કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ,નોવેલિસ્ટ,કંપોઝર એવા ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની આજે 159મી જન્મજયંતી

કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ,નોવેલિસ્ટ,કંપોઝર એવા ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની આજે 159મી જન્મજયંતી

શ્રી રવિન્દ્રનાથ ટાગોર, નોબલ પારિતોષિક વિજેતા અને એક જાણીતા ભારતીય કવિ હતા જે ગુરુદેવ તરીકે જાણીતા હતા. તેઓ 7 મી મે, 1861 માં સમૃદ્ધ અને સાંસ્કૃતિક પરિવારમાં કોલકાતામાં જન્મ્યા હતા. તેમના માતાપિતા મહર્ષિ દેબેન્દ્રનાથ અને શારદા દેવી હતા. તેમને બાળપણથી કવિતા લખવામાં ખૂબ રસ હતો. એક મહાન કવિ હોવા સાથે તેઓ વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત 19મી અને તાજેતરની 20મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.તેમણે જ્યારે 1913માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.

તેઓ દેશના સાંસ્કૃતિક રાજદૂત હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન ફેલાવ્યુ હતુ.તેમના લખાણો આજે પણ લોકો માટે પથદર્શી અને ક્રાંતિકારી સાબિત થયા છે. તેમના લખાણો દ્વારા તેમણે લોકોને પ્રેમ, શાંતિ અને ભાઈચારાની ભાવના જાળવી રાખવા માટેનો પ્રયાસ કર્યો. ભારતીય સાહિત્યમાં  તેમનું યોગદાન ખૂબ વિશાળ છે. તેમની બે કવિતાઓ “અમાર સોનાર બંગલા” અને “જન ગન મન” ખૂબ જાણીતી છે, જે બાંગ્લાદેશ અને ભારત જેવા બે દેશોના રાષ્ટ્રીય ગીત છે. તેમના મોટાભાગના લખાણો બંગાળના લોકોના જીવન પર આધારિત હતા. ગાલપાગુક્ચા નામનો અન્ય એક લેખ ભારતીય લોકોની ગરીબી, પછાતતા અને નિરક્ષરતા પર આધારિત હતો. સોનાર તારી, કલ્પના, ચિત્ર, નૈવેદ્ય વગેરે જેવા કવિતા સંગ્રહો તથા ગોરા, ચિત્રાંગદા, માલિની, વિનોદિની વગેરે તેમની જાણીતી નવલકથાઓ  છે. તેઓ ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક વૈચારિક વૃત્તિવાળા હતા,સાથે તેઓ એક મહાન શિક્ષણશાસ્ત્રી હતા અને તેમણે શાંતિનિકેતન નામની એક અનન્ય યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. 7 ઑગસ્ટ 1941 માં કોલકાતામાં તેમનું નિઘન થયું હતું.

શ્રી રવિન્દ્રનાથના વિચાર સૂત્રો

  • ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
  • જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
  • દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
  • ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
  • મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
  • જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
  • પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે.
  • પસ્તાવો. હ્રદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.
  • કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે.

Related Posts