SURAT

વિકાસ માટે સુરતીઓ પર વધારાનો 307 કરોડનો વેરો ઝીંકાયો

સુરત: સુરત મહાનગરપાલિકાનું (SMC) વર્ષ 2023-24નું ડ્રાફટ બજેટ (Draft Budget) આજે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે રજૂ કર્યું છે. રૂપિયા 7707 કરોડના માતબર બજેટમાંથી શહેરના વિકાસ પાછળ રૂપિયા 3519 કરોડનો ખર્ચ કરવાની જોગવાઈ કરાઈ છે. નવા વિસ્તારોના વિકાસ માટે એક વિશેષ પ્લાન બનાવાયો છે. આ પ્લાન હેઠળ રૂપિયા 824 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સૌથી મહત્ત્વની બાબત વેરા વધારા અંગે રહી છે. ધારણા પ્રમાણે જ સુરત મનપા કમિશનરે શહેરીજનો પર રૂપિયા 300 કરોડનો વેરા બોજો સૂચવ્યો છે.

બજેટની મહત્ત્વપૂર્ણ જાહેરાત

  • સ્ટ્રીટ લાઈટ અને ફાયર ચાર્જ ડબલ કરવા સૂચન
  • મીટરથી અપાતા પાણીના દરમાં વધારો.
  • નવા વર્ષમાં સુરત મનપા 7911 આવાસો બનાવશે
  • સ્મીમેર માટે રૂપિયા 89 કરોડની માતબર જોગવાઈ
  • રેવન્યુ આવક 4540 કરોડ સામે રેવન્યુ ખર્ચ 4188 કરોડ
  • તાપી શુદ્ધિકરણ માટે 93 કરોડની જોગવાઈ
  • રહેણાંક મિલક્તોના વેરામાં પ્રતિ ચો.મી. 4 રૂપિયાનો વધારો
  • કમર્શિયલ મિલક્તોના વેરામાં પ્રતિ ચો.મી. 10 રૂપિયાનો વધારો
  • સામાન્ય વેરામાં અંદાજીત વધારો 152.18 કરોડ
  • વોટર મીટર ચાર્જીસમાં 6 કરોડનો વધારો
  • યુઝર ચાર્જીસમાં અંદાજીત વધારો 148.66 કરોડ
  • સુરત સિટી ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી 2021 હેઠળ આ વર્ષે પરિવહન ચાર્જમાં 75 ટકાની રાહત જાહેર કરાઈ
  • આરોગ્ય માટે 550 કરોડના ખર્ચની જોગવાઈ
  • સુરતમાં પહેલીવાર 100 કરોડના ખર્ચે ગ્રીન બ્રિજ બનશે
  • રૂપિયા 100 કરોડની નવી ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ સ્કીમ લોન્ચ કરાઈ
  • પાછલા વર્ષની સરખામણીએ વિકાસ કાર્યો માટે 40 ટકાનો વધારો સૂચવાયો
  • 3 નવા બ્રિજના નિર્માણ કરાશે, જે પૈકી બે બ્રિજ પાછળ કુલ 100 કરોડના ખર્ચનો અંદાજ છે.

ગયા વર્ષે શાસકોએ મંજૂર કરેલા બજેટનું કદ 7287 કરોડ હતું. આ વખતે મનપા કમિશનર શાલીની વૈશ્વિકસ્તરના શહેર બની રહેલા સુરતને વર્લ્ડ કલાસ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે જરૂરી વિકાસ કામો અને પ્રાથમિક સુવિધા માટેની જોગવાઇમાં કોઇ બાંધછોડ કરી નથી. આવકના નવા સ્ત્રોત શોધવામાં પણ કમિશનરે મહેનત કરી હોવાનું દેખાય છે. કેટલાંક પ્રોજેકટનું સંચાલન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી કરાયું છે. શહેરના તમામ વર્ગ મહિલા, બાળકો, સીનિયર સિટિજનો, ગરીબ, મધ્યમથી માંડીને ધનિક વર્ગને ધ્યાનમાં રાખીને બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે સુરત મનપાના બજેટમાં દરેક વખતે વિકાસ કામો માટે મસમોટી જોગવાઇ થાય છે. પરંતુ વિકાસ કામોનું ભંડોળ કયારે 1850 કરોડથી વધુ વપરાયું નથી. પરંતુ આ વખતે સુરત મનપાના તંત્રને શાલિની અગ્રવાલે ચાર્જ લીધા બાદ જે રીતે તંત્રને દોડતું કર્યુ છે. તે જોતા વિકાસ કામો અને આવક બન્નેમાં નવા વિક્રમ મનપા કરવા જઇ રહી છે.

સુરત મનપા આવક અને વિકાસ કાર્યોમાં વિક્રમ સર્જશે
અત્યાર સુધીમાં મનપાની આવક 2100 કરોડને પાર કરી ગઇ છે. અને 31મી માર્ચ સુધીમાં 2700 કરોડની પાર થાય તેવી વકી છે. અત્યાર સુધીમાં મનપાની આવક 2250 કરોડ સુધી પહોંચી હતી, સુરત મનપાની આવકે જયારે વિકાસ કામોના ખર્ચમાં પણ આ વખતે વિક્રમ થશે. કેમકે અત્યાર સુધીમાં સુરત મનપાનો કેપીટલ ખર્ચ માત્ર એક વખત 1850 કરોડ થયો હતો. જો કે આ વખતે 3472 કરોડના કેપિટલ ખર્ચની જોગવાઇ સામે અત્યાર સુધીમાં 1500 કરોડ પાર થઇ ચુકયા છે અને અમુક કરોડના ચેક ચૂકવાયા હોય, એકાદ અઠવાડિયામાં 2000 કરોડને પાર થશે અને નાણાકીય વર્ષના અંત સુધીમાં 2400 કરોડ સુધી પહોંચે તેવી શકયતા છે.

સુરતમાં પાછલા 10 વર્ષથી વેરો વધ્યો નહોતો
સુરતમાં 10 વર્ષથી વેરાના દરો વધ્યા નહીં હોય આ વર્ષે વેરો વધે તે નક્કી જ હતું. તમને જણાવી દઈએ કે મુંબઇમાં સુરતથી છ ગણો, પુણેમાં ચાર ગણો, કોલકતામાં અઢી ગણો, બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ, ઇન્દોર વડોદરા અને અમદાવાદમાં બે ગણો વેરાનો દર છે. રાજય સરકારે તમામ મનપાઓને સ્વનિર્ભર થવા તાકીદ કરી છે. તેથી રાજયની તમામ મનપાઓ સાથે સુરતે પણ વેરો વધારવો અનિવાર્ય છે.

Most Popular

To Top