દૂરદર્શન ફક્ત રામાયણ જ નહીં, બીજા પણ અનેક જૂના યાદગાર શો પાછા લાવી રહ્યું છે

હાલ ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનમાં લોકો ઘરોમાં જ રોકાઇ રહે અને ઘરમાં ટી.વી. જોવામાં મશગૂલ રહે તે માટે રામાયણ સિરિયલ સહિતના તેના કેટલાક જૂના અને જે-તે સમયે લોકપ્રિય નિવડેલા શો પાછા રજૂ કરવા જઇ રહ્યું છે. એક સમયે જેણે દેશમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું તે રામાયણ ટી.વી. શ્રેણી ફરીથી રજૂ થવા જઇ રહી છે તેવી ચર્ચાઓ વચ્ચે એવા અહેવાલ આવ્યા છે કે ફક્ત રામાયણ જ નહીં પણ બીજા પણ કેટલાક લોકપ્રિય જૂના ટી.વી. શોઝ અને શ્રેણીઓ ફરી રજૂ કરવાનું આયોજન રાષ્ટ્રીય પ્રસારક દૂરદર્શને કર્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરની એ જાહેરાતથી ઘણા લોકો ઉત્તેજીત થઇ ગયા હતા કે રામાયણ ટીવી સિરિયલ ફરી આવી રહી છે. મૈં સમય હુંના ઘેરા અવાજ સાથે શરૂ થતાં દરેક એપિસોડના જૂના દિવસો લોકોને યાદ આવી ગયા હતા. આ પછી બી.આર. ચોપરાની જે ભગવતગીતા શ્રેણી રજૂ થઇ હતી જેની પટકથા જાણીતા ઉર્દૂ કવિ સદગત રાહી માસૂમ રઝાએ લખી હતી તે પણ રજૂ થનાર છે. આ ઉપરાંત તે સમયે નવા ચોકલેટ બોય તરીકે આવેલા આજના પીઢ બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનને કુંદન શાહે જે શોમાં ચમકાવ્યો હતો તે સર્કસ શો પણ આવી રહ્યો છે. આ ટીવી શો રાત્રે આઠ વાગ્યે પ્રસારિત થશે. આ શોમાં આશુતોષ ગોવારીકર અને રેણુકા શહાણે પણ અગ્રણી ભૂમિકાઓમાં ચમક્યા હતા. મહાભારત ટીવી શ્રેણી પણ પાછી આવી રહી છે જે બપોરે ૧૨ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે પ્રસારિત થશે. આ ઉપરાંત રજીત કપૂરને જાસૂસની ભૂમિકામાં ચમકાવતો બ્યોમકેશ બક્ષી શો પણ ૨૮ તારીખે સવારે ૧૧ વાગ્યાથી પ્રસારિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બ્યોમકેશ બક્ષી શોનો ખયાલ શાર્દીન્દુ બંદોપાધ્યાયની વાર્તાઓ પરથી લેવામાં આવ્યો હતો. આ શોથી રજીત કપૂર ભારતીય શેરલોક હોમ્સ તરીકે જાણીતા થયા હતા.

લોકડાઉનમાં ઘરોમાં રોકાઇ રહેવા મજબૂર થયેલા લોકોને આવા કેટલાક જૂના લોકપ્રિય શો અને શ્રેણીઓ જોવા મળશે અને જૂના દિવસોની યાદો પણ તાજી થશે. તરૂણો, બાળકોની નવી પેઢીને તો આવા શો કદાચ પ્રથમ વખત જ જોવા મળશે અને આજે ટીવી પર દિવસ રાત રજૂ થતા રહેતા કેટલાક કચરા જેવા કાર્યક્રમો કરતા તો આ શોઝ ઘણા ચડીયાતા જ છે

Related Posts