દુનિયા રંગબિલોરીઃ દેખાવનો સંબંધ અને સંબંધનો દેખાવ

જે. કૃષ્ણમૂર્તિ માનવીના સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહને આ રીતે સમજાવતા કે “દરેક માણસ જે ભીતરથી છે, તેવો જ બહાર પણ હોય એવું હંમેશા બનતું નથી. માણસ જેવો દેખાય છે, એવો હોતો નથી. માણસ આત્મારૂપ બની શકતો નથી. કારણ કે સ્વભાવ આડો આવે છે.”

દુનિયા રંગબિલોરીઃ દેખાવનો સંબંધ અને સંબંધનો દેખાવ

દુનિયા દેખાવની અથવા બાહ્યાડંબરની બનતી જાય છે? આપણને સામે મળતી વ્યક્તિ પૂછવા ખાતર પૂછે છે કે “કેમ છો?”અને આપણે પણ મજામાં હોઈએ કે ના હોઈએ, યાને તબિયત સારી હોય કે ના હોય કહીએ છીએ કે “મજામાં…” આપણા ચહેરા પરનો થાક અથવા શરીરની વીકનેસ પરથી તબિયત સારી નથી એમ સામી વ્યક્તિ જોઈ શકતી હોય છે. તમે અનુભવ્યું હશે કે તમારી તબિયત સારી હોય કે ના હોય એથી નજીકની વ્યક્તિ સિવાય કોઈને ફરક પડતો નથી.

હિન્દી ફિલ્મની ગીતપંક્તિની જેમ “એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હૈ લોગ…” સામાજિક પ્રસંગો અથવા સમૂહ મિલન-મુલાકાતોમાં જ્યારે બે વ્યક્તિ મળે ત્યારે પોતે સુખી હોવાનો અવશ્ય દાવો કરે. પરંતુ તે વ્યક્તિ કદાચ પોતાની જાતને છેતરી રહી હોય છે. પોતે જ પોતાને સવાલ પૂછવાની જરૂર હોય છે કે તે ખરેખર સુખી છે?

સામાજિક પ્રસંગોએ તો લોકો એકમેકને એવા ઉમળકા અને પ્રેમથી મળતા હોય છે કે જાણે એકમેક સાથે કેટલો બધો પ્રેમ અને લાગણીનો નાતો છે. પરંતુ તેમના ચહેરાને વાંચતાં જ ખ્યાલ આવી જાય કે આ તો પ્લાસ્ટિકનું સ્માઈલ છે. જાણે લોકો ખુશી, સ્મિત, આનંદનો ચહેરા ઉપર મેકઅપ કરીને જ ઘર બહાર નીકળતા હોય એવું જોવા મળે.

દરેક માણસ જ્યારે એકમેકને મળે ત્યારે એમ પૂછે છે કે “કેમ છો?” અને જવાબમાં સામી વ્યક્તિ કહે છે કે “મજામાં…” પરંતુ શું ખરેખર વ્યક્તિ મજામાં હોય છે ખરી? આ જવાબથી સામી વ્યક્તિને કોઈ ફેર ન પણ પડે. પરંતુ “મજામાં…” કહીને આપણે આપણી જાતને જ છેતરતા હોઈએ છીએ.

દરેક વ્યક્તિ પહેલી વાર જ્યારે એકબીજાને મળે છે તે ઉષ્મા અને સુષ્મા દરેક વખતની મુલાકાત વખતે કેમ અનુભવાતી નથી? આપણે જેમને ઓળખતા હોય તેમને ફરી મળવાનો ઉમળકો થાય એવું ઓછું બને છે. કારણ કે બે અજાણ્યા માણસ પહેલી વાર મળે ત્યારે એકમેકની કોઈ જ ખામી-ખૂબી જાણતા ન હોવાથી એકસરખાપણું અને સંવાદિતા પણ જળવાઈ રહે છે. કોઈ પણ વ્યક્તિને ખોતરો તો ઘાવ જોવા મળે અથવા નવા ઘાવ પણ પડે. ઢંકાઈ રહેવાનું આ સુખ છે, જે સંબંધની ઉષ્મા અને સુષ્મા પણ જાળવી રાખે છે.

બે અજાણી વ્યક્તિ એકમેક વિશે કશું જાણતા ન હોય અથવા જણાવવા પણ ન માગતા હોય એ પણ એક અર્થમાં તો તંદુરસ્ત સંબંધ જાળવી રાખવા માટેની સારી નિશાની જ છે. ઘણા કિસ્સામાં અપરિચિત વ્યક્તિ એકમેકને આંજી નાખવા અને પોતાના પ્રભાવ હેઠળ લઈ લેવા જ પ્રયાસ કરતી હોય છે. અજાણ્યા હોવાનું આ સુખ છે. કોઈ જાતનો ભાર રહેતો નથી. કોઈ પદ, ધન, કીર્તિ કે મોભો વગેરેનો ભાર મૂકીને સંબંધનો સરવાળો કરવા જેવો છે. આમ કરવું સહેલું નથી તો અઘરું પણ નથી.

સંબંધ નિભાવવામાં આપણે જાણીએ છીએ કે પહેલી, બીજી કે ત્રીજી મુલાકાત સુધી અપરિચિતતા અથવા બાહ્ય મેકઅપ અથવા દંભ યા શિષ્ટાચાર ટકી જાય છે. બે વ્યક્તિ એકમેકની નજીક આવે તેમ એકમેકને ઓળખતી પણ થાય છે. આપણે જેનાથી પરિચિત હોઈએ છીએ તેને મળવામાં સુખ મળતું નથી, કારણ કે આપણને ખબર હોય છે કે દુઃખ, વિષાદ, વેદના, આંસુ, તિરસ્કાર અને દુશ્મની હંમેશા આપણા પોતાના જ આપણને આપતાં હોય છે. અજાણી વ્યક્તિ કે જે આપણને ઓળખતી જ ના હોય તે વ્યક્તિ ભલા આપણને દુઃખ દઈ જ શકે, કઈ રીતે? એવું શક્ય જ નથી. આથી આપણને દુઃખ દેવા માટે સામી વ્યક્તિએ આપણી સાથે પહેલાં તો પરિચય-સંપર્ક કેળવવો પડે અને સંબંધ બાંધવો પડે.

દુઃખ તો આપણાં પોતાનાં જ આપણને આપતાં હોય છે. જાણીતી વ્યક્તિને જ આપણા વિશે ખબર હોય છે કે આપણને કઈ જગ્યાએ પ્રહાર કરવામાં આવે તો વાગે અને દુઃખ થશે. આપણને ન ઓળખતી અને સાવ અજાણી વ્યક્તિને તો શું ખબર હોય કે આપણા ઘાવ ક્યાં અને કયા કયા છે. વ્યક્તિ અંદરથી અને બહારથી જુદી હોય છે.

વ્યક્તિ બહાર ખુશી સજાવી રાખે છે અને પોતાનાં દુઃખ-દર્દ ભીતર છુપાવી રાખે છે. પરંતુ જ્યારે સંબંધમાં સામીપ્ય ને નિકટતા કેળવાતી જાય ત્યારે એક વ્યક્તિ સામી વ્યક્તિમાં વિશ્વાસ મૂકતો જાય અને ખુલ્લી થતી જાય છે. આવું ખુલ્લાપણું વિશ્વાસના પાયા ઉપર ટકેલું હોય છે. પરંતુ મોટા ભાગના સંબંધોમાં વિશ્વાસનો લોપ થઈ જતો હોય છે અને અહીં જ સંબંધમાં પૂર્ણવિરામ પણ મૂકાઈ જતું હોય છે.

સ્ટૉપરઃ-

“જો તમારે કોઈના દુશ્મન બનવાનું હોય તો પહેલાં દોસ્ત બનવું પડે છે. કેમ કે દોસ્ત બન્યા વિના દુશ્મની સંભવ જ નથી, શક્ય જ નથી. અજાણી વ્યક્તિ તમારો દોસ્ત પણ ન હોઈ શકે યા દુશ્મન પણ ન હોઈ શકે.”

– જે.કે.રોલિંગ

– આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts