Entertainment

27 વર્ષ બાદ મિસ વર્લ્ડ સ્પર્ધાની ભારતમાં વાપસી

નવી દિલ્હી: ભારત મિસ વર્લ્ડ 2023 (India Miss World 2023) સ્પર્ધાની યજમાની કરવા માટે તૈયાર છે. કારણ કે, પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા લગભગ ત્રણ દાયકા બાદ દેશમાં પરત ફરી રહી છે. મિસ વર્લ્ડની બહુપ્રતીક્ષિત 71મી આવૃત્તિ આ વર્ષે નવેમ્બરમાં યોજાવાની ધારણા છે. જોકે, જેની અંતિમ તારીખો હજી નક્કી કરવામાં આવી નથી. ભારતે છેલ્લે 1996માં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કર્યું હતું.

  • મિસ વર્લ્ડની બહુપ્રતીક્ષિત 71મી આવૃત્તિ આ વર્ષે નવેમ્બરમાં યોજાવાની ધારણા
  • ભારત છ વખત આ પ્રતિષ્ઠિત ટાઇટલ જીત્યું છે

”મને 71મી મિસ વર્લ્ડ ફાઇનલના નવા ઘર તરીકે ભારતની જાહેરાત કરતાં આનંદ થાય છે… અમે તમારી અનન્ય અને વૈવિધ્યસભર સંસ્કૃતિ, વિશ્વ સ્તરનાં આકર્ષણો અને આકર્ષક સ્થળોને બાકીના વિશ્વ સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતા નથી.” મિસ વર્લ્ડ સંસ્થાનાં ચેરપર્સન અને સીઇઓ જુલિયા મોર્લેએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ”71મી મિસ વર્લ્ડ 2023 ‘અતુલ્ય ભારત’માં તેમની એક મહિનાની સફરમાં 130 નેશનલ ચેમ્પિયનની સિદ્ધિઓનું પ્રદર્શન કરશે. કારણ કે, અમે 71મી અને અત્યાર સુધીની સૌથી અદભુત મિસ વર્લ્ડ ફાઇનલ રજૂ કરીએ છીએ.”

એક મહિના સુધી ચાલનારી આ ઇવેન્ટમાં 130થી વધુ દેશોના સ્પર્ધકો ભાગ લેશે. તેમાં પ્રતિભા પ્રદર્શન, રમતગમતના પડકારો અને સખાવતી પહેલો સહિત કઠિન સ્પર્ધાઓની શ્રેણી સામેલ હશે – જેનો હેતુ એવા ગુણોને ઉજાગર કરવાનો છે જે તેમને પરિવર્તનના એમ્બેસેડર બનાવે છે. વર્તમાનમાં ભારતમાં સૌંદર્ય સ્પર્ધાના પ્રચાર-પ્રસાર માટે ભારતમાં આવેલી પોલેન્ડની મિસ વર્લ્ડ કેરોલિના બિએલોસ્કાએ કહ્યું હતું કે, તે આ સુંદર દેશમાં પોતાનો તાજ સોંપવા માટે ઉત્સાહિત છે, જે મિસ વર્લ્ડ જેવાં જ મૂલ્યો ધરાવે છે. ભારતે છ વખત આ પ્રતિષ્ઠિત ટાઇટલ જીત્યું છે – રીટા ફારિયા (1966), ઐશ્વર્યા રાય (1994), ડાયના હેડન (1997), યુક્તા મુખી (1999), પ્રિયંકા ચોપડા (2000) અને માનુષી છિલ્લર (2017).

Most Popular

To Top