ઓનલાઇન શિક્ષણ પ્રથા કેટલી યોગ્ય?

કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિએ વિશ્વનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું. સરકારે દરેક ગતિવિધિમાં ફેરફાર કરવા પડયા છે. જેમાં શાળાઓ પણ બાકાત નથી અને હાલ એવાં કોઇ લક્ષણો દેખાતાં નથી કે શાળાઓ જલદી ચાલુ થાય. જેને કારણે શાળાઓએ ઓનલાઇન શિક્ષણ પ્રથા ચાલુ કરી. અહીં ફકત પાંચથી અગિયાર વર્ષનાં બાળકોની મનોવ્યથાની જ વાત કરીએ તો ઓનલાઇન શિક્ષણ એ લોકોને વધુ પડતો બોઝ કહી શકાય. વાલીઓ માટે પણ આ એક કંટાળાજનક પ્રક્રિયા છે. જે તે શાળાઓમાંથી સૂચના આપવામાં આવે કે મોબાઇલમાં ફલાણી એપ્લીકેશન ડાઉનલોડ કરો પછી પ્લે સ્ટોરમાં જાવ વિગેરે વિગેરે… આ અટપટી પ્રક્રિયામાં ઘણાં વાલીઓને ગતાગમ પડતી નથી. આટલું કરવા છતાં છેલ્લો મોબાઇલ તો બાળકને જ સોંપવાનો હોય છે. પહેલાં મિડિયામાં કે શાળાની વાલીમંડળની મિટિંગોમાં ભારપૂર્વક એ કહેવામાં આવતું કે બાળકોને સ્માર્ટ ફોનથી દૂર રાખો, આંખોને નુકસાન થવાની સંભાવના છે. રેડિયેશનની આડઅસર થાય છે.

બાળક બહારની રમતોથી અલિપ્ત રહી અંતરમુખી બની જાય વિગેરે વિગેરે.. અને હવે આ જ શાળાઓ ઓનલાઇન શિક્ષણ માટે ત્રણ ત્રણ કલાક બાળકોને સ્માર્ટ ફોન આપવાનું સૂચન કરે છે. વાલીઓએ આમાં શું સમજવું? અંતે તો બાળકને મોબાઇલ આપવો જ પડે છે. પછી ધીરે ધીરે બાળક જાતે જ મોબાઇલ ઓપરેટ કરતો થઇ જાય પછી ગેમ રમવા આકર્ષાય અને મોબાઇલના બંધાણી થતા જાય. પછી આગળના પરિણામનું તો વિચારવાનું જ શું? ઓનલાઇનમાં બ્લેક બોર્ડ વગર સાંભળી સાંભળીને બાળક કેટલું ગ્રહણ કરી શકે? વળી એક કુટુંબમાં ત્રણ ચાર બાળકો હોય તો મધ્યમ વર્ગનાં વાલીઓ ત્રણ ચાર સ્માર્ટ ફોનની વ્યવસ્થા કયાંથી કરી શકે? બાળક ઓનલાઇન ફોન રોકી રાખે તો ફોન દ્વારા થતા બીજા વ્યાવસાયિક કામો વાલી કયારે કરી શકે? અને જો આ મહામારીના સંજોગોમાં શાળાઓ વહેલી શરૂ દેવામાં આવે તો પણ વિપરીત પરિણામ આવવાની પૂરેપૂરી સંભાવના છે.

આમ પણ દેશ અર્થકારણથી દસ વર્ષ પાછળ ધકેલાઇ ગયો છે. તો બાળકને પણ એક વર્ષનો ડ્રોપ લઇ નવા વર્ષથી જ શરૂઆત કરવી જોઇએ. ઓનલાઇનના અધકચરા જ્ઞાનથી બાળકનો શરૂઆતી પાયો જ કાચો રહેશે તો એ છેલ્લે સુધી નડશે. એના કરતાં શાળાની બેન્ચ ઉપર બેસીને શાળાનું શિક્ષણ જ યોગ્ય કહી શકાય.સુરત-રેખાબેન એમ. પટેલ

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts