Business

આર્થિક રિકવરી માટે રસીકરણની ઝડપ વધારવી રહી

સત્તાવાર જાહેર કરાયેલ આંકડાઓ પ્રમાણે ડિસેમ્બર કવાર્ટરમાં આર્થિક વિકાસનો દર પોઝીટીવ (0.4 ટકા) રહયો છે. આ કવાર્ટરના અગાઉ જાહેર કરાયેલ અનેક મેક્રો-ઇકોનોમીક પેરામીટર્સને ઉપલક્ષીને આ વધારો અપેક્ષિત પણ હતો. અગાઉના ઐતિહાસિક બે કવાર્ટર (જૂન અને સપ્ટેમ્બર)ના આર્થિક વિકાસના દરના ઘટાડા પછીનો આ વધારો ટેકનિકલ રીતે ભારત આર્થિક મંદીમાંથી બહાર નીકળી ગયાનો નિર્દેશ કરે છે એટલે આનંદના સમાચાર ગણાય. ડિસેમ્બર કવાર્ટરમાં બહુ ઓછા દેશોમાં વિકાસનો દર પોઝીટીવ રહયો છે. આવા દેશો (વિયેટનામ, ચીન અને તાઇવાન) સાથે ભારત જોડાયું છે.


ભારત પણ છ મહિનાના ટૂંકા સમયમાં આર્થિક ઝંઝાવાતમાંથી બહાર નીકળી શકયું છે એ આપણી મોટી સિધ્ધિ ગણાય. મહામારીના શરૂઆતાન તબક્કે આપણે રોજીરોટી (લાઇવલી હૂડ) રળવા કરતાં જનજીવન (લાઇવ્સ)ને પસંદગી આપી અને પછી તરત જ બંનેનું (લાઇવલીહૂડ અને લાઇવ્સ)નું બેલેન્સ કર્યું એ આપણી દૂરંદેશીએ દેશને મોટી જાનહાનિમાંથી બચાવી લીધો અને સાથે સાથે મોટા અભૂતપૂર્વ આર્થિક નુકસાનમાંથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જવાનો ઝડપી માર્ગ પણ બતાવ્યો.

ચીન અને વિયેતનામનો 2020ના પૂરા વરસનો આર્થિક વિકાસનો દર પોઝિટીવ થયો છે એટલે કે આ દેશો ખૂબ ઝડપથી કોરોનાની મહામારીને માત કરાવમાં સફળ રહયા છે. આપણે મોટ મહામારીના પ્રકોપમાંથી બહાર નીકળી રહયાનો અહેસાસ તો કર્યો પણ નજીકનું ભાવિ હજી પણ ધૂંધળુ જ જણાય છે. સરકારી આંકડાઓ પ્રમાણે ફીસ્કલ 21ના વરસે આપણા આર્થિક વિકાસમા 8 ટકાનો ઘટાડો અંદાજાયો છે. અગાઉના ત્રણ કવાર્ટરના ઘટાડાને ધ્યાનમાં રાખીએ તો માર્ચ 21ના કવાર્ટરમાં આર્થિક વિકાસનો દર ફરી એકવાર નેગેટીવ (0.7) થવાની ગણતરી આપણે મૂકી શકીએ.

તો આ જ જાહેરાતમાં માર્ચ કવાર્ટરમાં આર્થિક વિકાસનો દર પોઝિટીવ રહેવાનો નિર્દેશ પણ કરાયો છે. એટલે આ આંકડાઓનો મેળ બેસતો નથી અને ચાલુ માર્ચ કવાર્ટરમાં આર્થિક વિકાસનો દર પોઝીટીવ રહેશે કે નેગેટીવ તે અંગેની અવઢવ ચાલુ રહે છે. આ આંકડાઓ હકીકતમાં કેવા રહેશે તેનો મોટો આધાર કોરોનાના વધી રહેલ કેસના સંદર્ભમાં રાજય સરકારો કેવા પગલાં લે છે અને તેને કારણે આર્થિક પ્રવૃત્તિઓ (ખાસ કરીને સેવાના ક્ષેત્રની) પર કેવી બ્રેક લાગે છે તેના પર છે. તો બીજી તરફ વેકસીનેશનના શરૂ થયેલ પ્રોગ્રામને આપણે કેટલી ઝડપે આગળ વધારીને મહામારીના ફરી વધી રહેલ નવા કેસોને ઘટાડવામાં કેટલા સફળ રહીએ છીએ તે પર છે.

નવા અસરગ્રસ્ત થતા કેસોની વાત કરીએ તો ફેબ્રુઆરી 26ના રોજ સતત ત્રીજે દિવસે આ આંકડો 16500ને ઓળંગી ગયો છે જે જાન્યુઆરી મહિનાના સરેરાશ રોજના 10000ના આંકડા કરતા ઘણો મોટો છે. આ સંદર્ભમાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રહે અને તે વધુ વણસે નહીં પણ તેમાં સુધારો થાય તે માટે કેન્દ્ર સરકારે હાલની માર્ગદર્શિકાઓને માર્ચ 31 સુધી લંબાવી છે. નવા કેસના 50 ટકાથી વધુ કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા હોવાથી રાજય સરકાર સતર્ક બની છે.

સતત ત્રીજા દિવસે આ સીલસીલો ચાલુ રહયો છે. મહામારીની શરૂઆતમાં (માર્ચ 25થી મે 31) દાખલ કરાયેલ સખત અને સંપૂર્ણ લોકડાઉન તો નહીં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ પરના રીસ્ટ્રીકશન્સ કડક બનાવવાની વિચારણા ચાલી રહી છે. સિનેમા થિયેટરો અને લગ્નપ્રસંગો અને મળવા હળવાનાં અન્ય સામાજિક પ્રસંગો પરના રીસ્ટ્રીકશન્સ વધી શકે છે એટલું જ નહીં, નવા કેસો વધારવામાં મુંબઇન લોકલ ટ્રેઇનોની વધેલ સંખ્યાએ મહત્વનો ભાગ ભજવ્યો હોય તેમ મનાઇ રહયું છે અને આ ટ્રેઇનોની સંખ્યા ચાલુ અઠવાડિયામાં ગમે ત્યારે ઘટી શકે તેમ છે. અતિ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ કામદારો સિવાયની સેવાઓ માટેના કામદારો માટે ટ્રેઇન ટ્રાવેલ મર્યાદિત કરાવાની સંભાવના છે.

મુંબઇની લોકલ ટ્રેઇનોમાં બધા નાગરિકોને ફેબ્રુઆરીની પહેલી તારીખથી મર્યાદિત સમય માટે જ પ્રવાસની છૂટ આપવામાં આવી તો પણ તેના દસેક દિવસમાં જ નવા કેસોનો વધારો થવા માંડયો. આવા બધા બંધનો અને આકરી શરતો આખરે તો અર્થતંત્રની તાકાત પર નાના મોટા ઘા કરવાના જ. એકલે મહામારીના ટ્રાન્સમીશનની ચેઇન તોડવાનો બીજો અસરકારક ઉપાય વેકસીનેશનના કાર્યક્રમના અમલની ઝડપ વધારવાનો છે.

આ ઝડપ વધારવા માટે માર્ચની પહેલી તારીખથી સરકારની હેલ્થકેર સ્કીમ અને આયુષ્યમાન ભારત સ્કીમ માટેની પેનલ પર હોય તેવી ખાનગી હોસ્પીટલોને વેકસીનેશન માટેની આ ઝુંબેશમાં જોડાવાની છૂટ અપાઇ છે. સરકારી હોસ્પિટલોમાં વેકસીનેશન મફતમાં કરાશે જયારે ખાનગી હોસ્પિટલો તે માટેનો નક્કી કરાયેલ ચાર્જ લઇ શકશે. વરિષ્ટ નાગરિકો વેકસીનેશનના આ ત્રીજા તબક્કામાં વેકસીન લઇ શકશે. ત્રણથી ચાર મહિનામાં બધા વરિષ્ટ નાગરિકોને આવરી લેવાય તો વેકસીનેશન દ્વારા હર્ડ ઇમ્યુનિટી એચીવ કરવાનું કે ટ્રાન્સમીશન ચેઇન તોડવાનું લક્ષ શકય બને.

ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોના બિનશરતી સંપૂર્ણ સહકાર સિવાય આ ભગીરથ કામ પાર પડે તેમ નથી. સ્વાસ્થ્ય ક્ષેત્રે જાહેર ક્ષેત્રને પૂરક બને તેવી સેવાઓ આપતા નર્સિંગ હોમ્સ, હોસ્પિટલો અને હેલ્થ સેન્ટર્સ ખાનગી ક્ષેત્રે વિકસાવવાની જરૂરિયાત પર બાંધછોડને કોઇ અવકાશ નથી.
સાધારણ રીતે નોર્મલ પરિસ્થિતિમાં પણ આપણા સ્વાસ્થ્ય ક્ષેત્રની સેવાઓ તદ્દન અપૂરતી છે. તો મહામારી જેવી અસાધારણ પરિસ્થિતિમાં તો ખાનગી ક્ષેત્ર તે માટે સજ્જ ન હોય તો આપણી હાલત બહુ કપરી બની શકે. આ મહામારી એ પ્રશ્નનો અંત નથી. તે પછી પણ આપણે અન્ય વાયરસ મહામારીના સામના માટે તૈયાર રહેવું પડશે. અલબત્ત ખાનગી ક્ષેત્ર દ્વારા વસુલ કરાતા ચાર્જીસ સામાન્ય માણસની બિલકુલ પહોંચ બહારના છે એટલે એ વિષય ગંભીર વિચારણા માંગી લે છે.

વેકસીનેશન દ્વારા મહામારીને અટકાવવાનો કોઠો પસાર કર્યા બદ આર્થિક વિકાસ વખતો રહે તે માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો પરનો અંકુશ જરૂરી છે. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સતત વધી રહેલ ભાવોને કારણે (અને તે ઘટતા હોય ત્યારે પણ) કેન્દ્ર અને રાજય સરકારો પેટ્રોલિયમ પેદાશો પરની એકસાઇઝ ડયુટી અને વેટ વધારતા રહે છે.

પરિણામે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવોમાં લગભગ 60 ટકા જેટલો ફાળો આ કરવેરાનો છે. જેને કારણે ચીજવસ્તુઓના ભાવો અમર્યાદિત રીતે વધતા રહે છે. ભાવોની સ્થિરતા આર્થિક વિકાસના સાતત્યપૂર્ણ વધારા માટે જરૂરી છે. ક્રૂડના ભાવોમાં બેરલે દસ ડોલરનો વધારાથી સામાન્ય રીતે હેડલાઇન ઇન્ફલેશનમાં 25-30 પોઇન્ટનો વધારો જોવા મળે છે. આપણે અત્યાર સુધીમાં (ફેબ્રુઆરી 26) 1.24 કરોડ લોકોને વેકસીન આપી છે. જે આપણી વસ્તીના એક ટકાથી પણ ઓછું ગણાય. વેકસીનેશન દ્વારા હર્ડ ઇમ્યુનીટીના સ્તરે પહોંચવાનું આપણું ધ્યેય હોયતો આપણે વેકસીનેશનની સ્પીડ અને સ્પ્રેડ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

હર્ડ ઇમ્યુનીટી ચારથી છ મહિનામાં પહોંચવાનું લક્ષ હોય તો રોજ 20 લાખથી વધુ લોકોને રસી અપાવી જોઇએ. જે આંક આજે ચાર લાખથી પણ નીચો છે. આપણે આ બાબતે યુકે અને અમેરિકાની જેમ વધુ રાષ્ટ્રવાદી બનવું જોઇએ. ચીનની જેમ (જેને તેની કોવિડના સ્પ્રેડ બાબતે અને બીજી અનેક રીતે ખરડાયેલ ઇમેજ રીસ્ટોર કરવાનો મોટો પ્રશ્ન છે.) વેકસીનના ડોઝ અન્ય દેશોને ત્રીકૂટ કરવાને બદલે આપણે તે આપણા નાગરિકો માટે વાપરવા જોઇએ.

આમ પણ છેલ્લા કેટલાક વરસોથી ખાસ કરીને ટ્રમ્પ અમેરિકામાં સત્તા પર રહયા તે વરસોમાં ગ્લોબલાઇઝેશનના વળતા પાણી થતા જોવા મળ્યા છે. ભારત સહિતના ઘણા બધા દેશોએ પોતાનો દેશ પહેલાની નીતિ અપનાવી છે તો આપણા દેશવાસીઓની જિંદગી બચાવવાના પ્રશ્ને આપણે રાષ્ટ્રવાદી બનીએ તેમાં કશું ખોટું નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top