સુરત: છેલ્લાં ત્રણ વર્ષથી અટવાયેલા અને 14 માસથી કોર્ટ કેસના કારણે અધ્ધરતાલ થઇ ગયેલા ભાજપ શાસકો માટે ગળાનું હાડકું બની ચૂકેલા કતારગામ(Katargam) ગોટાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ (Re-Development) કેસમાં સામી દિવાળીએ હાઇકોર્ટે (Highcourt) 1304 પરિવારને રાહત આપતો આદેશ કર્યો હતો, જેમાં મનપાએ ઇજારદાર જે.પી.ઇસ્કોનને બ્લેકલિસ્ટ કરવાના ઠરાવમાં ફેર વિચારણા કરવા અને આ ઇજારદાર પાસે જ સ્થળ પર તત્કાળ અસરથી પ્રોજેક્ટનું કામ શરૂ કરાવવા મનપાને આદેશ આપ્યો હતો.
ઉપરાંત ઇજારદારને નવેમ્બર મહિનાથી અસરગ્રસ્ત પરિવારોને નક્કી કરેલું ભાડું ચૂકવવાનું ચાલુ કરવા હુકમ કરવામાં આવ્યો હોવાથી 1304 પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. જો કે, સુરત મનપાના વજન ધરાવતા ચોક્કસ રાજકીય જૂથને આ ઇજારદાર સામે ચાલી રહેલા મતભેદના પગલે જે મુદ્દે નિવેડો આવી ગયો હોવાનું અને 1304 પરિવારની મુશ્કેલીઓનો અંત આવી ગયો હોવાનું મનાતું હતું તેમાં નવો વળાંક આવ્યો છે. મનપા દ્વારા હાઇકોર્ટના ચુકાદાને પડકારી સુપ્રીમ કોર્ટમાં જવાનો ઠરાવ શાસકો દ્વારા સ્થાયી સમિતિમાં કરવામાં આવ્યો છે.
ગોટાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ઇજારદાર દ્વારા ભારે વિલંબ બાદ વિવાદ થતાં મનપાએ ઠરાવ કરી ઇજારદાર જે.પી.ઇસ્કોનને બ્લેકલિસ્ટ કર્યો હતો. જો કે, મંદીના માહોલમાં જો આ ઇજારદાર બ્લેકલિસ્ટ થાય તો નવો ઇજારદાર મળવો મુશ્કેલ હોવા ઉપરાંત પ્રોજેક્ટ વધુ ડીલે થાય તેવી દલીલ સાથે અસરગ્રસ્તોએ ગોતાલાવાડી ઓનર્સ એસોસિએશન દ્વારા પૂર્વ કોર્પોરેટર અને હાલમાં શિક્ષણ સમિતિ ઉપ ચેરમેન સ્વાતિ સોસાની આગેવાનીમાં આંદોલન પણ કરાયું હતું અને આખરે 14 માસ બાદ હાઇકોર્ટમાં અસરગ્રસ્તોના હિતમાં હુકમ થયા બાદ કેસ હવે મનપા સુપ્રીમમાં જશે. એટલે નવેસરથી કાનૂની લડાઇમાં ક્યારે આ મુદ્દાનો અંત આવે એ અનિશ્ચિત બન્યું છે.
ભાજપનાં નેતા સ્વાતિ સોસાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી
ગોતાલાવાડી ટેનામેન્ટ એસોસિએશનના પ્રમુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર તેમજ શિક્ષણ સમિતિના ઉપ ચેરમેન સ્વાતિ સોસાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. કેમ કે, એક બાજુ પક્ષના જ અમુક નેતાઓના કારણે આ મુદ્દો વધુમાં વધુ ગૂંચવાઇ રહ્યો છે. અને આ લડાઇમાં ટેનામેન્ટવાસીઓ તરફથી સ્વાતિ સોસા તેના નેતા છે.