આજે ચેમ્બરના ઉપપ્રમુખ પદની ચૂંટણી: મોદી સામે ગુજરાતીનો સીધો જંગ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણી છેલ્લાં કેટલાંક વર્ષોથી વિવાદી બનતી આવી છે. ચેમ્બરના માજી પ્રમુખોના જૂથ અને નિલેશ માંડલેવાલા તથા પરેશ પટેલ પ્રમુખ બન્યા પછી યંગટર્ક ગ્રુપ ઊભું થતાં બંને જૂથ વચ્ચેની લડાઇ તીવ્ર બની છે.

ખાસ કરીને સરસાણા કન્વેન્શન સેન્ટરનું સંચાલન કરનાર સાર ઇન્ફ્રાકોન અને ચેમ્બરના ટ્રસ્ટમાં માજી પ્રમુખોના જૂથનું વર્ચસ્વ હોવાથી યંગટર્ક ગ્રુપ દ્વારા ચૂંટણીમાં સતત લડત આપવામાં આવી રહી છે. 2020-21ની ઉપપ્રમુખની ચૂંટણી પણ વિવાદી બની છે.

બે જૂથ વચ્ચેના લડાયક મિજાજ અને દિન-રાતના પ્રચાર વચ્ચે ઉપપ્રમુખ પદ માટે આવતીકાલે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 1થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થાય એ માટે ચેમ્બરના માજી પ્રમુખો બી.એસ.અગ્રવાલ, ભરત ગાંધી, અરવિંદ કાપડિયા સહિતના માજી પ્રમુખોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. કારણ કે, પ્રમુખ પદે તેમના જ જૂથના દિનેશ નાવડિયા બિનહરીફ ચુંટાયા છે. જેથી ભાવિ પ્રોજેક્ટને બે વર્ષ માટે પૂર્ણ કરી શકાય.

બીજી તરફ મિતિષ મોદીને વિજયી બનાવવા માટે માજી પ્રમુખ રોહિત મહેતા, માજી સેક્રેટરી ધીરેન થરનારી અને યંગટર્ક ગ્રુપ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ઉપરાંત કેટલાંક ટેક્સટાઇલ સંગઠનો પણ છૂપી ભૂમિકા ભજવી રહ્યા છે. એટલી હદે સામસામા આક્ષેપ પ્રથમવાર થયા છે. જેમાં ઉમેદવાર સીએ મિતિષ મોદી સામે સુગર મિલોના ચુકાદા મામલે આરોપ મૂકવામાં આવ્યા છે કે તેમણે અપપ્રચાર કર્યો છે.

બીજી તરફ આશિષ ગુજરાતી પાંડેસરા વિવર્સ સોસાયટીના પણ પ્રમુખ હોવાથી સોસાયટીના માજી પ્રમુખ અશોક મહેતાએ તેમની સામે ગેરરીતિના આક્ષેપો સાથેની ફરિયાદ ટેક્સટાઇલ કમિશનર અને સ્ટેટ રજિસ્ટ્રાર (ઔદ્યોગિક મંડળી)ને કરી હતી. આ મુદ્દા ચૂંટણીમાં ખૂબ ગાજ્યા હતા. ઉપરાંત ઉદ્યોગને લગતા પ્રશ્નો બંને ઉમેદવારે 9000 સભ્યો સુધી પહોંચાડ્યા છે. તેનું પરિણામ આવતીકાલે આવી જશે.

જાતિગત સમીકરણ ચૂંટણીનાં પરિણામો પર અસર કરશે

ચેમ્બરના ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં પ્રથમવાર પરેશ પટેલ ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે જાતિગત સમીકરણોના આધારે મતદારોના સમૂહ સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો. ચાલુ વર્ષે પણ એ જ પેટર્ન પર જુદા જુદા સમાજોની બેઠકો યોજાઇ હતી. જો કે, બંને ઉમેદવાર મોઢવણિક સુરતી સમાજમાં આવતા હોવાથી સમાજે બંને ઉમેદવારને સમર્થન આપ્યું નથી. અને જે ઉમેદવાર સારો લાગે તેને મત આપવાની વાત કરી છે.

જાતિગત સમીકરણમાં સૌરાષ્ટ્રવાસી 1250, અગ્રવાલ અને મહેશ્વરી 1200, વણિક-જૈન 1000, મોઢવણિક 800, ખત્રી 450, મુસ્લિમ 550, ચરોતર અને મહેસાણા પટેલ 600, અનાવિલ 350, બ્રહ્મસમાજ 300, પંજાબી-સિંધી-પરપ્રાંતિય 300, રાણા સમાજના 300 તથા અન્ય મળી ચેમ્બરના 9700માંથી 9000 સક્રિય સભ્ય છે. આ મતદારોનું કેટલું વોટિંગ થાય છે તેના પર પરિણામની અસર જોવા મળશે.

Related Posts