સુરત: સુરત જિલ્લા પંચાયત દ્વારા બે દિવસ પહેલા કરવામાં આવેલા 92 તલાટીના બદલીના ઓર્ડરથી ભારે રાજકીય તોફાન ઊભું થયું છે. આ ઓર્ડર જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખને સંપૂર્ણપણે અવગણીને, ડેપ્યુટી ડીડીઓ ગજેન્દ્રસિંહ પટેલે મનસ્વી રીતે કર્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ ઓર્ડર બાદ ગઈકાલે કારોબારી પ્રમુખે જિલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં બોલાવી ડેપ્યુટી ડીડીઓને ખખડાવ્યા હતા.
- પ્રમુખને વિશ્વાસમાં લીધા વિના Dy.DDOએ મનસ્વી રીતે બદલીના ઓર્ડર કરતા પદાધિકારીઓ લાલઘૂમ
- કારોબારી અધ્યક્ષે ડે.ડીડીઓ ગજેન્દ્ર પટેલને પ્રમુખની ચેમ્બરમાં બોલાવી આડેહાથ લીધા
- પ્રમુખ-ઉપપ્રમુખની જાણ બહાર બદલી કરી, ને પદાધિકારીઓની ભલામણો પણ કચરાપેટીમાં ફેંકી દીધી
મળતી માહિતી મુજબ બદલીની પ્રક્રિયામાં પ્રમુખ કે ઉપપ્રમુખને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી. પદાધિકારીઓની ભલામણો હોવા છતાં તેને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી છે. ડેપ્યુટી ડીડીઓએ પોતાના દબદબામાં આવીને તલાટીઓના બદલીના ઓર્ડર જાહેર કરી દીધા.
આ મામલે કારોબારી અધ્યક્ષ જીતુ પટેલે તો સીધા પ્રમુખ ભાવિનીબેનની ચેમ્બરમાં ગજેન્દ્રસિંહને બોલાવીને આડેહાથ લેતા સ્પષ્ટ કહી દીધું કે, “પ્રમુખને અવગણીને કરેલા આવા ઓર્ડર બંધારણ વિરુદ્ધ છે. પ્રજાએ અમને ચૂંટ્યા છે, પ્રમુખનું પદ સર્વોચ્ચ છે અને તેની અવગણના કરીને કામ કરવું ખુલ્લો દંભ છે.” અલબત્ત આ અંગે વધુ વિગતો જાણવા ડીડીઓને ફોન કરતા તેમણે ફોન રિસીવ કર્યો નહોતો.
પાંચ-છ વર્ષથી પલાઠી મારીને જામી પડેલા તલાટીઓ યથાવત, છ મહિનાના તલાટીઓની બદલી!
આદેશની મનસ્વીતા એટલી સ્પષ્ટ છે કે અનેક તલાટીઓ પાંચથી છ વર્ષથી એક જ જગ્યાએ પલાઠી વાળીને બેઠા છે છતાં તેમની બદલી કરવામાં આવી નથી. બીજી બાજુ, કોઈ તલાઓટીની ફક્ત છ મહિનામાં જ બદલી કરીને ભેદભાવ ભરેલી કાર્યવાહી હાથ ધરાઈ છે. મહુવા તાલુકાના તરસાડી ગામમાં તલાટી છેલ્લા છ વર્ષથી જામી ગયો છે. ગામના સરપંચે અનેકવાર તેની વિરુદ્ધ ફરિયાદો કરી હોવા છતાં આ તલાટી સામે કોઈ કાર્યવાહી થઈ નથી. ગામમાં તે કામ કરતો નથી છતાં તેને અડગ રાખવામાં આવ્યો છે. આ કિસ્સો બદલી પ્રથાની ગંદી હકીકતને ઉજાગર કરે છે.
જિલ્લા પંચાયતમાં નેતાઓની જગ્યાએ અધિકારીઓની રાજનીતિ વધી ગઈ!
જિલ્લા પંચાયત ખાતે હાલની સ્થિતિ એવી બની ગઈ છે કે ચૂંટાયેલા પદાધિકારીઓની જગ્યાએ અધિકારીઓ વધારે રાજનીતિ કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી ઘણી બાબતોથી અજાણ હોય છે. પરંતુ તેમના હાથ નીચેના કેટલાક અધિકારીઓ સભ્યો બાબતે તેમને મિસબ્રીફ કરતા હોવાની પણ ચર્ચા છે. ખરેખર ડીડીઓએ જાતે દરેક પાસા તપાસવા જોઈએ.
ભારે રાજકીય રોષ વચ્ચે જવાબદારી નક્કી કરવા માંગ
આ સમગ્ર પ્રકરણથી જિલ્લા પંચાયતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પ્રમુખ અને પદાધિકારીઓની અવગણના કરીને કરાયેલા આવા ઓર્ડર લોકશાહી અને પંચાયતી વ્યવસ્થાની ખુલ્લી ધજ્જીયા ઉડાડે છે. હવે ડેપ્યુટી ડીડીઓની આ મામલે તાત્કાલિક જવાબદારી નક્કી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે.