શિક્ષકોના શોષણ પ્રત્યે સભાનતા

આપણે સમયના જુદા જુદા તબકકે શિક્ષકના અનુપમ મહિમાની ઘણી વાતો કરી છે. પણ આજે મારે ચિંતન કરવું છે કે, શું આપણા દ્વારા, સમાજ દ્વારા અને સરકાર દ્વારા શિક્ષકના મહિમાની ખરા અર્થમાં જાળવણી થઈ શકી છે કે નથી? હું પ્રકાશ પાડવા માંગું છું એવા શિક્ષકો ઉપર કે જે સાવ નજીવા પગાર ધોરણે ખાનગી અને અન્ય શાળાઓમાં પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પોતાની ફરજ બજાવતાં હોય છે. આ એવા શિક્ષકો છે કે જેમના થકી આપણી, આપણા સમાજની અને આપણા રાષ્ટ્રની બુનિયાદ અડીખમ ઊભી છે.

      અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ,” જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કાર્ય કરવા તૈયાર છે જેની પાસે શિક્ષણ છે, લાયકાત છે, કાર્ય કરવાની ઈચ્છા,શક્તિ અને તત્પરતા હોવા છતાં જેને કાર્ય મળતું નથી તે બેરોજગાર કેહવાય.” જો આ વ્યાખ્યાની તમામ શરતો પૂર્ણ થાય પરંતુ ફક્ત જીવનની પૂરતી જરૂરિયાતો સંતોષી શકે એવી રોજગારી પ્રાપ્ત થાય તો તે રોજગાર તો કહેવાશે, પરંતુ મારા મતે રોજગારીના માપદંડો જળવાતા નથી.

આવી જ સ્થિતિ શિક્ષકોની છે કારણ કે, તેઓ પાસે શિક્ષક તરીકેની નોકરી તો છે, પરંતુ શિક્ષક તરીકેના માપદંડો હજી પણ જળવાયા નથી.‌આપણો દેશ વિકાસ, ટેકનોલોજી, માળખાગત સુવિધાઓમાં વૈવિધ્યસભર તો બની રહ્યું છે પણ શું આ વિકાસનાં કદમોને મંઝિલની દિશા આપનાર શિક્ષકોના થતાં શોષણ પ્રત્યે આપણે વિચારીએ છીએ કે નહીં? અંતે મારો તમામને એક જ પ્રશ્ન છે કે, જે શિક્ષક દેશનું દર્પણ છે એવા શિક્ષકનો મહિમા ગાતાં પહેલાં આપણે તેમના થતા શોષણ પ્રત્યે કેટલાં સજાગ છીએ.

ભરૂચ    -સૈયદ માહનુર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts