Comments

લૈંગિક સમાનતા અને સમાન નાગરિક ધારો

જાન્યુઆરી ૨૭, ૨૦૨૫થી સમાન નાગરિક ધારા (સ.ના.ધા.)નો અમલ કરી, ઉત્તરાખંડ આઝાદ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. હવે આ કવાયત ગુજરાતમાં શરૂ થઇ છે. ચોથી ફેબ્રુઆરીનાં રોજ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈના વડપણ હેઠળ પાંચ સભ્યોની એક સમિતિની રચના થઇ છે, જેમને પિસ્તાલીસ દિવસમાં ગુજરાતનો સ.ના.ધા.નો મુસદ્દો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. પિસ્તાલીસ દિવસનો સમય આટલા મોટા કાયદાકીય ફેરફારને તૈયાર કરવા માટે આમ પણ ઓછા છે, એટલે એમાં અત્યંત આવશ્યક એવો લોકોના અભિપ્રાય જાણવા માટે સમિતિ પાસે સમયનો અભાવ જ રહેશે જેથી આ કવાયત જરા મોળી જ પડશે.  સમાન નાગરિક ધારાની માંગ સૌ પ્રથમ વખત 1937માં ઉઠી હતી. આઝાદી પછી બંધારણ સભામાં પણ એ અંગે ચર્ચા થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી ચર્ચામાં ઘણા વળાંક આવ્યા.

બંધારણના બે મહત્ત્વના પાસા લગ્નની સંસ્થાના સંદર્ભે વિરોધાભાસી પરિસ્થિતિનું સર્જન કરે છે. એક તરફ આર્ટીકલ 14 થી 24 દરેક વ્યક્તિને સમાનતા અને સ્વતંત્રતાનો અધિકાર આપે છે. બીજી તરફ આર્ટીકલ 25 થી 30 ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો સ્વીકાર કરે છે, જે અનુસાર દરેક વ્યક્તિ પોતાના ધર્મ કે સંપ્રદાયની પ્રથા પાળી શકે છે. આ પ્રશ્નને  ઘણો પેચીદો અને ગહન બનાવે છે. કારણ કે, દરેક ધર્મ, કોમ કે જ્ઞાતિના વ્યક્તિગત કાયદા, એટલે કે લગ્ન અને કુટુંબની વ્યવસ્થાને નક્કી કરતા કાયદા અલગ છે – જે લગ્ન, છૂટાછેડા, બાળકની કસ્ટડી, સંપત્તિનો વારસો જેવા મુદ્દાને આવરી લે છે.

કોઈ પણ ધર્મનો કાયદો સ્ત્રીઓને સમાન હક આપતો નથી, કોઈ કાયદા સંપત્તિનો અધિકાર નથી આપતા તો કોઈ માતાને બાળકના વાલી હોવાનો અધિકાર નથી આપતા તો કોઈ છૂટાછેડા માટે સ્ત્રી-પુરુષો માટે અલગ શરતો રાખે છે. આમ, સ્ત્રીઓ બે તરફી અસમાનતાનો સામનો કરે છે – એક, પોતાના જ કોમના પુરુષોના સંદર્ભે તેમ જ અન્ય કોમની સ્ત્રીઓ સંદર્ભે. દરેક ધર્મ / કોમના કાયદા અને પ્રથામાં પ્રગતિશીલ સુધારા થયા છે, જે પ્રક્રિયા અલબત્ત ધીમી છે કારણ કે, એના મૂળીયા સંસ્કૃતિના ઈતિહાસમાં જડાયેલા છે. એટલે જ સ.ના.ધા.ની કલમો ઘડવામાં સૌથી મોટી કસોટી છે. જેટલું મહિલાઓના અધિકારને જાળવવા મહત્ત્વનાં છે એટલું જ મહત્ત્વનું બિનસાંપ્રદાયિકતાને જાળવવાનું છે. લૈંગિક સમાનતાના ઓઠા હેઠળ સાંસ્કૃતિક સર્વોચ્ચતા સાબિત કરવાનો મુસદ્દો બનવો ના જોઈએ.

અહીં, એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ૨૧માં લો કમિશને ૨૦૧૬ થી ૨૦૧૮ વચ્ચે સ.ના.ધા. અંગે વિગતે અભ્યાસ કર્યા પછી ૧૮૫ પાનાંના રિપોર્ટમાં નોધ્યું છે કે, આ તબક્કે સ.ના.ધા. ઘડવો જરૂરી નથી અને ઇચ્છનીય પણ નથી. અલગ અલગ સમુદાયોનાં રીત-રિવાજો અલગ હોય એનો મતલબ એ ભેદભાવ પૂર્ણ હોય એવું જરૂરી નથી. વિવિધતા તો મજબૂત લોકશાહીની નિશાની છે. વિશ્વના વિકસિત લોકશાહી દેશો સંસ્કૃતિક વૈવિધ્યને સ્વીકારી એને અનુરૂપ કાયદાઓ ઘડવા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે સૌને એક જ કાયદો લાગુ પડે એવું માળખું શા માટે ઘડવું જોઈએ? વર્તમાનમાં જે પણ ધાર્મિક વ્યક્તિગત કાયદા છે, એમાં મહિલાઓ પ્રત્યે જે ભેદભાવ થાય છે એને સુધારવાની ચોક્કસ આવશ્યકતા છે. પણ તે સમાન ધારાથી આવશે એવું તો કઈ રીતે કહી શકાય? અહીં ચર્ચા ફોજદારી કાનૂનની નથી, એ તો સૌ માટે સમાન જ છે.

મુદ્દો વ્યક્તિગત કાનૂનનો છે. જો દરેક ધર્મમાં લગ્નની પરિકલ્પના જ અલગ હોય તો એને એક કાયદે બાંધવુ મુશ્કેલ છે. દા.ત. હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન એક પવિત્ર બંધન છે, જ્યારે મુસ્લિમ ધર્મ પ્રમાણે એક કરાર છે. કરારમાં જો છૂટાછેડા થાય તો સ્ત્રી માટે મહેર એટલે કે એક પ્રકારના વળતરની ચુકવણીની જોગવાઈ છે. એવી કોઈ સુરક્ષા હિન્દુ ધર્મમાં નથી. આવી જોગવાઈઓને ધાર્મિક પ્રથાઓના માળખામાં રહી બદલવી અઘરી છે. એટલે એ માટે કાયદાની મૂળભૂત જોગવાઈમાં જ બદલાવ લાવવો પડે. દા.ત. મહેર પ્રથા પરથી શીખી એવું માળખું ઉભું કરવાની દિશામાં કાયદો ઘડાવો જોઈએ કે જે લગ્ન વિચ્છેદનના કિસ્સામાં સ્ત્રીને સામાજિક સુરક્ષા પૂરી પાડે.

કાયદાના સુધારાના પાયામાં લૈંગિક સમાનતા હોવી જોઈએ, જે સ્ત્રીઓને ન્યાયની ખાતરી આપતો હોય. દરેક ધર્મ/કોમનાં સુધારાવાદી લોકોને સાથે રાખી ધર્મના વ્યક્તિગત કાયદામાં સુધારા લાવવાની દિશા તરફ કામ કરવામાં આવે તો મહિલાઓને અન્યાય કરતી પ્રથાઓને પાયામાંથી બદલી શકાય. લૈંગિક સમાનતાનો જ ઉદ્દેશ્ય હોય તો સમાન કામ માટે સમાન વેતનનો કાયદો ઘડવા તરફ, પ્રસુતિ અને બાળ ઉછેર માટેની રજાનાં કાયદાના યોગ્ય અમલ, તેમ જ કામના સ્થળે બાળ ઉછેરની યોગ્ય સુવિધા ઉભી કરવાની દિશામાં યોગ્ય પગલા ભરવા જોઈએ. સમાનતાની દિશામાં એની પહેલા જરૂર છે. ટ્રિપલ તલાકનો જોરશોરથી વિરોધ કરનારો વર્ગ અન્ય ધર્મની મહિલાઓના અધિકાર અંગે સાવ બિન સંવેદનશીલ બની મુંગો મંતર બની જાય, ત્યારે ‘મહિલાઓના હિત’ની વાતોમાં દંભ વર્તાય છે. 
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top