‘ગાંધી’ એ જયારે જિન્નાને ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવ્યું…!

સમય છે ચાર નવેમ્બરનો અને વર્ષ છે 1917. સ્થળ છે ગુજરાતનું ગોધરા. અહીં ગુજરાત રાજનીતિક પરિષદની બેઠક ચાલી રહી હતી, ગાંધીજી અને તિલકની સાથે મોહમ્મદ અલી જિન્ના પણ આ બેઠકમાં ભાગ લઇ રહ્યા હતા.ગાંધીજીના અનુરોધ પર જિન્નાએ પરિષદમાં કેટલાક સુધારાઓ રજૂ કરવાના હતા, જે જિન્નાએ અંગ્રેજીમાં ન રજૂ કરી ગુજરાતી ભાષામાં કર્યા. એમના વક્તવ્ય પછી ગાંધીજીએ જ સભામાં કહ્યું કે “શ્રી જિન્નાએ મારા અનુરોધને માન આપી મારી પર ઉપકાર કર્યો છે. આજે આ બધા શાહી વિધાન પરિષદના સભ્ય છે, પણ કાલે આ લોકો હિન્દુ, મુસ્લિમ, ઘાંચી, રાણા જેવા સમાજનાં લોકો પાસે મત માંગવા જશે જેમને ગુજરાતી નથી આવડતું એટલે જેમને ગુજરાતી ન આવડતી હોય એમણે શીખવી જોઈએ.”

‘ગાંધી’ એ જયારે જિન્નાને ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવ્યું...!

આખો આ પ્રસંગ દર્શાવે છે કે ગાંધીજીના મનમાં માતૃભાષા વિષે કેટલું ઊંચું સ્થાન હતું.આજે દિવસે ને દિવસે એમાંય ખાસ કરીને ગુજરાતી ભાષા વિષે જે રીતે ગુજરાતી લોકો જ અણગમો દેખાડી રહ્યા છે. કેટલાંક તો જન્મે કર્મે બધી જ રીતે ગુજરાતી હોવા છતાં પોતાને ગુજરાતી નથી આવડતું એ વાતનો ગર્વ લેતાં હોય છે. એમણે એક વખત ગાંધી અને જિન્ના વચ્ચે ગુજરાતી ભાષા અંગે થયેલા પત્રાચારને વાંચવો,એટલે ગુજરાતી ન આવડવાનો જે લોકોને અત્યારે ગર્વ થાય છે એમને રંજ અનુભવવાની શરૂઆત થશે, કેમકે ગાંધીજી જિન્ના ગુજરાતી હોવાને કારણે એમને ગુજરાતી આવડવું જોઈએ એ વાત સતત યાદ અપાવતા રહેતા હતા.

28 જૂન 1919 ના દિવસે જિન્ના દંપતીના લંડન પ્રવાસ વખતે ગાંધીએ જિન્નાને એક પત્ર લખ્યો, જેમાં ગાંધીએ જિન્નાને ગુજરાતી શીખવાના વાયદાની યાદ અપાવી, ગાંધી આ પત્રમાં લખે છે કે ‘ તમે મને વાયદો કરી ચૂક્યા છો કે તમે જેમ બને એમ જલ્દી ગુજરાતી અને હિન્દી શીખી લેશો,તો શું હું આપને એ સલાહ આપી શકું કે મૈકોલની જેમ તમે પાછા ફરશો ત્યારે આ કામ પૂરું થઇ ગયું હશે? તમારી જહાજ યાત્રામાં તમને મૈકોલની જેમ છ મહિનાનો સમય તો નહિ મળે, પરંતુ તમને એ મુશ્કેલીઓનો સામનો કરવો નહિ પડે જે મૈકોલને કરવો પડ્યો હતો.”

ગાંધીજી એ ભાષાના મુદ્દે મૈકોલ જોડે જિન્નાની સરખામણી કરીને ઘણા ગૂઢાર્થો તરફ અંગુલિનિર્દેશ કર્યો હતો, એટલું જ નહિ, 30 એપ્રિલ 1920 ના રોજ મોહમ્મ્દ અલી જિન્નાની પત્ની રત્નબાઈ પેટિટ ( મરિયમ જિન્ના) ને પત્ર લખી ગાંધીજીએ કહ્યું “ જિન્ના સાહેબને મારી યાદ આપજો અને એમને હિન્દુસ્તાની કે ગુજરાતી શીખવા માટે તમે રાજી કરી લેજો,તમારી જગ્યાએ જો હું હોઉં તો એમની સાથે હિન્દુસ્તાની કે ગુજરાતીમાં બોલવાનું જ ચાલુ કરી દઉં.આમાં કોઈ ગંભીર ખતરો નથી કે તમે અંગ્રેજી ભૂલી જશો કે પછી એકબીજાની વાતો નહિ સમજી શકો, શું તમને કોઈ ખતરો લાગે છે? શું તમે આ કરી શકશો? અને હા, હું તો તમારી મારા પ્રત્યે જે લાગણી છે એને aકારણે આ અનુરોધ કરી રહયો છું.”

ગાંધીજીના આ પત્રની શું અસર થઇ કે એનું પરિણામ શું આવ્યું એના કોઈ પુરાવા મળતા નથી પણ એક વાત સ્પષ્ટ હતી કે અંગ્રેજી અને પશ્ચિમી રંગે રંગાઈ ગયેલા જિન્ના મૃત્યુશૈયા પર હતા છતાં ય પાયજામો પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો. હવે આવી વ્યક્તિ પાસેથી ગાંધીએ ગુજરાતી શીખવાનો ન માત્ર આગ્રહ રાખ્યો બલ્કે એમની પાસેથી ગુજરાતી બોલાવડાવ્યું ખરું.

છેલ્લાં ઘણાં વર્ષોનો ટ્રેન્ડ જોશો તો ધીમે ધીમે ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવા લાગી છે, ગુજરાતી વાચકો એમાંય ખાસ કરીને યુવા પેઢીએ ગુજરાતી સાહિત્યથી એક વેંત છેટું કરી લીધું છે ત્યારે એ દરેક યુવાને અને દરેક ગુજરાતીએ એક વખત ગાંધી અને જિન્ના વચ્ચે ગુજરાતી ભાષા શીખવાના પત્રાચારને વાંચવો કે ગાંધીને મન માતૃભાષાનું કેટલું મહત્ત્વ હતું, ગાંધીને મન જિન્ના માટે પણ એવું જ હતું કે એક ગુજરાતી થઇને ગુજરાતી લખી, બોલી અને વાંચી ન શકે એ સારું ન કહેવાય એટલે એમણે સતત આગ્રહ રાખ્યો કે જિન્ના ગુજરાતી ભાષા શીખે.

સરકાર આજે ગુજરાતી ભાષાને જીવંત રાખવા શિક્ષણ નીતિઓમાં બદલાવ લાવી રહી છે. લોકોને ગુજરાતી ભાષા શીખવાની વાતો કરી રહી છે પણ પ્રશ્ન એ છે કે એક ગુજરાતી તરીકે કે એક ગુજરાતી પરિવારમાં જન્મેલા આપણે શું આપણને કોઈ આપણી માતૃભાષા શીખવાની ફરજ પાડે એ સારું લાગે? શું આપણી ‘મા’ ની ભાષા બોલવાથી આપણું સ્ટેટસ ડાઉન થાય? શું ગુજરાતી વાંચવામાં કોઈ આભડછેટ છે? તો પછી આજકાલના યુવાનોને શરમ અને શેહ ગુજરાતી ભાષા પ્રત્યે કેમ છે? કેમ ગુજરાતી ફરજીયાત કરવું પડે?

કેમ ગુજરાતી શીખવાડવા માટે મહેનત કરવી પડે. તમે બીજી ગમે તેટલી ભાષા શીખો, ગમે તેવી અને ગમે તેટલી ભાષાઓ તમને આવડતી હોય, પણ જો તમને તમારી માતૃભાષા ન આવડતી હોય તો તમારી શીખેલી બીજી બધી જ ભાષા અને તમારું શિક્ષણ વ્યર્થ છે. છેલ્લે દરેકને ગુજરાતી હોવાનો અને ગુજરાતી ભાષા આવડવાનો ગર્વ હોવો જોઈએ અને જાહેરમાં જયારે પણ વિશ્વના કોઈ પણ ખૂણે એક ગુજરાતી બીજા ગુજરાતીને મળે ત્યારે માતૃભાષામાં ખૂલીને વાત કરવી જોઈએ!

-આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts