Gujarat

ગુજરાતમાં સ્થિતિ થાળે પડી: હવે વેક્સિન પણ ઝડપથી મળશે, ભારત બાયોટેકે હૈદરાબાદથી કોવેક્સિનનો જથ્થો અમદાવાદ મોકલ્યો

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધી રહ્યો છે. જ્યારે પોઝિટિવ દર્દીઓ ઘટી (Positive patients decreased) રહ્યા છે. છેલ્લાં એક અઠવાડિયાથી હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સની લાઈનો ઘટી ગઈ છે. સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ નથી. પરિસ્થિતિ થાળે પડતા હવે ગુજરાતનું પિક્ચર બદલાયું છે. હવે વેક્સિન લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. જોકે ગુજરાતમાં વેક્સિનનો જથ્થો ખૂટી જતા આ કામ પણ ધીમું પડ્યું હતું પરંતુ હવે રાજ્યમાં વેક્સિનેશનનું કાર્ય જોરમાં ચાલશે. ભારત બાયોટેકે (Bharat Biotech) હૈદરાબાદથી કોવેક્સિનનો જથ્થો અમદાવાદ મોકલ્યો છે જેથી હવે રાજ્યમાં વેક્સિનેશન સેન્ટરમાં વેક્સિનની અછત દૂર થશે.

રાજ્ય સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને 2 કરોડ અને ભારત બાયોટેકને 50 લાખ વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાદ હવે ભારત બાયોટેકની કોવેક્સિનનો અમુક જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે. આ જથ્થો હૈદરાબાદથી ઈન્ડિગો એરલાઇનના મારફતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો છે. આ જથ્થાની ફાળવણી રાજ્ય સરકાર કરશે. જોકે વેક્સિનનો જથ્થા આવવાથી હવે આશા છે કે લોકોને વેક્સિનેશન સેન્ટર પરથી વેક્સિન લીધા વગર પાછા નહીં ફરવું પડે. રાજ્યમાં 18થી 44 વયના લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ તેમના સ્લોટ પ્રમાણે વેક્સિન આપવામાં આવે છે તો કેટલીક જગ્યાએ લોકોને વેક્સિન લેવામાં સરળતા રહે તે માટે સ્પોટ રજિસ્ટ્રેશન કરાય છે.

ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ થાળે પડી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ વગેરે શહેરોમાં હવે એમ્બ્યુલન્સ અને બેડ માટેનું વેઇટિંગ પુરું થયું છે. હોસ્પિટલોમાં હવે દર્દીઓ માટે બેડ પણ ઉપલબ્ધ છે. રાજ્યમાં શનિવારે નવા 11892 નવા કેસ સામે આવ્યા છે. તેની સામે ડિસ્ચાર્જ કરાયેલા દર્દીઓનો આંકડો 14737 છે. સતત ચોથા દિવસે ડિસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેથી કહી શકાય કે ગુજરાતમાં પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. એક અઠવાડિયામાં ગુજરાતમાં આ પોઝિટિવ ચેન્જ જોવા મળ્યો છે. જ્યાં ઓક્સિજન લેવા માટે લાઈનો લાગતી હતી, ત્યા હવે વેક્સીનેશન માટે લાઈનો લાગી રહી છે. 18 વર્ષથી વધુ વયના લોકો માટે હવે ગુજરાતમાં વેક્સિનેશનનું કાર્ય પણ ઝડપથી થશે. વેક્સિનનો જથ્થો અમદાવાદ પહોંચી ગયો છે અને ત્યાંથી વિવિધ શહેરોમાં ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવશે.

Most Popular

To Top