથી આજ સુધી થયેલા અન્યાયને બેલેન્સ કરનાર તત્વ તરીકે જુએ છે. ઘણા કહે છે કે અયોધ્યામાં તો દરેક ગલી મહોલ્લે રામના મંદિર છે તો આ રામમંદિરનું શું કામ?

શું આ મંદિર ધાર્મિકથી વધુ રાજકીય છે? જો કોઇ આ માને તો ખોટું ય નથી પણ આ પ્રજામનનું રાજકારણ છે. ભારતીય હિન્દુઓને મન રામાયણ અને મહાભારત અત્યંત મહત્વના ગ્રંથ છે. તેના વડે ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે. સાવ સામાન્ય, અભણ ગણાય તેનાથી માંડી વિધ્વાન, અભ્યાસુઓ માટે પણ તે નીતિ નિર્ધારક મહાકાવ્યો છે. સ્વભાવિક રીતે જ રામ અને કૃષ્ણનું ભારતીયોનાં મનમાં મોટું મહત્વ છે. અયોધ્યામાં રામમંદિર બનવું ભારતીય સંસ્કૃતિ માટે વર્તમાન સમયની શિખરરૂપ ઘટના છે.

એઆઇએમઆઇએમના નેતા અસહુદીન ઓવૈસીએ એક ટવિટ કરી કહ્યું છે કે વડાપ્રધાન તરીકે મોદી જો રામમંદિરનું પૂજન કરશે તો ભારતીય બંધારણના સોગંદનું ઉલ્લંઘન છે. ઓવૈસી રાજકીય રીતે તો બહુ નાના પક્ષના નેતા છે.  પણ તેઓ મુસ્લિમ નેતૃત્વ કરવાના નાતે મોટા દેખાવાનો પ્રયત્ન કરે છે. વડાપ્રધાન મોદી તેમને નહીં સાંભળશે એ સ્વાભાવિક છે.

ભારતનાં નેતા હોવાના નાતે, વડાપ્રધાન હોવાના નાતે તેમણે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કરવાનું જ હોય. આ આખા આંદોલનના ચાલકબળ તરીકે ભાજપ જ છે તો આ ભૂમિપૂજન કેવી રીતે ચૂકે? હિન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય સંયુકત મહાસચિવ સુરેન્દ્રકુમારે જેને ઉદગાર કાઢયા છે કે હિન્દુઓના ૫૦૦ વર્ષનો સંઘર્ષ ટૂંક સમયમાં રંગ લાવશે.

જો કે અહીં નોંધવું જોઇએ કે ભાજપ અને વિહિપ વચ્ચે હંમેશા સંઘર્ષ રહ્યો છે કે આ મંદિર નિર્માણનો યશ કોણ લઇ જાય. પણ કહેવું જોઇએ કે ભાજપના સતત નેતૃત્વનું જ આ પરિણામ છે.

વડાપ્રધાન મોદી અને ભાજપને તેનો મોટો લાભ થશે. કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવી અને આ મંદિર નિર્માણ ભારતીય રાષ્ટ્રનાં મોટા રાજકીય અને સાંસ્કૃતિક બનાવ છે આ ભૂમિપૂજન પછી મંદિર નિર્માણ ઝડપભેર થવાનું છે અને આવનારી લોકસભાની ચૂંટણી પહેલા પૂર્ણાહુતિ સુધી પહોંચી જશે. ભાજપે જો મંદિર બનાવવું જ હોય તો આ સમયમાં જ બનવું જોઇએ.

આ રામમંદિર કોઇ લઘુમતી સામે ધાર્મિક વિજયરૂપે ન જોવાનું જોઇએ. કારણ કે એનો હેતુ બહુ વ્યાપક છે.  ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ પોતાના સત્તાકાળમાં ધાર્મિક વર્ચસ્વ સ્થાપવા પ્રયત્નો કર્યા જ છે તો હવે મંદિર ન બનશે તો શું બનશે? ભારતની સાંસ્કૃતિક ચેતનાનો આ મોટો પડાવ છે.

Related Posts