Top News Main

અમેરિકા-ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક સમજૂતી, ઈરાનને મળશે સૌથી મોટી આર્થિક રાહત; હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલશે

મધ્ય પૂર્વમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાઓ પર આધારિત એક મહત્વપૂર્ણ સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર થયો હોવાનું સામે આવ્યું છે. આ સમજૂતીને બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક ઐતિહાસિક વળાંક તરીકે જોવામાં આવી રહી છે. જો અંતિમ કરાર પર હસ્તાક્ષર થાય છે તો ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક રાહત મળશે, જ્યારે વૈશ્વિક તેલ બજારને પણ મોટો ફાયદો થવાની સંભાવના છે.

મળતી માહિતી મુજબ આ 14 મુદ્દાની સમજૂતીમાં સૌથી મહત્વનો મુદ્દો હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખુલ્લો મૂકવાનો છે. હોર્મુઝ જળમાર્ગ વિશ્વના તેલ પરિવહન માટે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે. આ માર્ગ ફરી શરૂ થતાં વૈશ્વિક બજારમાં તેલ પુરવઠો સામાન્ય બનશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ પર દબાણ ઘટી શકે છે. સમજૂતી અનુસાર અમેરિકા ઈરાન સામેના કેટલાક આર્થિક પ્રતિબંધોમાં રાહત આપશે. મહત્વની બાબત એ છે કે ઈરાનની વિદેશી બેંકોમાં અટવાયેલી અંદાજે 24 થી 25 અબજ ડોલરની સંપત્તિ મુક્ત કરવામાં આવશે. આ રકમ ઈરાનની અર્થવ્યવસ્થાને ફરી ગતિ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ડ્રાફ્ટ કરારમાં તે પણ નક્કી કરવામાં આવ્યું છે કે અંતિમ સમજૂતી સુધી અમેરિકા ઈરાન પર નવા પ્રતિબંધો લાગુ નહીં કરે. સાથે જ ઈરાનના તેલ નિકાસ ક્ષેત્રને મર્યાદિત સમય માટે રાહત આપવામાં આવશે, જેથી દેશને વિદેશી ચલણની આવકમાં વધારો થઈ શકે.પરમાણુ કાર્યક્રમ અંગે પણ બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ સહમતી બની છે. સાથે જ ઈરાને પરમાણુ હથિયાર ન બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઉપરાંત યુરેનિયમ સંવર્ધનના વિસ્તરણને રોકવા અને નવા પરમાણુ પ્રોજેક્ટ શરૂ ન કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ મુદ્દે અંતિમ કરાર માટે હજુ વધુ ચર્ચા થવાની છે.સમજૂતીના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓમાં અમેરિકી નૌકાદળ દ્વારા ઈરાનના બંદરો પર લાગુ કરાયેલા અવરોધોને દૂર કરવાનો સમાવેશ થાય છે. કરાર અમલમાં આવ્યા બાદ 30 દિવસની અંદર આ પ્રતિબંધો હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આ પગલાથી

ઈરાનના વેપાર અને નિકાસ ક્ષેત્રને મોટી રાહત મળશે.
અહેવાલો અનુસાર ઈરાનના પુનર્નિર્માણ અને વિકાસ માટે વિશાળ આર્થિક સહાય પેકેજની પણ ચર્ચા થઈ રહી છે. કેટલાક અહેવાલોમાં સહાયનું મૂલ્ય 300 અબજ ડોલર સુધી હોવાનું જણાવાયું છે, જોકે તેની અંતિમ પુષ્ટિ હજુ બાકી છે.આ સમજૂતી માત્ર અમેરિકા અને ઈરાન પૂરતી મર્યાદિત નથી. તેમાં લેબનોન સહિતના વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી રોકવા અને વ્યાપક યુદ્ધવિરામ જાળવવાના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. બંને દેશો આગામી 60 દિવસ દરમિયાન વધુ વ્યાપક અને કાયમી કરાર માટે ચર્ચા ચાલુ રાખશે.આ દરમિયાન ઈરાનની અંદર કેટલાક કટ્ટરપંથી જૂથોએ આ સમજૂતીનો વિરોધ પણ શરૂ કર્યો છે. તેમનું માનવું છે કે કરારથી ઈરાનને અપેક્ષિત તમામ લાભો મળતા નથી. બીજી તરફ ઈરાની સરકારનું કહેવું છે કે આ સમજૂતી દેશના આર્થિક હિતો અને પ્રાદેશિક સ્થિરતા માટે લાભદાયક છે.

વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ અને ઊર્જા નિષ્ણાતોનું માનવું છે કે જો આ કરાર સફળતાપૂર્વક અમલમાં આવે તો વૈશ્વિક તેલ બજારમાં સ્થિરતા આવશે, મધ્ય પૂર્વમાં તણાવ ઘટશે અને આંતરરાષ્ટ્રીય વેપારને નવી દિશા મળશે. હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલતા તેલ અને ગેસના પરિવહનમાં સરળતા આવશે, જેના કારણે વૈશ્વિક અર્થતંત્રને પણ રાહત મળી શકે છે. હાલ બંને દેશો વચ્ચે અંતિમ હસ્તાક્ષરની પ્રક્રિયા બાકી છે, પરંતુ 14 મુદ્દાની આ સમજૂતીને અમેરિકા-ઈરાન સંબંધોમાં છેલ્લા ઘણા દાયકાઓનો સૌથી મોટો રાજદ્વારી બ્રેકથ્રૂ માનવામાં આવી રહ્યો છે. જો તમામ શરતો અમલમાં આવે તો ઈરાનને સૌથી મોટી આર્થિક રાહત મળશે અને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને નવી ગતિ મળશે.

Most Popular

To Top