Gujarat

રાજકોટમાં વરસતા વરસાદ વચ્ચે વિજય રૂપાણીની અશ્રુભીની વિદાઈ, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

પૂર્વ સીએમ સ્વ. વિજય રૂપાણી અનંતની યાત્રાએ નીકળી ગયા છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સ્વ. વિજય રૂપાણીના નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો. વિજય રૂપાણીનું પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નારા ગુજ્યાં હતા. રાજકોટના રામનાથ પર સ્મશાનગૃહ ખાતે આ અંતિમ સંસ્કારની વિધિ હાથ ધરાઈ હતી. કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજયપાલ આચાર્ય દેવવ્રત સહિતના ભાજપના પ્રદેશ આગેવાનોએ સ્વ. રૂપાણીના નશ્વર દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સાંજે વરસતા વરસાદમાં લોકો પોતાના પ્રિય નેતાને અંતિમ વિદાય આપવા માટે ઉમટ્યા હતા. બે કલાક ચાલેલી સ્મશાનયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. રાજકોટવાસીઓએ તેમના પ્રિય નેતા વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા અને અંજલિ આપવા માટે લાઇનો લગાવી હતી. આ પહેલા સાંજે વિજય રુપાણીને 21 બંદૂકોની સલામી આપીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકીય સમ્માન સાથે તેમની અંતિમ યાત્રા સ્મશાન પહોંચી હતી.

આ પહેલા અમદાવાદ એરપોર્ટથી સ્પે. વિમાન દ્વારા સ્વ. વિજય રૂપાણીનો નશ્વર દેહ રાજકોટ લઈ જવાયો હતો. રાજકોટ એરપોર્ટથી તેમના નિવાસસ્થાને (પ્રકાશ સોસાયટી) ખાતે લઈ જવાયો હતો. એરપોર્ટથી નિવાસસ્થાન સુધીના માર્ગમાં દિવંગત લોકનેતાને સંખ્યાંબધ રાજકોટવાસીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

એર ઈન્ડિયાના વિમાન દ્વારા સ્વ. વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા. જો કે ટેક ઓફ થયા બાદ 30 સેકન્ડની અંદર વિમાન મેઘાણી નગર વિસ્તારમાં મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું. જેમાં એક પ્રવાસી સિવાય 241 પ્રવાસીઓનું મૃત્યુ થયુ. જેમાં વિજય રૂપાણીનો પણ સમાવેશ થતો હતો. રવિવારે સ્વ. વિજય રૂપાણીના દેહનું ડીએમનએ મેચ થયું હતું. આજે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે રૂપાણીના પરિવારના સભ્યોને મૃતદેહ કોફિનમાં સોંપવામાં આવ્યો હતો. તે વખતે સ્વ. વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સહિત પરિવારના સૌ કોઈ ભાંગી પડ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ભારે હૈયે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મૃતદેહ કોફિનમાં સોંપાયો હોવાના કારણોસર પરિવારના સભ્યો વિજયભાઈનું છેલ્લીવાર મોઢું પણ જોઈ ન શક્યા નહોતા. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સૌ કોઈની આંખો ભીની થઈ જવા પામી હતી. સિવિલ હોસ્પિટલથી સ્વ. રૂપાણીના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ લઈ જવાયો હતો. અહીંથી વિમાન માર્ગે પરિવારના સભ્યો રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં આખા માર્ગ પર લોકનેતાને અંતિમ વિદાય આપવા જનમેદની ઉમટી પડી હતી.

Most Popular

To Top