World

‘મને લાગ્યું હવે હું મરી જઈશ’, ફ્લાયદુબઈના પાઇલટ સ્મિત મચ્છરે નેતન્યાહુ સામે વર્ણવી હુમલાની ભયાનક ઘટના

હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા વિમાનમાં અચાનક પોતાનો જ સહ-પાઇલટ ઈમરજન્સી કુહાડીથી હુમલો કરે અને વિમાન ઝડપથી નીચે તરફ ખાબકવા લાગે તો સ્થિતિ કેટલી ભયાનક બની શકે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે આવી જ ભયાનક પરિસ્થિતિનો સામનો કર્યો હતો. માથામાં ગંભીર ઈજા થઈ હોવા છતાં તેમણે હિંમત ન હારી અને આખરે કોકપિટનો દરવાજો ખોલાવીને વિમાનમાં સવાર 174 મુસાફરોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર ઘટનાને કેપ્ટન સ્મિત મચ્છરે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની વાતચીત દરમિયાન વિગતવાર યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે હુમલો એટલો અચાનક થયો હતો કે શરૂઆતમાં તેમને સમજાયું જ નહોતું કે તેમની સાથે શું બની રહ્યું છે. તેમને એક ક્ષણે એવું લાગ્યું હતું કે કદાચ વિમાન કોઈ વસ્તુ સાથે અથડાયું છે અથવા તેમાં કોઈ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ છે.

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં ઓમાની સહ-પાઇલટ હમામ અલ-હમ્મામી પોતાની સીટ પરથી ઊભો થયો હતો. તેણે પ્રાર્થના કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવી પરિસ્થિતિ સ્થાનિક સહકર્મીઓ માટે સામાન્ય હોવાથી કેપ્ટન સ્મિતે તેની વાતને સામાન્ય રીતે લીધી હતી. તેમણે તેની ધાર્મિક લાગણીનું સન્માન કરતાં પાછળ વળીને જોવાનું ટાળ્યું અને પોતાનું ધ્યાન વિમાનના કંટ્રોલ પર જ રાખ્યું. થોડા સમય બાદ પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. સહ-પાઇલટે કોકપિટમાં ઈમરજન્સી માટે રાખવામાં આવેલી કુહાડી ઉપાડી અને કેપ્ટન સ્મિતના માથાના પાછળના ભાગે હુમલો કર્યો. પ્રથમ ઘા બાદ પણ તેમને શરૂઆતમાં હુમલાની જાણ થઈ નહોતી. પરંતુ ત્યારબાદ ઉપરાઉપરી પ્રહાર થતાં તેમને સમજાયું કે વિમાનમાં કોઈ ટેકનિકલ સમસ્યા નહીં, પરંતુ તેમની સાથે બેઠેલો જ વ્યક્તિ તેમના પર હુમલો કરી રહ્યો છે.

હુમલાના કારણે કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા હતા. માથામાંથી લોહી વહી રહ્યું હતું અને આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. તેમની દૃષ્ટિ લગભગ બંધ થઈ ગઈ હતી. બીજી તરફ વિમાનનું સંતુલન બગડતાં તે ઝડપથી નીચે તરફ જવા લાગ્યું હતું. મુસાફરોના ચીસોના અવાજ અને વિમાનની સ્થિતિ જોઈને તેમને સમજાઈ ગયું કે જો કોકપિટમાં તરત કોઈ મદદ નહીં પહોંચે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ સ્થિતિમાં પણ કેપ્ટન સ્મિતે હિંમત જાળવી રાખી. લોહીલુહાણ હાલતમાં તેમણે ઊભા થવાનો પ્રયાસ કર્યો અને કોકપિટનો દરવાજો ખોલવા આગળ વધ્યા. તેઓ એક વખત દરવાજો ખોલવામાં સફળ પણ થયા હતા, પરંતુ હુમલાખોરે તેમને પાછળ ખેંચી લીધા અને દરવાજો ફરી બંધ કરી દીધો. કેપ્ટન જમીન પર પટકાયા હતા, છતાં તેમણે ફરી પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો.

કોકપિટની બહાર રહેલા ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો પણ દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ કોડની મદદથી દરવાજો ખોલવા મથી રહ્યા હતા, પરંતુ અંદર રહેલો હુમલાખોર દરવાજાની સિસ્ટમને બ્લોક કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં અંદરથી દરવાજો ખોલવો જરૂરી બની ગયો હતો. ગંભીર ઈજા અને લગભગ બંધ થઈ ગયેલી દૃષ્ટિ વચ્ચે કેપ્ટન સ્મિતે કોકપિટના દરવાજા પાસે રહેલી નાની ગોળ નોબ શોધી કાઢી. તેમણે તેને ફેરવીને દરવાજો ખોલી દીધો. દરવાજો ખુલતાં જ બહાર રાહ જોઈ રહેલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ કોકપિટમાં ઘૂસી ગયા અને હુમલાખોર સહ-પાઇલટને કાબૂમાં લીધો.

આ દરમિયાન વિમાનને સુરક્ષિત રીતે ઉતારવાની જવાબદારી અન્ય પાઇલટ્સે સંભાળી. વિમાનને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ ઘટનામાં કેપ્ટન સ્મિત મચ્છરની હિંમત અને ઝડપી નિર્ણયે મોટી દુર્ઘટના ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફ્લાઇટમાં 174 મુસાફરો સવાર હતા અને મોટાભાગના મુસાફરો ઈઝરાયલી નાગરિકો હતા. કેપ્ટન સ્મિતે અગાઉ હોસ્પિટલમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત દરમિયાન પણ આ મુશ્કેલ સમયને યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા ત્યારે તેમણે મનોમન હનુમાન ચાલીસાનું સ્મરણ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, આ સ્મરણથી તેમને ફરી ઊભા થઈને પરિસ્થિતિ સામે લડવાની હિંમત મળી હતી.

આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ કેપ્ટન સ્મિતની સારવાર કરવામાં આવી હતી. સંયુક્ત આરબ અમીરાતના નાયબ વડાપ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ અલ મકતૂમે પણ અબુ ધાબીની હોસ્પિટલમાં તેમની મુલાકાત લીધી હતી અને મુસાફરોના જીવન બચાવવા માટે તેમની હિંમતની પ્રશંસા કરી હતી. કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને ઈઝરાયલમાં પણ વિશેષ સન્માન મળ્યું છે. બેન્જામિન નેતન્યાહુએ તેમને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી મે મહિનામાં યોજાનારા ઈઝરાયલના સ્વતંત્રતા દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. બંનેને પરંપરાગત મશાલ પ્રગટાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સન્માન સામાન્ય રીતે ઈઝરાયલી નાગરિકોને આપવામાં આવે છે. એક તરફ વિમાન હજારો ફૂટની ઊંચાઈએ હતું, બીજી તરફ કોકપિટમાં જ જીવલેણ હુમલો થયો હતો અને આંખોની દૃષ્ટિ પણ ધૂંધળી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં પણ કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની જાતને સંભાળી, કોકપિટનો દરવાજો ખોલ્યો અને વિમાનમાં સવાર લોકો માટે બચાવનો રસ્તો તૈયાર કર્યો. તેમની આ હિંમત હવે આ ઘટનાની સૌથી મહત્વપૂર્ણ બાબત બની છે.

Most Popular

To Top