ભૂલ સુધારવી છે

સ્વાતિના લગ્ન એન્જીનીયર સુમિત સાથે થયા.સુમિતનો પરિવાર ગામડામાં રહેતો હતો અને પિતાજી અને બે નાના ભાઈઓ ખેતી કરતા હતા.બંને ભાઈઓ બહુ ભણ્યા નહિ પણ; પરિવારમાં સુમિત ભણવામાં ખૂબ જ હોશિયાર એટલે શહેરમાં જઈને ભણ્યો,એન્જીનીયર બન્યો.પ્રેમલગ્ન કર્યા અને શહેરમાં જ ઘર વસાવ્યું.અભણ અને સરળ માતા પિતા દીકરાની પ્રગતિ જોઈ રાજી થયા અને વિચાર્યું, ચાલો શહેરમાં પણ એક ઘર થયું, મન થશે ત્યારે થોડો વખત જઈ આવશું અને દીકરાના પરિવાર જોડે રહેશું.

ભૂલ સુધારવી છે

લગ્ન બાદ છ મહિના પછી સુમિતના અભણ માતા પિતા ગામડામાંથી થોડા દિવસ શહેરમાં આવ્યા.સ્વાતિને આ અભણ અને ગામડામાં રહેતાં સાસુ સસરા અહીં આવ્યાં તે બહુ ગમ્યું નહિ, પણ તેમના દીકરાનું ઘર હતું એટલે ના કઈ રીતે પાડી શકે.સ્વાતિના મનમાં ડર હતો કે ‘આ લોકો શહેરની ચમક દમક જોઇને અહીં જ રોકાઈ જશે તો પોતે સાસુ સસરાનો ભાર લેવો પડશે, તેની સ્વતંત્રતા છીનવાઈ જશે…’ આવા વિચારોને લીધે તેનું વર્તન સાસુ સસરા સાથે સાવ શુષ્ક જ રહ્યું.એક કે બે વાર તેણે તેમનું અપમાન પણ કર્યું.લગભગ રોજ તે કોઈ ને કોઈ રીતે તેમને એમ જણાવતી કે આ ઘર મારું છે અને અહીં હું કહીશ તેમ જ થશે.સાસુ સસરા સમજી ગયાં કે વહુ સ્વાતિને તેઓ અહીં આવ્યાં છે તે પસંદ નથી.તેમને સુમિતને કઈ ફરિયાદ કરી નહિ, પણ મહિનો બે મહિના રહીશું એમ કહેનારાં માતા પિતા દસ દિવસમાં ગામડામાં કામ છે કહી પાછાં જતાં રહ્યાં એટલે સુમિતને સમજાઈ ગયું કે સ્વાતિના વર્તનને લીધે આમ થયું છે. સુમિતે માત્ર એટલુ જ કહ્યું, ‘તારાં મમ્મી પપ્પા આવ્યાં હોત તો અથવા તારા ભાઈ ભાભી આવું વર્તન તારા મમ્મી પપ્પા સાથે કરશે તો?’ સ્વાતિ બોલી, ‘મારાં મમ્મી પપ્પા શહેરના અને ભણેલા છે વળી એકદમ સમજદાર પણ છે.’

થોડા દિવસ પછી સ્વાતિ પિયર ગઈ.ત્યાં જઈને જોયું તો ભાઈ ભાભીનું વર્તન જોઈ ધ્રૂજી ઊઠી.મમ્મી ઘરનું કામ કરતાં.ભાભી મોડી ઊઠતી…સ્વાતિ જોડે પણ ભાઈ ભાભીએ શુષ્ક જ વર્તન કર્યું અને વળી પાછું ભાભીને પૂછ્યા વિના તો કોઈ કંઈ કરી જ ન શકે.આવું વર્તન જોઈ સ્વાતિ દુઃખી દુઃખી થઈ ગઈ. તેને સુમિતના શબ્દો યાદ આવ્યા.પોતાની ભૂલ સમજાઈ ગઈ.તે ઘરમાં ઝઘડો ન થાય તે માટે ભાઈ અને ભાભીને કંઈ બોલી નહિ, પણ ચુપચાપ અઠવાડિયું રોકાવાની હતી તેને બદલે બીજે જ દિવસે પોતાના ઘરે જતી રહી.

 ઘરે જઈને તેણે રડતાં રડતાં સુમિતને બધી વાત કરી અને તેના માતા પિતા પ્રત્યે પોતે કરેલા ખરાબ વર્તન બદલ સુમિતની માફી માંગી.સુમિત બોલ્યો, ‘બીજી વાર આવું વર્તન નહિ કરતી અને માફી મારી નહિ, તારાં સાસુ સસરાની માંગજે.’ બીજે દિવસે સ્વાતિ વહેલી ઊઠી ગઈ અને સુમિતને ઉઠાડીને બોલી, ‘જલ્દી તૈયાર થઇ જાવ, નીકળવું છે..’ સુમિત બોલ્યો, ‘ કયાં?’ સ્વાતિએ કહ્યું, ‘જલ્દી ગામડે પહોંચીને મારે મારી ભૂલ સુધારવી છે.’ સ્વાતિએ સાસુ સસરાની માફી માંગી.

            -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts