દહેજમાં બે દિવસથી ભારેલા અગ્નિ જેવો માહોલ, પથ્થરમારો કરનાર સામે કાર્યવાહી શરૂ કરાઈ

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં ફસાયેલાં પરપ્રાંતિય શ્રમજીવીઓ વતનમાં જવાની માંગ સાથે હોબાળો મચાવી રહયાં છે ત્યારે એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રમજીવીઓને સંયમ અને શિસ્ત જાળવી રાખવા માટે અપીલ કરી હતી.આ દરમિયાન જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા છતાં બેકાબુ બનેલા પરપ્રાંતીઓ દ્વારા ફરીથી જોલવા ચોકડી નજીક ચક્કાજામ કરાયો હતો અને કેટલાક લોકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ટોળાને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. આ મામલે જિલ્લા પોલીસ વડાની સુચનાથી ૩૦ જેટલા પણ લોકો સામે પોલીસ ઉપર હુમલો, રાયોટિંગ, લોકડાઉનનાં નિયમોનો ભંગ સહિતની કલમો મુજબ દહેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

રાજયભરમાંથી પરપ્રાંતિય શ્રમિકો તેમના વતનમાં પરત ફરી રહયાં છે. ભરૂચ અને અંકલેશ્વરમાંથી પણ બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડની વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવું પડતું હોવાથી વિશેષ ટ્રેનોમાં મર્યાદિત મુસાફરોને લઇ જવામાં આવે છે. દહેજની વિવિધ કંપનીમાં કામ કરતાં હજારો શ્રમજીવીઓ જોલવા સહિતના ગામોમાં ફસાય ગયાં છે. બે દિવસથી તેઓ રસ્તા પર ઉતરી આવી હોબાળો મચાવી રહયાં છે.

શુક્રવારના રોજ ઉશ્કેરાયેલાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા દહેજ ખાતે દોડી ગયાં હતાં. તેમણે શ્રમિકોને કોઇના ઉશ્કેરાટમાં આવી કાયદો હાથમાં નહિ લેવા અપીલ કરી હતી. વધુમાં તેમણે શ્રમિકોને વતન પરત મોકલવા માટે ચાલી રહેલી કાર્યવાહીની લોકોને જાણકારી આપી હતી.

Related Posts