સરકારી શાળા કોલેજ – યુનિવર્સિટીમાં તો ફી ઘટાડો!

કોરોનાકાળમાં ખાનગી સ્કૂલો જયાં સુધી વાસ્તવિક વર્ગખંડ શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી ફી લઇ શકશે નહીં એવો પરિપત્ર કરનાર રાજય સરકારનું શિક્ષણ ખાતું સરકારી કે સરકારી ગ્રાંટ લેતી શાળા કોલેજોમાં પોતે કેમ ફીઘટાડો જાહેર નથી કરતી? આ પ્રશ્નને ગુજરાતની સંવેદનશીલ સરકાર ફરિયાદ ગણે, યાદ અપાવવા થયેલી નોંધ ગણે, પ્રજાને શિક્ષણ ફીમાં રાહત માટેનું સૂચન ગણે કે ખાલી માહિતી આપતો લેખ ગણે! એ હવે સરકારશ્રીએ નકકી કરવાનું છે. ગુજરાતમાં સરકારનો મુદ્દાસર કાન આમળનાર વિપક્ષ નબળો છે અને પ્રજાના પ્રબુધ્ધ વર્ગની જાહેર જીવન માટે પ્રશ્નો માટેની સમજણ નિસ્બત ઓછી છે એટલે રોજિંદા પ્રશ્નો માટે સૌનું ધ્યાન જ નથી જતું!

સરકારી શાળા કોલેજ - યુનિવર્સિટીમાં તો ફી ઘટાડો!

બાકી શાળામાં ફીઘટાડા માફી સાથે જ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ચાલતા કોર્સની ફી માટે પણ પ્રશ્ન ઊભો થાય જ! માંગણી ઊઠે જ! સામાન્ય પ્રવાહના શિક્ષણ સાથે જ ફાર્મસી, લો, મેડીકલ બી.એડ. જેવા તમામ વ્યવસાયી અભ્યાસક્રમો માટે પણ ફી-માફીનો વિચાર કરવો જ જોઇએ! વળી જયાં પ્રવેશપ્રક્રિયા જ નથી થઇ અથવા તો પ્રક્રિયા ચાલુ છે, જયાં ઓનલાઇન શિક્ષણ નામ પૂરતું ય શરૂ નથી થયું તે તમામ પ્રથમ વર્ગના કોર્સ માટે પ્રથમ સત્રની ફી માફી માટે માંગણી થવી જોઇએ અને ખાનગી શાળા, ખાનગી કોલેજોની ફી માફી તો તેમના સંચાલકોએ કરવાની છે, પણ સરકાર જે યુનિવર્સિટી કોલેજ શાળાને ચલાવે છે કે અનુદાન આપે છે ત્યાં તો ફી માફ સરકારે જ કરવાની છે! તો સરકાર રાહ કોની જુએ છે! સરકારી શાળા કોલેજ યુનિવર્સિટી તથા સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળા કોલેજ યુનિવર્સિટીમાં ફી ખૂબ ઓછી હોય છે અને ત્યાં માફીનો કોઇ પ્રશ્ન જ નથી એવું તમે માનતા હો તો તમે ભ્રમમાં જીવો છો, હકીકતોથી અજાણ છો!

એક તો સરકારની ગ્રાંટથી ચાલતી શાળા કોલેજોમાં પછી સત્ર ઘણા સમયથી ફી વધારી દેવામાં આવી છે પણ તમામ સંસ્થાઓમાં શિક્ષણ ફી કે જે સરકાર લે છે તે સિવાયના ખૂબ ટાઇટલથી રૂપિયા ઉઘરાવવામાં આવે છે. હવે ગ્રાન્ટ લેતી શાળા કોલેજો પણ વિદ્યાર્થીઓ પાસેથી ડેવલપમેન્ટ ફી કલ્ચરલ ફી, સ્પોર્ટસ ફી જેવાં મથાળાં હેઠળ ખૂબ બધા રૂપિયા ખંખેરે છે. આમ તો આ વધારાના મથાળા હેઠળ લેવાતા તમામ રૂપિયા ગેરકાયદેસર છે ને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના અનાદર સમાન છે કારણ કે થોડા ગત વર્ષમાં બે કે ત્રણ વાર જુદા જુદા કિસ્સામાં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાએ ‘કેમ્પસ ડેવલપમેન્ટ ફી’ કે ‘કલ્ચરલ એકિટવીટી ફી’ ના નામે ઉઘરાવવામાં આવેલા રૂપિયા પાછા આપવાના હુકમ કરેલા છે.

નિયમ તો  એવો છે કે કોરોના હોય કે ન હોય, સરકારી ગ્રાન્ટ લેતી શાળા કોલેજો સરકારશ્રી કે યુનિવર્સિટીએ મંજૂરી ન આવી હોય તેવો રૂપિયો પણ વિદ્યાર્થી પાસેથી ઉઘરાવી શકતી નથી પણ શાળા કોલેજો બેફામ બેધડક રીતે આ વધારાના પાંચસોથી હજાર રૂપિયા ઉઘરાવે જ છે! અને મોટી સંખ્યાના વિદ્યાર્થી સંખ્યા ધરાવતા કેમ્પસમાં સંચાલકોને આ વધારાની કરોડોની આવક થાય છે. હાલમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ફરજીયાતપણે બાળકોને કોમ્પ્યુટર કલાસ કે ટ્રેઇનિંગના નામે રૂપિયા પડાવે જ છે, જે સૌ જાણે છે. માટે અત્યારે જયારે બાળક શાળા કોલેજ જવાનું જ નથી ત્યારે આ પ્રેકટીકલ ગણી શકાય તેવી તમામ બાબતોના ખર્ચ બંધ છે અને તે વિદ્યાર્થીઓ પાસેથી વસુલવા જોઇએ નહીં તેમ સરકારે તત્કાળ જણાવવું જોઇએ!

ખાનગીકરણના યુગમાં જેમ ખાનગી શાળાઓ શિક્ષણ આપે છે તેમ ખાનગી યુનિ. અને ખાનગી કોલેજો પણ શિક્ષણ આપે છે. સરકારે સત્વરે આ ઉચ્ચ શિક્ષણ આપણી ખાનગી કોલેજો યુનિ. માટે માર્ગદર્શન આપવાની જરૂર છે. કારણ કે કોલેજોના છેલ્લા વર્ગની પરીક્ષા હજુ હવે થઇ રહી છે એટલે પોસ્ટ ગ્રેજયુએટના એમ. એ. એમ. એસ. સી. એમ. કોમ.ના વર્ગો દિવાળી પહેલાં શરૂ થવાના નથી. એવું જ બી. એડ. માટે પણ થવાનું છે! આ વર્ગની પ્રથમ સત્રની ફી સદંતર માફ જ કરવી પડે.

પ્રજા જાણે અજાણ હોય, પણ સરકાર તો જાણતી જ હશે કે ગુજરાતની તમામ સરકારી અને અનુદાનિત જૂની યુનિવર્સિટીઓમાં પણ ખુદ યુનિવર્સિટી જ માસ્ટર્સના મોટા ભાગના કોર્સ સેલ્ફ ફાયનાન્સ અથવા ઊંચી ફી લઇને ચલાવે છે. હવે જે સરકાર ખાનગી શાળાઓને તદ્દન ફી ન લેવા પરિપત્ર કરે છે. તે સરકારે આ યુનિવર્સિટીમાં ચાલતા સેલ્ફ ફાયનાન્સ કોર્સની પ્રથમ સત્રની ફી માફ કરવી જોઇએ અને માત્ર ટોકન ફી થી એડમીશન આપવા જોઇએ! જો ગુજરાત સરકાર વેળાસર નહીં જાગે તો જર્નાલિઝમ, બી. એડ., એમ. એડ, એમ. એમ. સી. જેવા અનેક માસ્ટર્સ કોર્સના વિદ્યાર્થીઓ એક પણ દિવસ શિક્ષણ મેળવવા વગર આખા સત્રની પંદરથી પચ્ચીસ હજારની ફી માં લૂંટાશે! અને માત્ર ફી માટે જ શું કામ, સરકારના શિક્ષણ ખાતાથી માંડીને યુ.જી.સી. સુધીની સંસ્થાઓએ આવા નહીં ચાલુ થયેલા કોર્સ માટે શૈક્ષણિક સત્ર, અભ્યાસક્રમ પરીક્ષા જેવા તમામ મુદ્દે ઝીણવટપૂર્વક વિચાર કરવાની જરૂર છે.

ખરેખર, માર્ચ મહિનામાં જ જેનો વિચાર અને નિર્ણય કરવાનો હતો તેવી બાબતો સરકાર કે શિક્ષણના સત્તાવાળાને ઓકટોબર સુધી ધ્યાનમાં નથી આવી તે સુશાસન કેવી રીતે ગણી શકાય? જયાં પ્રજાના પ્રબુધ્ધ વર્ગને શિક્ષકો અધ્યાપકોને પાયાના પ્રશ્નો જ ન થાય? વ્યાહારિક પ્રશ્નો જ ન થાય તે સમજુ અને કોઠાસૂઝવાળો સમાજ કેવી રીતે કહેવાય?

       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts