SURAT

નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સાથે સી.આર. પાટીલે લોકસભાની ચૂંટણીને લઈ કર્યો મોટો દાવો

સુરત: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજ્યની પ્રજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સાથે આગામી વર્ષમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ મોટો દાવો કર્યો છે. સી.આર. પાટીલે રાજ્યની લોકસભાની તમામ 26 બેઠક પર જંગી વોટથી જીતનો દાવો કર્યો છે.

નવા વર્ષ નિમિત્તે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના સુરતના ભટાર રોડ ખાતે આવેલા નિવાસ સ્થાને શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આવ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે સૌ કોઈને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે સી.આર. પાટીલે કહ્યું હતું કે, આગામી વર્ષ 2024માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ જંગી વોટિંગથી જીત મેળવશે. આ સાથે જ ભાજપ હેટ્રિંક નોંધાવશે તેવો દાવો સી.આર. પાટીલે કર્યો હતો. તે ઉપરાંત આ વખતે ભાજપના ઉમેદવારો 5 લાખથી વધુ મતો મેળવી જંગી સરસાઈ મેળવશે તેવો દાવો પણ પ્રદેશ અધ્યક્ષે કર્યો હતો.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, નવી આશાઓ નવા ઉત્સાહ સાથે નવા વર્ષમાં આપણે સૌ કોઈ આગળ વધતા હોય છે. આ પ્રસંગે નવા સંકલ્પો કરવામાં આવતા હોય છે, ત્યારે આગામી વર્ષે લોકસભાના ઈલેક્શનમાં રાજ્યમાં જંગી મતોથી જીતવાનો અમે સંકલ્પ કરીએ છીએ.

Most Popular

To Top