ભગવાન જુએ છે

દ્રશ્ય એક : એક ગામમાં અંધારી રાતે, વ્યવસાયે ચોર નહિ પણ સંજોગો અને ગરીબાઈને લીધે ત્રણ દિવસના ભૂખ્યા છોકરાઓને કંઈક ખવડાવી શકે તે માટે એક વખાનો માર્યો એક માણસ ચોરી કરવા નીકળ્યો.તેની પાસે કોઈ કામ ન હતું,બચત વપરાઈ ગઈ,બધે મદદ માંગી પણ ન મદદ મળી ન કોઈ કામ મળ્યું એટલે હવે જો ભૂખ્યાં છોકરાઓને કંઈક ખવડાવવું હોય તો તેના માટે માત્ર એક જ ઉપાય હતો ચોરી…અંધારી રાત્રે કાળો ધાબળો ઓઢી માણસ નીકળ્યો.

ભગવાન જુએ છે

એક મોટા વેપારીના ઘરમાં વાડ કૂદીને ઘુસ્યો. નક્કી કર્યું હતું કે સૌથી પહેલાં જે કંઈ મળે તે લઈને નીકળી જઈશ,મારે કંઈ આખું ઘર લૂંટવું નથી. અંદર ઘરમાં ગયો. ઘરના મોટા દિવાનખાનામાં ઘણી કિંમતી વસ્તુઓ હતી અને દઇવાનખાનામાં જ એક ખૂણામાં મંદિર હતું.માણસની પહેલી નજર મંદિર પર પડી…ભગવાનને જોતાં જ તે થંભી ગયો. તેને ડર લાગ્યો કે ભલે કોઈ મને ચોરી કરતાં જુએ ન જુએ પણ ભગવાન તો જુએ જ છે.પણ ચોરી કર્યા વિના પણ કોઈ ઉપાય ન હતો.એટલે માણસે ભગવાનના ડરથી;ભગવાન તેને જુએ નહિ તે માટે ભગવાનની મૂર્તિ પર પોતાનો કાળો ધાબળો ઢાંકી દીધો અને ત્યાં વેપારીના દિવાનખાનામાંથી ચોરી કરી નીકળી ગયો.

દ્રશ્ય બીજું : એક ભગત આખો દિવસ હરિનામ લે અને ભજનો ગાતા રહે.ગામમાં ભિક્ષા માંગવા જાય અને પહેલા પાંચ ઘરમાં ભિક્ષા માંગે અને જે મળે તે લઈને ઘરે આવી જાય.કોઈક વાર પહેલા પાંચ ઘરમાંથી ઓછું મળે તો બધાના પેટ ન ભરાય અને બાળકોણને ખવડાવી ભગત અને તેની પત્ની ભૂખ્યાં રહે.કોઈ વાર પહેલા પાંચ ઘરમાંથી ખપ પૂરતું મળી રહે;બધાનું પેટ ભરાય એટલું જો ચાર ઘરની ભિક્ષામાંથી મળી જાય તો ભગત પાંચમા ઘરે પણ ભિક્ષા માંગવા ન જાય.આમ રોજ જે મળે તેમાં ગાડું ચાલે.ભગતનાં પત્નીએ કહ્યું, ‘તમે કંઈ કામ કરો અથવા વધારે ઘરે ભિક્ષા માંગો.આ રોજ રોજ આજે પેટ ભરાય એટલું મળશે કે નહીં ની ચિંતા તો મટે. બે દિવસથી આપણે બંને ભૂખ્યાં છીએ અને બાળકો પણ સાવ આપના માટે બચે તે માટે ભૂખ્યાં રહે છે.તમે ભગવાનને આટલા ભજો છો તો પણ આપની સાવ આવી પરિસ્થિતિ છે ભગવાન આપની સામે જોતો જ નથી.’ ભગત બોલ્યા, ‘ના ના એમ ન બોલ, મને વિશ્વાસ છે કે મારો ભગવાન બધું જુએ છે અને બધાનું ધ્યાન રાખે છે.પાંચ ઘરમાં ભિક્ષા માંગવાનો મારો નિયમ છે તે તોડાય નહિ અને વધુ મેળવવાની લાલચ પણ કરાય નહિ.મારો ભગવાન જુએ છે તે આપણું ધ્યાન રાખશે.’

બંને દ્રશ્યમાં ભગવાન જુએ છે….તે ખબર છે પણ એકને ડર છે કે હું ખોટું કામ કરું છું તે ભગવાન જોઈ લેશે અને બીજાને પરમ શ્રધ્ધા છે કે ભગવાન જુએ છે એટલે તે મારું ધ્યાન રાખશે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts