Gujarat

મોરબીના 29 ગામોમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી, વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન આક્રમક

મોરબી જિલ્લામાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈન અને તેના પોલ ઉભા કરવા સામે યોગ્ય વળતરની માંગ સાથે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે અત્યંત ઉગ્ર બની રહ્યું છે. જેતપર ગામથી શરૂ થયેલી આ લડતમાં હવે આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારો પણ સક્રિય રીતે જોડાઈ રહ્યા છે. લાંબા સમયથી તંત્ર અને સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા ખેડૂતોએ મક્કમ નિર્ધાર સાથે આરપારની લડાઈ લડી લેવાનો નિર્ણય કર્યો છે.

ખેડૂતોનો આરોપ છે કે ખેતરોમાં વીજ લાઈનો અને પોલ ઉભા કરવાના કારણે જમીનનું કાયમી ધોરણે નુકસાન થાય છે, પરંતુ તે મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી. સરકારના આ ઉપેક્ષાભર્યા વલણ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે ખેડૂતોએ વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો છે.

બે જ દિવસમાં 29 ગામોમાં ફેલાયો વિરોધનો વ્યાપ

આંદોલનના ભાગરૂપે સૌથી પહેલા જેતપર ગામે બેનરો લગાવીને આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષના નેતાઓને મત માંગવા માટે ગામમાં ન આવવા માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન જોતજોતામાં વાયુવેગે સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગયો અને માત્ર 2 જ દિવસમાં મોરબી જિલ્લાના કુલ 29 ગામોમાં નેતાઓની પ્રવેશબંધી અને બહિષ્કારના આકરા બેનરો લગાડી દેવામાં આવ્યા છે.

જેતપર ગામ બાદ બે દિવસની અંદર આંદોલનનો વ્યાપ વધતા સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. ખેડૂતોના સંગઠને સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી યોગ્ય વળતર અંગે સત્તાવાર અને સંતોષકારક નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે.

આંદોલનમાં જોડાનાર મોરબીના ગામોની યાદી

મોરબી જિલ્લાના જે 29 ગામોમાં નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવીને બહિષ્કાર કરવામાં આવ્યો છે તે ગામો નીચે મુજબ છે:

  • જેતપર, વાધપર અને જીકીયારી, વિશાલનગર, ખીરઈ અને રોહીશાળા
  • શાપર, જસમતગઢ અને રંગપર, બેલા, પીપળી અને લક્ષ્મીનગર
  • નવા સાદુળકા, ભરતનગર, ધરમપુર, ટીંબળી, હરીપર અને કેરાળા
  • ભક્તિનગર, કુંભારિયા, રવાપર(નદી), દાદાશ્રીનગર, રોટરીગામ(અમરનગર), કૃષ્ણનગર, ગુંગણ, ગાળા, પીલુડી, નવા દેવળિયા અને જબલપુર

સરકાર સમક્ષ વળતરની નીતિ સ્પષ્ટ કરવાની માંગ

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની કિંમતી જમીન પર પોલ અને લાઈનો નાખવામાં આવે છે પરંતુ તેના બદલામાં ચૂકવવામાં આવતું વળતર ખૂબ જ ઓછું હોય છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.

ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ છે કે જ્યાં સુધી ખેડૂતોના હિતમાં યોગ્ય વળતરની નીતિ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં આ લડત વધુ જિલ્લાઓમાં પણ ફેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Most Popular

To Top