શ્રદ્ધા કે અંધશ્રદ્ધા

આપણા ઋષિ મુનિઓએ લોકોને ધર્મના માર્ગે વાળવા માટે ઈશ્વર કે ખુદાનું માધ્યમ બતાવ્યું હતું, કે જેનાથી લોકો ખોટા માર્ગે ન જાય અને અનિચ્છનિય પ્રવૃત્તિઓ ન કરે. પરંતુ આપણી ભારતની ભોળી જનતા એવી છે કે શું સાચું અને શું ખોટું એ વિચાર્યા વગર આંધળું અનુકરણ કર્યા કરે છે. ઇશ્વરમાં દરેક વ્યક્તિએ આસ્થા કે શ્રદ્ધા રાખવી જોઇએ એની ના નથી, પરંતુ લોકો દેવ દર્શન તથા તીર્થ યાત્રાના નામે નરી ઘેલછા કરે છે, ત્યારે પરિસ્થિતિ વિકટ બને છે. ભૂતકાળમાં ઘણાં તીર્થધામોમાં તથા મોટા દેવાલયોમાં બહુ મોટા પ્રમાણમાં હોનારતો થયેલી છે અને કેટલાંય નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે. લોકોને એટલી બધી અંધશ્રદ્ધા હોય છે કે અમુક ખાસ પર્વોમાં લાખોની સંખ્યામાં લોકો જાત્રાના સ્થળે કે તીર્થધામોમાં એકઠા થાય છે. આના કારણે બીનજરૂરી ભીડ, ટ્રાફિકની સમસ્યા, રહેવા તથા ખાવાપીવાની સમસ્યાઓ જેવા પ્રશ્નો ઉભા થાય છે. આ ઉપરાંત ધક્કામુક્કી થવાને કારણે બીનજરૂરી ઝઘડાઓ થાય છે. નાના બાળકો પડી જવાના કે ખોવાઇ જવાના બનાવો બને છે તથા કોઈના ખિસ્સા કપાવાના કે કિંમતી સામાન ચોરાઇ જવાના બનાવો પણ બને છે. આશ્ચર્યની વાત તો એ છે કે જો ખરેખર ભગવાન કે ખુદા હાજરાહજૂર હોય તો, પોતાના ભક્તોનું રક્ષણ કરવાની જવાબદારી તેમની બને છે, જ્યારે સાચી શ્રદ્ધાથી દર્શને જતાં કે આવતાં લોકો પણ અકસ્માતના ભોગ બને છે, ત્યારે લાગે છે કે લોકો નકામી ઘેલછામાં રાચી હાથે કરીને મોતને આમંત્રણ આપે છે અને ઈશ્વર કે ખુદા બેઠાં બેઠાં તમાશો જુવે છે. લોકોએ કોચલામાંથી બહાર આવવાની જરૂર છે અને અંધશ્રદ્ધામાં રાચવાને બદલે સાચી શ્રદ્ધાથી ઘેર બેઠાં જ પ્રભુ કે ખુદાની બંદગી કરવી જોઇએ.

હાલોલ જિ.પંચમહાલ યોગેશ આર જોશી ( આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.)

Related Posts