ડેડીયાપાડા,ભરૂચ : સેલંબા ગામનો ડેપ્યુટી સરપંચ અને નર્મદા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહારે 14 વર્ષ પહેલા આદિવાસી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નને સાત વર્ષ બાદ મનમેળ ન બેસતા બંને વચ્ચે છુટાછેડા થઇ ગયા હતા. 2022માં બીજા શખ્સ સાથે લગ્ન કરી લીધા બાદ પૂર્વ પત્નીને ચંદ્રકાંત લુહારે જાતિ વિષયક ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટી ફરિયાદ દાખલ કરી દીધી છે.
- નર્મદા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સામે પૂર્વ પત્નીનો FIRમાં બળાપો
- તલાટીમાં ફરજ બજાવતી પૂર્વ પત્નીએ કહ્યું કે પૂર્વ પતિએ મને જાતિવિષયક અપશબ્દો બોલીને ધમકી આપી નર્મદાના પેલે પાર બદલી કરાવી નાંખી
સેલંબાના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને તિલકવાડાના વજેરીયામાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતા 36 વર્ષની મહિલા 2009માં નર્મદા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અને સેલંબાના ડેપ્યુટી સરપંચ ચંદ્રકાંતભાઈ ગોરખભાઈ લુહાર સાથે પ્રેમ સંબંધ લગ્ન કરી લીધા હતા. તેઓ પતિ અને પત્ની તરીકે રહેતા હતા. લગ્ન જીવન દરમિયાન કોઈ સંતાન ન હતા.
2016માં બંને વચ્ચે મનમેળ ન બેસતા છૂટાછેડા લઇ લીધા બાદ પણ તેણીના ઘરે આવી ગઈ હતી. ત્યાર બાદ પણ ચંદ્રકાંત લુહાર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. 2022માં પ્રેમસીંગ અક્લેશભાઈ (રાજપૂત) વસાવા સાથે પ્રેમસંબંધ બંધાતા તેઓ સાથે દોઢેક વર્ષથી સાથે રહે છે. તા 16મી એપ્રિલે 2022ના રોજ રાતે પૂર્વ પતિ ચંદ્રકાંતભાઈ લુહાર ફોન પર ગાળાગાળી કરીને ધાકધમકી આપી હતી.
બીજા દિવસે ચંદ્રકાંત લુહારે બીજો પતિ પ્રેમસીંગને ગેસ્ટ હાઉસ પર લઈ ગયો હતો અને મહિલાને બોલાવવા ધમકાવ્યો હતો. પૂર્વ પતિના કહેવા પર મહિલાના પતિ પ્રેમસીંગે તેણીને ગેસ્ટ હાઉસ પર બોલાવી હતી. મહિલા ગેસ્ટ હાઉસ પર પહોંચી ત્યારે તેને જોઈને પૂર્વ પતિ ચંદ્રકાંત લુહાર ઉશ્કેરાઈ ગયો હતો અને ચારિત્ર્યહિનતાના અને જાતિ વિષયક અપશબ્દો બોલીને માનસિક રીતે હેરાન કરી હતી.
આખરે ચંદ્રકાંત લુહારે રાજકીય વગ વાપરીને તલાટીમાં નાલ ગૃપ ગ્રામ પંચાયતમાંથી છેક નર્મદા નદીને પેલે પાર તિલકવાડા તાલુકાના વજેરીયા ગામે બદલી કરાવી દીધી હતી. હજુ પણ હેરાન પરેશાન કરતા કંટાળીને મહિલાએ સાગબારા પોલીસમાં ફરિયાદ આપતા ચંદ્રકાંતભાઈ લુહાર સામે એટ્રોસિટીનો ગુનો નોંધીને વધુ તપાસ DYSP ચલાવી રહ્યા છે.