મા-બાપને ભુલશો નહી..! -“આંખો ઉઘાડી દીધી”

એક સયુંકત કુટુંબ. મા બાપે પોતાની ઓછી આવકમાં પણ ચાર છોકરાંઓ મોટાં કર્યાં.ચારે છોકરાઓને ભણાવ્યા અને પરણાવ્યા.બધા પોતપોતાની રીતે આગળ વધીને જુદા રહેવા લાગ્યાં.મા-બાપને થયું, ચાલો, આપણી મહેનત અને ત્યાગ સફળ થયાં.ચારે છોકરાઓ પોતાના જીવનમાં સુખી છે. હવે કસોટીનો સમય આવ્યો.પિતા રીટાયર થયા.છોકરાઓ પાછળ બધી બચત અને પ્રોવિડન્ટ ફંડ પણ લોન લઈને પૂરું કરી નાખ્યું હતું.ભવિષ્યની ચિંતા કરી ન હતી કારણ કે તેમને એમ હતું કે ચાર ચાર છોકરાઓ છે, આપણને શું તકલીફ પડશે;ચારે ઘરે વારાફરતી રહેશું.આ માતા પિતાના વિચારો હતા.પણ છોકરાઓના શું વિચાર હતા.

મા-બાપને ભુલશો નહી..! -"આંખો ઉઘાડી દીધી"

બધા છોકરાઓ પોતાના પરિવાર, પત્ની અને બાળકો સાથે સ્વતંત્ર રહેતા હતા.માતા પિતાએ હવે આગળ શું કરવું? કઈ રીતે કરવું તે નક્કી કરવા બધા છોકરાઓને બોલાવ્યા.બધી વાત કરી.કોઈ છોકરાઓને જવાબદારી લેવી ન હતી.બધાને માતા પિતાની મિલકતમાં રસ હતો, પણ તેમને બુઢાપામાં જાળવવામાં નહિ.બધા બહાનાં કાઢવા લાગ્યાં.સૌથી નાના છોકરાએ કહ્યું મારી આવક ઓછી છે,ત્રીજા નંબરના છોકરાએ કહ્યું, મારું ઘર નાનું છે,બીજા નંબરના છોકરાએ કહ્યું, મારી પત્ની થોડી બીમાર રહે છે વગેરે વગેરે. મોટાભાઈએ કહ્યું, ‘તમે બધા આમ બહાનાં કાઢો તો પછી હું શું કામ એકલો ભાર ઉપાડું?’ ચાર છોકરાઓ અને તેમની પત્નીઓ રાત્રે આ વાતચીત કરી રહ્યાં હતાં.

માતા પિતા બાજુના ઓરડામાં આ વાતો સાંભળી રહ્યાં હતાં.બાજુના કમરામાં પોતાના પતિને અટકાવતાં મોટી વહુ બોલી, ‘માતા પિતાને ભાર ન કહેતાં ….પાપ લાગશે,તેમણે તમને ચાર જણને પ્રેમથી મોટા કર્યા ત્યારે ક્યારેય તમારો ભાર છે તેમ નહીં વિચાર્યું હોય.તમે બધા ભૂલ કરો છો.આપને કહીએ છીએ કે બાળકો અને બુઢા એકસરખાં હોય તો આપણાં બાળકો તો આપણને ભારરૂપ નથી લગતાં.તેમની પાછળ આપણે આપણી શક્તિ બહાર જઈને પણ ખર્ચો કરીએ છીએ અને જેણે આપણને જન્મ આપ્યો,આપણને મોટાં કર્યાં આજ સુધી આપણો ખર્ચ ઉપાડ્યો, તેમનો ખર્ચ આપણને ભારરૂપ લાગે છે.

મા-બાપને ભુલશો નહી..! -"આંખો ઉઘાડી દીધી"

પોતાની પત્ની અને બાળકો પાછળ ખર્ચ કરો જ છો તો માતા પિતા પાછળ ખર્ચ કરવામાં કેમ પાછા પડો છો.વિચારો, તેમણે તમારું જેટલું ધ્યાન રાખ્યું એટલું તમે તેમનું રાખો છો.હિસાબ માંડો કે તેમણે તમારી પાછળ જેટલો ખર્ચ કર્યો એટલો તમે કર્યો છે.’ મોટી વહુની વાત સાંભળી તેમનો પતિ અને ત્રણ દિયર રડી પડ્યા.પતિએ કહ્યું, ‘તેં અમારી આંખ ઉઘાડી દીધી.’ ત્રણ દિયરો બોલ્યા, ‘ભાભી, અમારી ભૂલ હતી.તમે સાચી વાત કહી, આંખો ઉઘાડી સાચો રસ્તો બતાવી ભૂલ કરતાં અટકાવ્યા.’ બાજુના કમરામાં માતા પિતાની આંખો ભીની થઈ ગઈ, પણ હોઠ હસી ઊઠ્યા.    

            – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts