સુરત: ધૂમધામપૂર્વક દસ દિવસ સુધી ઉજવવામાં આવતો ગણેશ ઉત્સવ હવે થિમ બેઝ ઉપર ઉજવાઈ રહ્યો છે. આખા શહેરમાં મોટાભાગના ગણેશ આયોજકો આકર્ષક થિમ ઉભી કરી બાપ્પાના આખા પંડાલને સજાવી દે છે. ત્યારે ઉધના મગદલ્લા મગદલ્લા રોડ અંબાનગર ખાતે જનતા નગરમાં જનતા નગર યુવક મંડળના આયોજકો દ્વારા પાણી નીચેની કાલ્પનિક દુનિયાને ઉજાગર કરીને ”એક્વા મર્મેડ” થિમ દર્શાવીને જળ સંકટથી સમુદ્રી જીવોને બચાવવાનો સંદેશ પાઠવાયો છે.
- ”એક્વા મર્મેડ” થિમ થર્મોકોલની શીટને કાપીને બનાવાઈ છે, જલપરી, ડોલ્ફિન માછલી, ઓક્ટોપસ, સમુદ્રના રાજાનો મહેલ, સોનાનો ખજાનો, પરવાળા વનસ્પતિરૂપી જીવ સહિત બીજા અનેક સમુદ્રી જીવો નયનાકર્ષક
સમુદ્ર નીચેની અજાયબી દુનિયાને જોઈ દર્શન કરવા આવતા નાના મોટા સૌ કોઈ એકદમ મંત્રમુગ્ધ થઇ જાય છે.
મંડળના આયોજક નિશાંત જરીવાલાએ માહિતી આપતા કહ્યું હતું કે ઉધના મગદલ્લા રોડ ખાતે તેમનું આ મંડળ 25 વર્ષ જૂનું છે. દર વર્ષે તેઓ દ્વારા અવનવી ક્રિયેટિવિટી કરાતી હોય છે.
આ વર્ષે તેમણે પાણીની નીચે વસેલી બીજી દુનિયા, જેમાં સામુદ્રીક જીવો વસે છે તેને ”એક્વા મર્મેડ” થિમ તરીકે લોકોને બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ જળ પ્રદૂષણની સમસ્યા ગ્લોબલ લેવલ પર છે ત્યારે જીવોની રક્ષા થવી જોઈએ તેવો સામાજિક સંદેશો જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
જળ પ્રદૂષિત થતાં પાણીમાં વસતા જીવો મરી જતા હોય છે. આ જીવોની માવજત કરવી આપણા સૌ કોઈની ફરજમાં આવે છે. તેથી જળનું પ્રદુષણ અટકે તેવા એક સામાજિક સંદેશા દ્વારા લોકોને સમજણ આપવાનો ઉમદા પ્રયાસ હાથ ધર્યો છે. બાપ્પાનો આખો પંડાલ થર્મોકોલની શીટને કાપીને બનાવાયો છે, જેમાં વિવિધ આકર્ષક આકૃતિઓ તૈયાર કરાઇ છે. જેમાં જલપરી, ડોલ્ફિન માછલી, ઓક્ટોપસ, સમુદ્રના રાજાનો મહેલ, સોનાનો ખજાનો, પરવાળા વનસ્પતિ રૂપી જીવ સહિત બીજા અનેક સમુદ્રી જીવોને જીવંત કરાયા છે.
રાત્રે રંગબેરંગી લાઈટો ચાલુ થતાની સાથે એવું જ લાગે છે કે, લોકો સમુદ્રની નીચેની કોઈ અજાયબી દુનિયામાં પ્રવેશી ગયા છે. દર્શન કરવા આવનારા દરેક ઉંમરના લોકોને આ સમુદ્રી દુનિયાનો સ્વેગ આકર્ષી જાય છે. ખાસ કરીને બાળકો આ એકવેરિયમ જોઈને ગેલમાં આવી જાય છે.
આયોજકોએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમનું મંડળ કોઈ પણ જાતની દેખાદેખીમાં નથી માનતું અને પર્યાવરણની માવજત કરવામાં પણ માને છે, તેથી જ તેમના દ્વારા પંડાલમાં બાપ્પાની માત્ર બે ફૂટની માટીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે. આ પ્રતિમાનું વિસર્જન પણ તેઓ ઘર આંગણે કરશે. દસ દિવસના ગણેશ ઉત્સવ દરમિયાન તેમના મંડળ દ્વારા લોક ડાયરો, ભંડારો અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.