ગાંધીનગર : રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોના અધ્યાપકોએ પોતાની પડતર માંગણીઓને લઈ આજે ગાંધીનગર ખાતે ઉગ્ર વિરોધ-પ્રદર્શન કર્યો હતો. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં અધ્યાપકો કમિશનર ટેકનીકલ શિક્ષણની કચેરીએ કાળા કપડાં પહેરી ભારે કમિશનર કરી વિરોધ ક્યો હતો.
કમિશનર ટેકનીકલ શિક્ષણની કચેરીએ અધ્યાપકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેમની વાત સાંભળવાને બદલે ઓફિસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયા હતા. જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. અધ્યાપકોએ સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ મૂકી હતી, જેમાં તાલીમ પ્રક્રિયામાં રહેલી વિસંગતતાઓની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ મુખ્ય છે. તેમનો આક્ષેપ છે કે એનઆઈટીટીઆર
અથવા જીઈસીએસ જેવી સંસ્થાઓમાં ઓછી ફીમાં ઉપલબ્ધ તાલીમ હોવા છતાં, અન્ય ખાનગી સંસ્થાઓમાં ઊંચા ખર્ચે ફરજિયાત તાલીમ માટે મોકલવામાં આવે છે, જેમાં આર્થિક અનિયમિતતાની શક્યતા હોવાનો તેઓ શંકા વ્યક્ત કરે છે.
આ ઉપરાંત, અધ્યાપકોએ માંગણી કરી છે કે તાલીમ માટેના ઓર્ડર ઓછામાં ઓછા એક અઠવાડિયા અગાઉ આપવામાં આવે અને કોઈને તેમની ઈચ્છા વિરુદ્ધ તાલીમમાં ન મોકલવામાં આવે. ઓનલાઈન MOOC તાલીમ માટે 50 અધ્યાપકોની મર્યાદા દૂર કરવાની પણ તેઓએ માંગ કરી છે.
અધ્યાપકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને ચર્ચા માટે કચેરી દ્વારા દરવાજા નહીં ખોલવામાં આવે, તો આગામી દિવસોમાં રાજ્યભરની એન્જિનિયરિંગ કોલેજોમાં તાળાબંધી કરવામાં આવશે. ગાંધીનગરમાં ચાલી રહેલા આ વિરોધને પગલે હાલ વાતાવરણ તંગ બન્યું છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઉગ્રતા આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.