પાંચ પારસમણિ

પારસમણિનો સ્પર્શ લોખંડને થાય અને લોખંડ સુવર્ણ બની જાય.આજે ગુરુજીએ પ્રવચનમાં એવા પાંચ  પારસમણિઓની વાત કરી કે જેનો સ્પર્શ માણસને થાય તો માણસ અને તેનું જીવન બંને ક્થીરમાંથી કંચન બની જાય. ગુરુજીએ કહ્યું, ‘પારસમણિ મળી જાય તો કોને ન ગમે? સુવર્ણનું સર્જન કરતો પારસમણિ સત્ય છે કે હકીકત તેના કોઈ પ્રમાણ નથી અને હકીકત હોય તો પણ મેળવવો દુર્લભ છે.પણ મને આ પારસમણિનું પ્રતીક બહુ ગમે છે એટલે આજે હું તમને એવા પાંચ પારસમણિઓની વાત કરવાનો છું કે જેનો સ્પર્શ જો જીવનમાં થઈ જાય તો જીવનની ચમક બદલાઈ જાય.જીવન સુવર્ણ બની જાય.’

પાંચ પારસમણિ

બધા શિષ્યો પાંચ પારસમણિ વિષે જાણવા ઉત્સુક બન્યા.ગુરુજીએ પારસમણિ વિષે વાત કરવાની શરૂઆત કરી.ગુરુજીએ કહ્યું, ‘જીવનમાં સૌથી દુર્લભ પારસમણિ છે પ્રભુ — ‘ઈશ્વર’ એવો પારસમણિ છે, જેના સ્પર્શની પણ જરૂર નથી. એક આછી ઝલક પણ ઈશ્વરની મળી જાય તો જીવન કંચન બની જાય.પ્રભુપ્રાપ્તિની ઈચ્છા અને પ્રયત્નો તમારા જીવનને એક સોનેરી આભા આપે છે.’ બીજા પારસમણી વિષે વાત કરતાં ગુરુજી બોલ્યા, ‘જીવનમાં શોધવા જેવો પારસમણિ છે ‘સાચા ગુરુ’— ગુરુ એવા પારસમણિ છે, જે મળતાં જ જીવનમાર્ગ પર સાચા જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય છે અને જીવન સાચી દિશામાં આગળ વધી કંચન બને છે.ત્રીજો પારસમણિ છે ‘પ્રાર્થના’ — હરિ નામ સ્મરણ એવો પારસમણિ છે, જે આપણને રોજે રોજે એક અદ્રશ્ય શક્તિ આપે છે અને પ્રભુની નજીક લઇ જાય છે.પ્રાર્થનાનો પારસમણિ સમગ્ર પરિસ્થિતિને બદલી શકે છે.’

આ ત્રણ પારસમણિ વિષે સમજાવ્યા બાદ ગુરુજી બોલ્યા, ‘આ ત્રણ પારસમણિ મેળવવા માટે અને જીવનમાં આગળ વધવા માટે સૌથી પહેલાં દરેક માણસ પાસે હું હવે જે કહીશ તે ચોથા અને પાંચમા પારસમણિનું હોવું જરૂરી છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બાકીના બે પારસમણિ શોધવા તમારે બહાર નથી જવાનું પણ જાતમાં જ તેને શોધવાના છે.’ શિષ્યો ધ્યાનથી ગુરુજીની વાત સાંભળતા હતા.

પાંચ પારસમણિ

ગુરુજીએ કહ્યું, ‘ચોથો પારસમણી છે ‘મનની આશા.’ આશાવાદી અને સકારાત્મક વિચારતું મન પોતે એક પારસમણિનું રૂપ લે છે અને એક નહીં અનેક નાનાં મોટાં અઘરાં કામ પાર પાડવાની શક્તિ આપે છે અને પાંચમો પારસમણિ છે… આપણો ઉત્સાહ,જો મનમાં જીવન પ્રત્યે અને કોઈ કાર્ય પ્રત્યે ઉત્સાહ અને ઉમંગ  હશે તો કાર્ય બધાં પાર પડતાં જશે.જીવન આગળ વધતું જશે અને જીવન જીવવા જેવું લાગશે.’  ચાલો, જીવનમાં આ પાંચ પારસમણિ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દઈએ.

 – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts