આજે પણ મહદઅંશે મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યા જણાવી શકતી નથી

સદીઓથી મહિલાને અબળા ગણવામાં આવતી હતી. મહિલાઓને સબળા બનાવવા માટે મહિલા સશક્તિકરણના નામે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મહિલા માટે ચૂંટણીઓમાં પણ બેઠકો અનામત રાખવામાં આવી રહી છે. મહિલાઓને સહાય માટે અનેક યોજનાઓ કામ કરી રહી છે. મહિલાઓ માટે કાયદાઓમાં પણ અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે. આજે મહિલા ન્યાય માંગવા ઈચ્છે તો તેને મળી શકે છે તેવા દાવાઓ કરવામાં આવે છે પરંતુ જો વાસ્તવિકતા જોવામાં આવે તો હજુ પણ ભારતમાં મહિલાઓની સ્થિતિ એટલી સારી નથી. ખાસ કરીને આરોગ્ય બાબતે મહિલાઓ બેદરકાર છે અને મોટાભાગની મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય વિશે પરિવારને જણાવતા પણ અચકાય છે. સામાજિક કે પછી સંકોચ પરંતુ આ સ્થિતિને કારણે મહિલાઓના સ્વાસ્થ્યની ઝડપથી સારવાર કરી શકાતી નથી.

દેશમાં કામ કરતી મહિલાઓનું સ્વાસ્થ્ય હાલમાં સારૂં નથી. આ કારણે તાજેતરમાં ઈન્ડિયન વિમેન્સ હેલ્થ રિપોર્ટ-2021 જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી, મુંબઈ સહિતના 7 જેટલા મોટા શહેરોમાં અભ્યાસ કરીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એવું જણાવાયું છે કે દેશની 67 ટકા મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય વિશે જણાવતા સંકોચ અનુભવે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ એવું સમજે છે કે સમાજમાં તેમના માટે સ્વાસ્થ્યની વાત કરવી વર્જિત છે. આશરે 22થી 55 વર્ષની 59 ટકા મહિલાઓ પોતાના સ્વાસ્થ્યથી પરેશાન છે. આ મહિલાઓનું એવું કહેવું છે કે તેમના ખરાબ સ્વાસ્થ્ય પાછળ તેમના બોસનું ખરાબ વર્તન કારણભૂત છે. આ ઉપરાંત કૌટુંબિક જવાબદારીઓને કારણે પણ આશરે 90 ટકા જેટલી મહિલાઓ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહી છે. જ્યારે 52 ટકા જેટલી મહિલાઓની હાલત એવી છે કે તેઓ પરિવારની જવાબદારી તેમજ પોતાની નોકરીને કારણે પોતાના સ્વાસ્થ્યને સારૂં રાખી શકતી નથી.

ખાસ કરીને મહિલાઓ પોતાના પીરિયડ્સ, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશય સહિતની સમસ્યાઓ અંગે બોલવા માટે ખંચકાય છે. આ માટે મહિલાઓનું એવું માનવું છે કે જ્યારે મહિલાઓના સ્વાસ્થ્યની વાત આવે છે કે ત્યારે 80 ટકા પુરૂષો સહયોગી તેમજ સંવેદનશીલ રહેતા નથી. 66 ટકા મહિલાઓએ એવું કહ્યું કે, જો ગર્ભાશયને લગતી સમસ્યાઓ હોય તો તેવી મહિલાઓને લગ્ન માટે યોગ્ય ગણવામાં આવતી નથી. 84 ટકા મહિલાઓએ ત્યાં સુધી કહ્યું કે, પીરિયડ્સ દરમિયાન પૂજા સ્થળ, રસોડું તેમજ અન્ય પવિત્ર સ્થળો પર તેમને જવાની મનાઈ ફરમાવી દેવામાં આવે છે. આ તો દિલ્હી સહિતના શહેરોમાં થયેલા સરવેની વાત છે પરંતુ ગામડાઓમાં તો આનાથી પણ ખરાબ સ્થિતિ છે. સરકાર દ્વારા મહિલાઓ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે પરંતુ સામાજિક રીતે મહિલાઓના મામલે હજુ પણ લોકોમાં પછાતપણું જ જોવા મળે છે.

સરકારે ખરેખર કાયદાઓમાં સુધારાની સાથે મહિલાઓની સ્થિતિ બદલવા માટે શહેર હોય કે ગામડું, દરેક જગ્યાએ સામાજિક રીતે લોકોની વિચારસરણી બદલવાની જરૂરીયાત છે. બની શકે કે આ સરવે એટલો પરફેક્ટ નહીં હોય પરંતુ આ સરવેમાં ભારતની મહિલાઓની હાલની દશા દેખાઈ જ રહી છે. શહેરોની સરખામણીમાં ગામડાઓમાં મહિલાઓ માટે એટલી ઉદારતા લોકોમાં નથી. દાયકાઓ વીતી જવા છતાં પણ મહિલાઓના મામલે એટલી જાગૃતતા લોકોમાં આવી નથી. મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય મામલે બોલી શકતી નથી તો પોતાની સામાજિક સ્થિતિ માટે કેવી રીતે બોલી શકશે? તે મોટો પ્રશ્ન છે. સરકારે આ સરવેના આધારે મહિલાઓની સ્થિતિ સુધારવા માટે અને ખાસ કરીને મહિલાઓના આરોગ્ય મામલે જાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી છે. જો તેમ થશે તો જ મહિલાઓનું ઉત્થાન કરી શકાશે અન્યથા મહિલા સશક્તિકરણની વાતો હવામાં જ રહેશે તે નક્કી છે.

Related Posts