નવી દિલ્હી: રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સર્વે-5ના તારણો મુજબ ભારતમાં પહેલી વાર પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધી છે. સેક્સ રેશિયો 1020:1000 થયો છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આ સાથે આપણે કહી શકીએ કે ભારત વિકસિત દેશોની લીગમાં આવી ગયું છે કેમ કે સેક્સ રેશિયો 1000ને વટાવી ગયો છે. જન્મ સમયનો સેક્સ રેશિયો પણ 2015-16માં 919થી સુધરીને 2019-20માં 929 થયો છે. સર્વે 3 2005-6માં થયેલો એ મુજબ સેક્સ રેશિયો 1000:1000 હતો અને 2015-16માં ઘટીને 991:1000 થયો હતો.
સર્વે મુજબ 88.6 ટકા જન્મ આરોગ્ય સુવિધાઓમાં થયાં છે. 41 ટકા પરિવારોમાં ઓછામાં ઓછા એક સભ્ય પાસે આરોગ્ય વીમો છે.
મહિલાઓ એમના રિપ્રોડક્ટિવ ગાળામાં ઓછા જન્મ આપી રહી છે
સર્વેના તારણો મુજબ કુલ પ્રજનન દર (મહિલા દીઠ બાળકો) રિપ્લેસમેન્ટ લેવલ ઑફ ફર્ટિલિટીએ પહોંચી ગયો છે જે વસ્તીની દ્રષ્ટિએ બહુ મહત્વનું સીમાચિહ્ન છે. 2015-16માં ટીએફઆર 2.2 હતો એ 2019-21માં 2.0 (મહિલા દીઠ બાળકો) થયો છે. એનો અર્થ કે મહિલાઓ એમના રિપ્રોડક્ટિવ ગાળામાં ઓછા જન્મ આપી રહી છે. અગાઉના 53.5 ટકાની સરખામણીએ હવે 66.7 ટકા પરિણીત મહિલાઓ પરિવાર નિયોજનની કોઇ પણ પદ્ધતિ ઉપયોગમાં લે છે.
શહેર કરતા ગામડાંઓમાં મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો
નેશનલ ફિમેલ હેલ્થ સર્વે 5નાં આધારે શહેર કરતાં ગામડાઓમાં મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ગામડાઓમાં પ્રતિ 1000 પુરૂષ દીઠ 1,037 મહિલાઓ છે, જ્યારે શહેરમાં 985 જ મહિલાઓ છે. આ અગાઉ કરેલા NFHS-4 સર્વેમાં પણ મહિલાઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. સર્વે અનુસાર ગામડામાં પ્રતિ 1000 પુરૂષ દીઠ 1,009 મહિલાઓ અને શહેરમાં 956 મહિલાઓની સંખ્યા નોધાય છે.
આઝાદી પછી ભારતના 23 રાજ્યમાં મહિલાઓની સંખ્યા વધીને 1000ને પાર પહોંચી છે. ઉત્તરપ્રદેશમાં પ્રતિ 1000 પુરૂષ દીઠ મહિલાઓની સંખ્યા 1017, બિહારમાં 1090, દિલ્હીમાં 913, મધ્યપ્રદેશમાં 970, રાજસ્થાનમાં 1009, છત્તીસગઢમાં 1015, મહારાષ્ટ્રમાં 966, પંજાબમાં 938, હરિયાણા 926, ઝારંખડમાં 1050 મહિલાઓની સંખ્યામાં વધારો નોંધાયા છે. 1901માં સેક્સ રેશિયો પ્રમાણે પ્રતિ એક હજાર પુરૂષો દીઠ 972 મહિલાઓ હતી, પરંતુ આઝાદી પછી આ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. 1951માં પ્રતિ 1000 પુરૂષો પર 946 મહિલાઓ હતી, 1971માં આ સંખ્યા ઘટીને 930 પર પહોંચી ગઈ. 2011ના જનગણના પ્રમાણે આ આંકડામાં સુધારો જોવા મળ્યો પ્રતિ એક હજાર પુરૂષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધીને 940 થઈ હતી. NFHS-5ના સર્વે અનુસાર પ્રજનન દરમાં પણ ઘટાડો નોંધાયા છે. પ્રજનન દરએ વસ્તીના વિકાસના દરને દર્શાવે છે. સર્વેના અનુસાર પ્રજનન દર 2 ટકા નોંધાયો છે, જે 2015-16માં 2.2 ટકા હતો.