National

યુપીમાં ગામના લોકોએ કોરોના સંક્રમણના ડરથી વૃદ્ધની પત્નીના અંતિમ સંસ્કાર માટે કરી મનાઈ

ઉત્તર પ્રદેશના જૌનપુરથી માનવતા માટે શરમજનક મામલો સામે આવ્યો છે. મડિયાહું પોલીસ સ્ટેશન વિસ્તારના અંબરપુર ગામના લોકોએ એક વૃદ્ધને કોરોના સંક્રમણના ડરથી તેમની પત્નીના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપી ન હતી. જેના કારણે વૃદ્ધે તેમની પત્નીની લાશ સાથે સાયકલ પર ભટકવું પડ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબરપુર ગામની રહેવાસી રાજકુમારી દેવીની થોડા દિવસ પહેલા તબિયત બગડી હતી. પત્નીની તબિયત લથડતા તેમના પતિ તિલકધારી સિંહ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ બાદ તેના મૃતદેહને એમ્બ્યુલન્સથી ગામ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ, કોરોનાના ડરના કારણે ગ્રામ્યલોકોએ વૃદ્ધની મદદ કરી નહોતી.

વૃદ્ધે ઘણી મુશ્કેલી સાથે મૃતદેહને સાયકલ પર મૂકી અંતિમ સંસ્કાર માટે તેને ઘાટ પર લઈ ગયા હતા. આ વિસ્તારમાં કોરોના સંક્રમણના ભયથી ગ્રામજનોએ તેને અંતિમ સંસ્કાર કરવાથી અટકવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસને આ અંગેની માહિતી મળી હતી અને પોલીસે જૈનપુરના રામઘાટ ખાતે મૃત મહિલાની અંતિમ વિધિ હાથ ધરી હતી.

મડિયાહું જિલ્લા મેજિસ્ટ્રેટ એસપી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પોલીસને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ મદદ માટે આગળ આવ્યા હતા. મૃતક મહિલાનો અંતિમ સંસ્કાર રામઘાટ સ્મશાનગૃહમાં દરેક રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top