કોવિડ-૧૯ના ઉદભવ અંગેનું રહસ્ય પુરેપુરુ઼ં કદાચ ક્યારેય નહીં ઉકેલાય

અમેરિકાના લોસ એન્જેલસમાં કોરોનાવાયરસના ચેપનો પ્રથમ કેસ જાન્યુઆરીની ૨૬ તારીખે નોંધાયો હતો પરંતુ હાલ કેટલાક સંશોધકોએ અંદાજ બાંધ્યો છે કે અમેરિકામાં આ વાયરસના ચેપના કેસો ગયા વર્ષના ડિસેમ્બરમાં નાતાલના તહેવાર પહેલાથી જ સર્જાવા માંડ્યા હતા. કોરોનાવાયરસના રોગચાળાની શરૂઆત બાબતે ચીને ઢાંકપિછોડાઓ કર્યા હોવાના આક્ષેપો વિશ્વમાં થઇ રહ્યા છે અને આવા નવા અહેવાલો એ આક્ષેપોને કંઇક બળ આપી રહ્યા છે.

કોવિડ-૧૯ના ઉદભવ અંગેનું રહસ્ય પુરેપુરુ઼ં કદાચ ક્યારેય નહીં ઉકેલાય

અત્યાર સુધીની સામાન્ય માન્યતા એવી છે કે નવા કોરોનાવારયસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત ગયા વર્ષના ડીસેમ્બર માસથી ચીનમાં થઇ હતી અને ત્યારબાદ વિશ્વભરમાં ધીમે ધીમે આ રોગચાળો ફેલાયો.  પરંતુ હાલમાં એવા કેટલાક પુરાવા મળ્યા છે કે જે સૂચવે છે કે અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશોમાં આ રોગચાળો ડીસેમ્બર માસમાં જ શરૂ થઇ ગયો હતો અને ચીનમાં તો તેના કરતા થોડા મહિનાઓ પહેલા શરૂ થયો હશે પરંતુ ચીને તેની વિગતો દબાવી રાખી હતી.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જેલસના સંશોધકોએ લોસ એન્જેલસ શહેરની હોસ્પિટલોમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે મુલાકાત લેનાર એક કરોડ કરતા વધુ દર્દીઓના રેકર્ડસનું વિશ્લેષણ કરતા જણાયું છે કે આ સમયગાળામાં કફની તકલીફો સાથે આવેલા દર્દીઓની સંખ્યામાં અગાઉના પાંચ વર્ષના આ જ સમયગાળામાં આવેલા આવા દર્દીઓ કરતા પ૦ ટકા વધારો જણાયો હતો. એક સામાન્ય વર્ષની સરખામણીમાં ગયા વર્ષે ઓછામાં ઓછા ૧૮ વધુ દર્દીઓ શ્વસનતંત્રની નિષ્ફળતા સાથે આ વિસ્તારની હોસ્પિટલોમાં દાખલ થયા હતા.

લોસ એન્જેલસમાં કોવિડ-૧૯નો પ્રથમ કેસ ૨૬ જાન્યુઆરીએ ઓળખાયો હતો અને બીજો કેસ તો વધુ પાંચ સપ્તાહ સુધી શોધી શકાયો ન હતો. પરંતુ આ નવા સંશોધનો સૂચવે છે કે લોસ એન્જેલસમાં કદાચ મહિનાઓ પહેલાથી આ વાયરસની હાજરી હતી. આ યુનિવર્સિટીના મેડિકલ વિભાગના ડોકટરોએ જૂના રેકર્ડસ ફંફોસતા જણાયું હતું કે ડિસેમ્બરમાં અહીં ખાંસી અને ફેફસાની તકલીફો સાથે આવતા દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હતો, નાતાલ પહેલાથી આવા દર્દીઓ આવવાના શરૂ થઇ ગયા હતા.

આ વિશ્લેષણ પરથી જણાય છે કે અમેરિકામાં કોરોનાવાયરસના કેસો ગયા ડિસેમ્બર મહિનાથી જ શરૂ થઇ ગયા હતા જે મહિનામાં ચીને પોતાને ત્યાં રોગચાળો શરુ થયો હોવાનુ઼ જાહેર કર્યું હતું જ્યારે કે કેટલાક નિષ્ણાતો માને છે કે ચીનમાં છેક ઓકટોબરથી આ રોગચાળો શરુ થઇ ગયો હશે. હાલમાં બ્રિટનમાં પણ જૂના રેકર્ડ પરથી જણાયું છે કે એક ૮૪ વર્ષના દર્દી પિટર એટવૂડનું મોત ડીસેમ્બરમાં ચેપ લાગ્યા બાદ જાન્યુઆરીની ૩૦ તારીખે કોરોનાવાયરસના ચેપથી થયું હતું. આના પરથી જણાય છે કે પશ્ચિમી દેશોમાં હાલના અંદાજ કરતા ઘણો વહેલો કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થઇ ગયો હતો. 

કોવિડ-૧૯ના ઉદભવ અંગેનું રહસ્ય પુરેપુરુ઼ં કદાચ ક્યારેય નહીં ઉકેલાય

આનાથી ચીન પર રોગચાળાની વિગતો દબાવી રાખવાનો આક્ષેપ કરનારાઓના આક્ષેપોને બળ મળી શકે છે પરંતુ અહીં એ વાત પણ નોંધવી જોઇએ કે પશ્ચિમી દેશોમાં કોવિડ-૧૯ના કેસો વહેલા દેખાયાના પુરાવા મળ્યાની સાથે એ શંકા પણ વ્યક્ત થઇ શકે કે ખરેખર આ રોગચાળાની શરૂઆત ચીનથી જ થઇ હતી કે કોઇ પશ્ચિમી દેશમાંથી થઇ હતી? બની શકે કે રોગચાળાની શરૂઆત પશ્ચિમના કોઇક દેશમાં થઇ હોય પરંતુ શરુઆતમાં ત્યાં કેસો ઓછા હોય અને ત્યાંથી ચેપ ચીનમાં ગયો હોય અને ત્યાં અચાનક કેસોમાં ઉછાળો આવ્યો હોય, શક્યતાઓ અનેક છે. લાગે છે કે કોવિડ-૧૯ના ઉદભવ અંગેના રહસ્યો સંપૂર્ણપણે કદાચ ક્યારેય ઉકેલાય નહીં. હાલમાં તો આ બધા વિવાદોમાં સમય બગાડવાને બદલે રોગચાળાને કાબૂમાં લેવા પર જ વિશ્વ સમુદાય ધ્યાન કેન્દ્રિત કરે તે જ સલાહભર્યું છે.

અહીં એ નોંધપાત્ર છે કે કોરોનાવાયરસનો ઉદભવ ક્યાંથી થયો તે જ નહીં, પણ કેવી રીતે થયો તે બાબત પણ ઘણી જ ચર્ચાસ્પદ રહી છે. આમ તો સામાન્ય થિયરી એવી છે કે ચામાચિડીયા જેવા પ્રાણીમાંથી આ વાયરસ માણસમાં આવ્યો છે પણ કેટલાક એવી થિયરી પણ રજૂ કરી રહ્યા છે કે આ વાયરસ માનવ સર્જીત છે, એક જૈવિક શસ્ત્ર તરીકે આ વાયરસ લેબોરેટરીમાં વિકસાવવા જતા અકસ્માતે તે લીક થઇ જતાં આ કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો એમ કેટલાક કહે છે.

હોંગકોંગથી ભાગીને અમેરિકામાં આશ્રય લેનાર એક ચીની વાયરોલોજીસ્ટે તો હાલમાં એવું ઉચ્ચારણ કર્યું છે કે આ કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુ એ માનવ સર્જીત જ છે તે પોતે સાબિત કરીને બતાવશે. અલબત્ત, એક વ્યાપક ખયાલ એવો છે કે ચીનના લોકોની ખાણીપીણીની ખરાબ ટેવોને કારણે ચામાચિડીયા જેવા કોઇ પ્રાણીમાંથી જ આ વાયરસ માણસમાં આવી ગયો છે. આમ આ વાયરસનો ઉદભવ કેવી રીતે થયો તે બાબત પણ ઘણી વિવાદાસ્પદ છે તે સમજી શકાય છે. આજ પહેલા કદાચ દુનિયામાં બીજા કોઇ રોગચાળા કે કોઇ વાયરસના ઉદભવ અને ફેલાવા અંગે એટલો વિવાદ નહીં થયો હોય જેટલો વિવાદ આ નવા કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુના ઉદભવ અને ફેલાવા અંગે થઇ રહ્યો છે.

Related Posts