ટોક્યો ઓલિમ્પિક માટે 2021 અંતિમ વિકલ્પ : આઇઓસી અધ્યક્ષ

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીના અધ્યક્ષ થોમસ બાકે કહ્યું છે કે ટોક્યો ઓલિમ્પિક્સ આયોજીત કરવા માટે 2021 અંતિમ વિકલ્પ છે, કારણકે આ વખતે તેને સ્થગિત કરી શકાશે નહીં. બાકે કહ્યું હતું કે હું જાપાનની એ વાત સાથે સહમત છું કે જો આવતા વર્ષ સુધી કોરોનાવાયરસ રોગચાળો કાબુમાં નહીં આવે તો ગેમ્સને રદ કરવી પડી શકે છે.

માર્ચમાં ટોક્યો 2020 ગેમ્સને 23 જુલાઇ 2021 સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બાકે કહ્યું હતું કે પ્રમાણિકતાથી કહું તો હું જાપાનની સ્થિતિ સમજુ છું, કારણકે તમે આયોજન સમિતિમાં ત્રણ કે પાંચ હજાર લોકોને સતત કામે ચાલુ રાખી શકતાં નથી. તેમણે કહ્યું હતું કે તમે દર વર્ષે આખી દુનિયાનું કેલેન્ડર બદલી નહીં શકો. ખેલાડીઓને અનિશ્ચિતતાની સ્થિતિમાં ન રાખી શકો. ટોક્યો ઓલિમ્પિકને એક વર્ષ ટાળવામાં આવતા ઘણાં રમત આયોજનના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવાની જરૂર પડી છે.

એ ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં ટોક્યો 2020ના સીઇઓ તોશિરો મુતોએ ઓલિમ્પિક્સ ગેમ્સને હવે પછી વધુ સ્થગિત રાખવાનો નન્નો ભણી દીધો હતો. જ્યારે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ પછીથી એવી સ્પષ્ટતા કરી હતી કે કોરોના પર કાબુ ન મેળવી શકાય ત્યાં સુધી ઓલિમ્પિક્સનું આયોજન કરી નહીં શકાય.

બીજી તરફ ભારતમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન નેશનલ કેમ્પને ફરી શરૂ કરવા બાબતે ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ)ને જે પ્રતિક્રિયાઓ મળી છે તેમાં ખેલાડીઓનો ઉત્સાહ વધુ જોવા મળ્યો છે જ્યારે ઘણાં નેશનલ સ્પોર્ટસ ફેડરેશને નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ આપવામાં નિરસતા બતાવી છે અને તેના કારણે આઇઓએના અધ્યક્ષ નરિન્દર બત્રા નિરાશ થયા છે.

દેશમાં આઇઓએની માન્યતા પ્રાપ્ત લગભગ 40 નેશનલ સ્પોર્ટસ ફેડરેશન (એનએસએફ) અને 35 સ્ટેટ ઓલિમ્પિક્સ એસોસિએશન છે. તેમાંથી 8 ઓલિમ્પિક ગેમ્સ સાથે સંકળાયેલા ફેડરેશનોને 20મી મે સુધીમાં જવાબ આપવા જણાવાયું હતું, પણ આઇઓએના જણાવ્યા અનુસાર તેમાંથી આર્ચરી, હોકી, રોઇંગ, સ્ક્વોશ, વોલીબોલ, વેઇટલિફ્ટીંગ અને યાટિંગ એમ માત્ર 7 ફેડરેશને નિર્ધારિત સમયમર્યાદા પહેલા જવાબ આપ્યો છે. બત્રાએ કહ્યું હતું કે ઓલિમ્પિક ગેમ્સમાં રમાનારી રમતોમાં ગંભીરતાની ઓછપથી હું અંગતરીતે નિરાશ છું.

તેમણે કહ્યું હતું કે મને એવી આશા છે કે જે એનએસએફ અને સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન તેને ગંભીરતાથી લઇ રહ્યા છે તે 30 મે સુધીમાં જવાબ આપી દેશે અને જેઓ 20મી મેની ડેડલાઇન ચુકી ગયા છે તેઓ ઝડપથી જવાબ આપશે. 16 સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનને ખેલાડીઓ તેમજ અન્ય હિતધારકોની સામુહિક પ્રતિક્રિયા 20 મે પહેલા મોકલવા કહી દેવાયું છે, જેનાથી બત્રાના માર્ગદર્શનમાં વ્હાઇટ પેપર તૈયાર કરી દેવામાં આવે.

Related Posts