નવી દિલ્હી: ઈન્ડિયન ક્રિકેટ (Indian Cricket Team) ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની (Hardik Pandya) મુશ્કેલીઓ વધી છે. આઈપીએલ 2024માં (IPL2024) મુંબઈ ઈન્ડિયન્સની (MI) કપ્તાની કરી રહેલાં હાર્દિક પંડ્યાની ટી-20 વર્લ્ડકપમાં પસંદગી અંગે શંકાઓ સેવાઈ રહી છે.
પંડ્યાની કેપ્ટનશિપમાં અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ 6 પૈકી 2 જ મેચ જીતી શક્યું છે. પંડ્યા આઈપીએલમાં બોલિંગ અને બેટિંગ બંનેમાં ફ્લોપ રહ્યો છે. દાવેદારોની સંખ્યા વધુ હોય પંડ્યા ટી-20 વર્લ્ડકપમાં સ્થાન મેળવી શકશે કે કેમ તે અંગે શંકા ઉભી થઈ છે.
આવી સ્થિતિમાં હવે તેના પર આ વર્ષના T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની તલવાર લટકતી જોવા મળી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની બેઠકમાં પણ આ મામલે ચર્ચા થઈ છે. આ વર્ષે T20 વર્લ્ડ કપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરશે. આ ટુર્નામેન્ટ જૂનમાં રમાશે.
દરમિયાન પસંદગીકારોની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર, કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને બીસીસીઆઈના (BCCI) અન્ય સભ્યો સામેલ થયા હતા. આ બેઠક 2 કલાક સુધી ચાલી હતી, જેમાં માત્ર ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરોની ચર્ચા થઈ હતી.
મીડિયા અહેવાલો મુજબ પસંદગીકારો પંડ્યાની બોલિંગ પર જ નજર રાખી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યાને ટી-20 વર્લ્ડ કપ 2024માં ત્યારે જ પસંદ કરવામાં આવશે જ્યારે તે IPLની બાકીની મેચોમાં બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે. પસંદગીકારોનું માનવું છે કે જો પંડ્યા સારી બોલિંગ કરવાનું ચાલુ રાખશે તો જ તે ટીમમાં પરત ફરી શકશે.
પંડ્યા નિયમિતપણે બોલિંગ કરી રહ્યો નથી IPL 2024માં અત્યાર સુધી પંડ્યાએ બેટ અને બોલ બંનેથી ખરાબ પ્રદર્શન કર્યું છે. મુંબઈએ છેલ્લી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમી હતી, જેમાં પંડ્યાએ ઈનિંગની છેલ્લી ઓવર ફેંકી હતી. આમાં જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી તો ફેન્સ પંડ્યાને વધુ ટ્રોલ કરવા લાગ્યા.
પંડ્યા IPL 2024 સીઝનમાં નિયમિતપણે બોલિંગ નથી કરી રહ્યો. તેણે 6માંથી 4 મેચમાં જ બોલિંગ કરી છે. ગુજરાત ટાઇટન્સ સામે 3 ઓવર અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 4 ઓવર બોલિંગ કરી. પછી પછીની બે મેચમાં બોલિંગ કરી ન હતી. પરંતુ ત્યારબાદ તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એક ઓવર નાંખી હતી. જ્યારે પંડ્યાએ ચેન્નાઈ સામે ત્રણ ઓવર ફેંકી હતી.