સુરત: (Surat) સુરત શહેરમાં ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિમાના વિસર્જન (Ganesh Visarjan) માટે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી ચાલી રહી છે. મનપા દ્વારા આ વર્ષે વિસર્જન માટે શહેરમાં કુલ 19 કૃત્રિમ તળાવો બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ ગણેશોત્સવમાં ઘણા ભક્તો માટે વિસર્જન અને ગૌરી વિસર્જનનો પણ મહિમા હોય છે. જેથી મહાનગરપાલિકા (Corporation) તંત્ર દ્વારા વિસર્જનના આ દિવસો માટે આઠ સ્થળોએ કુત્રિમ તળાવ તૈયાર રાખવામાં આવ્યા છે. જ્યાં લોકો ગૌરી ગણેશનું વિસર્જન કરી શકશે.
કયા આઠ કૃત્રિમ તળાવોમાં ગૌરી વિસર્જન કરી શકાશે
ડુમસ કાંડી ફળિયા, 2. ડક્કા ઓવારા ગાંધી બાગ પાસે, 3. જૂની સબ જેલ પ્લોટમાં – રિંગ રોડ, 4. પાલ આરટીઓ પાસે, 5. સરથાણા વી.ટી સર્કલ નજીક, 6. સિંગણપોર કોઝવે નજીક, 7.નવાગામ ડિંડોલી સીએનજી પમ્પથી નંદનવન રો હાઉસ જતા, 8. સચિન સુડા સેક્ટર પ્લોટ 3 શ્રી હરી કોમ્પ્લેક્સ સામે
વિક્રેતાઓ ગણેશની મૂર્તિઓ રઝળતી મુકી ભાગી ગયા
ગણેશ સ્થાપના બાદ સુરતમાં મૂર્તિ વેચનારાઓ મૂર્તિ રઝળતી મૂકીને જતા રહેતા હોવાનું ધ્યાને આવી રહ્યું છે. અન્ય રાજ્યોમાંથી શ્રીજીની પ્રતિમા વેચવા માટે સુરતમાં આવતા કારીગરો મોટા પ્રમાણમાં મૂર્તિઓ વેચાણ માટે લાવે છે. ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના થઈ ગયા બાદ મૂર્તિઓનું વેચાણ બંધ થઈ જતું હોવાથી હવે મૂર્તિઓ વેચાવાની નહીં હોવાથી તથા તેને પાછા લઈ જવાનું ભાડું મોંઘુ પડતું હોવાથી વેચનારાઓ બાકીની મૂર્તિઓ ત્યાં મૂકી ચાલ્યા ગયા છે. જેને લઈને ગણેશ ભક્તોમાં ભારે રોષ છે. સુરતના સિવિલ હોસ્પિટલ, સોસિયો સર્કલ, બમરોલી, અડાજણ, પાંડેસરા સહિતના વિસ્તારોમાં શ્રીજીની પ્રતિમાઓ રઝળતી જોવા મળી હતી.
ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ
સુરત: આજથી ગણેશોત્સવના તહેવારની શરૂઆત થઇ ગઇ છે. ભક્તો દસ દિવસ સુધી પૂજા અર્ચના સાથે ભક્તિમાં લીન થઇ જશે ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે કોરોનાની ગાઇડલાઇન સાથે આ ગણેશોત્સવની ઉજવણી થનાર છે. સાર્વજનિક ગણેશોત્સવમાં પૂજા અર્ચના તેમજ પ્રસાદનું વિતરણ કરી શકશે. જ્યારે વિસર્જન યાત્રામાં 15 ભક્તો જ વિસર્જન યાત્રામાં જોડાશે અને માત્ર એક જ વાહનનો ઉપયોગ કરી શકશે. ગણેશજીની પ્રતિમાનું સુરત મહાનગરપાલિકાએ બનાવેલા કુત્રિમ તળાવમાં વિસર્જન કરવાનું રહેશે તેમજ સાંજના 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. બાદમાં 12 પછી રાત્રી કરફ્યું અમલમાં આવશે, સાર્વજનિક ગણેશોત્સવમાં કોઇ જાહેર કાર્યક્રમોનું આયોજનો કરી શકશે નહીં તેવું પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું. ગણેશ ઉત્સવ સમિતિના અંબરિષાનંદજીએ જણાવ્યું હતું કે, શહેરના આયોજકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને ગણેશોત્સવની ઉજવણી કરવા અપીલ કરી હતી.