બિલ પાસ કરાવવાની ઉતાવળ

વર્તમાન સરકારના ઘણા નિર્ણયો અને સંસદમાં પસાર થયેલા બિલ પરત્વે વિરોધપક્ષ જ નહીં, આમ જનતાના અસરગ્રસ્ત જૂથો ભારે વિરોધ કરે  અને એ વિરોધ વચ્ચે બિલ પસાર થઈ જાય છે. પછી એ કાયદા વિરુદ્ધ ઉગ્ર નારાજગી, આંદોલન શરૂ થાય એટલે સરકાર એ બિલ વિશે સમજાવવા નીકળે છે. સવાલ એ થાય છે કે કોઈ પણ ખરડો સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાવાની આટલી ઉતાવળ શા માટે? તાજેતરમાં ખેડૂતો માટેના જે બિલ સંસદમાં પસાર થયા એનો વિવિધ રાજ્યના ખેડૂતોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો..હજી એ ચાલુ જ છે. આ બિલ ખેડૂતોના તમામ હિતોનું રક્ષણ કરશે એવું સમજાવવા નીકળેલી સરકારે બિલ મૂકતા પહેલાં વિવિધ ખેડૂત સંગઠનો સાથે ચર્ચા-વિચારણા કરી એમને વિશ્વાસમાં લીધા હોત તો આવો પ્રશ્ન ન થાત. પણ.. આમ નહીં કરવા પાછળની મનસા કંઈક જુદી હોય એમ લાગે છે.  કાં તો ખેડૂતોની સમજ, વ્યથા સાચી છે અથવા કાચી છે. અથવા સરકારના મનમાં ભવિષ્ય માટે બિલની આડમાં કંઇક રંધાઈ રહ્યું છે. બહુમતિની તાકાતનો ગર્વ લોકશાહીને સરમુખત્યારશાહી તરફ લઈ જાય છે..! પણ, બહુમતિ પ્રજા જ સરકારને લોકશાહીની અસલ તાકાત બતાવી શકે છે. લાગે છે, આ વાત સરકાર વિસરી ગઈ છે.

સુરત      – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts