Comments

વિવાદ સર્જવા માટે જ સ્ટાલિને રૂપિયાનો લોગો તમિલનાડુના બજેટ દસ્તાવેજ પર તમિલ લિપિમાં મૂકયો?

છેલ્લા કેટલાક સમયથી દક્ષિણનો, ખાસ કરીને તમિલનાડુનો કેન્દ્ર સરકાર સાથે ભાષાનો વિવાદ ફરીથી તીવ્ર બન્યો છે. કેન્દ્ર સાથે ભાષાનો સંઘર્ષ વધુ ઉગ્ર બનાવતા તમિલનાડુ સરકારે તેના ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂપિયા માટેનો દેવનાગરી લિપિનો સિમ્બોલ બદલીને તેને સ્થાને તમિલ ભાષાની લિપિ વડે બનાવાયેલો સિમ્બોલ મૂક્યો અને મોટો વિવાદ ઉભો થઇ ગયો. તમિલનાડુની ડીએમકે સરકારનું આ પગલું નવી શિક્ષણ નીતિને સ્વીકારવાના તમિલનાડુ સરકારના ઇન્કાર પછી જાગેલા રાજકીય તોફાન પછી આવ્યું છે.

જ્યારે જેમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કેન્દ્ર સરકાર પર તેમના રાજ્ય પર હિન્દી થોપવાના પ્રયાસો કરતી હોવાનો આક્ષેપ કર્યો છે અને દાવો કર્યો છે કે નવી શિક્ષણ નીતિ એ હિન્દીને પ્રોત્સાહન અને વિકાસનો હેતુ ધરાવે છે અને નહીં કે રાષ્ટ્રના વિકાસનો. ડીએમકેએ એમ પણ ભારપૂર્વક જણાવ્યું છે કે તમિલનાડુ બ્રિટિશ સંસ્થાનવાદને સ્થાને હિન્દી સંસ્થાનવાદ ચલાવશે નહીં, જ્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો છે કે તે અપ્રમાણિક છે અને રાજકારણને ખાતર રાજ્યના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી રહી છે.

તમિલનાડુ રાજ્યના બજેટ માટેના રૂપિયાનો લોગો રાજય સરકારે ગુરુવારે જાહેર કર્યો હતો જેમાં ભારતીય ચલણ માટેના તમિલ શબ્દ રૂબિયા માટેનો પહેલો અક્ષર રૂ બતાવવામાં આવ્યો છે. લોગોની સાથે બધા માટે બધુ વાળુ કેપ્શન પણ મૂકવામાં આવ્યું જે શાસક ડીએમકે સરકારના સર્વસમાવેશક મોડેલની ખાતરી આપે છે એમ કહેવાય છે.  આ પ્રતીક પરિવર્તનથી રાજકીય વિવાદ ઉભો થઇ ગયો. ભાજપના નેતાઓએ ડીએમકે પર પ્રહારો કર્યા, અને શાસક પક્ષના સભ્યોએ પૂછ્યું કે શું કોઈ નિયમ આવા ચિત્રણ પર પ્રતિબંધ મૂકે છે?

ડીએમકેના ધારાસભ્ય એઝિલન નાગનાથને આ પગલાને યોગ્ય ઠેરવ્યું અને કહ્યું કે માતૃભાષાનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી. સ્ટાલિન સરકારના પગલાની ટીકા કરતા, ભાજપ તામિલનાડુના વડા કે અન્નામલાઈએ મુખ્યમંત્રીને પૂછ્યું કે તેઓ આવું કરવા જેટલા મૂર્ખ હોઈ શકે છે? એક તમિલિયન દ્વારા ડીઝાઇન કરવામાં આવેલ રૂપિયાના સિમ્બોલને આખા દેશે સ્વીકાર્યો છે. આ સિમ્બોલ તૈયાર કરનાર ઉદય કુમાર ડીએમકેના જ એક ભૂતપૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. તમે કેટલી હદે મૂર્ખ થઇ શકો બંધુ સ્ટાલિન? એમ તેમણે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં પૂછ્યું હતું.

આના જવાબમાં ડીએમકેના પ્રવકતા શ્રાવનન અન્નાદુરાઇએ કહ્યું હતું કે કોઇ કાયદો તમિલમાં રૂ લખવાની મનાઇ કરતો નથી કે વિરોધ કરતો નથી. જ્યારે સ્થાનિક વિપક્ષ અન્નાડીએમકેના વરિષ્ઠ નેતા ડી. જયકુમારે આને ડીએમકે સરકારનું લોકોનું ધ્યાન બીજે દોરવા માટેનું નાટક ગણાવ્યું હતું. જ્યારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ડીએમકેના આ પગલાને અલગતાવાદને પ્રોત્સાહન આપનાર ભયંકર માનસિકતા ગણાવી હતી.

આ આખા વિવાદમાં સૌથી ધ્યાનાકર્ષક બાબત એ છે કે  તમિલનાડુના બજેટ દસ્તાવેજ પર ડીએમકે સરકારે રૂપિયાના દેવનાગરી લિપિના માન્ય સિમ્બોલના સ્થાને તમિલ લિપિમાં તૈયાર કરાયેલ સિમ્બોલ મૂક્યો છે જેને રૂપિયાના માન્ય પ્રતિક તરીકે સ્વીકારવામાં આવ્યું છે તે તમિલનાડુના જ વતની અને આઇઆઇટી બોમ્બેના સ્નાતક એવા ઉદય કુમારે તૈયાર કર્યું છે.

અગાઉની યુપીએ સરકારે ઇનામ જાહેર કરીને રૂપિયા માટેના પ્રતિક મંગાવ્યા હતા જેમાંથી ઉદયકુમારે તૈયાર કરેલ સિમ્બોલ પસંદ કરવામા આવ્યુ. આ પ્રતિક હવે રૂપિયાની નોટો પર પણ આવે છે. ઉદયકુમાર હાલમા આઇઆઇટી ગુવાહાટીમા પ્રોફેસર છે. તમિલનાડુ માટે આ ગર્વ લેવા જેવી બાબત છે એમ કહેતા ભાજપ જેવા તમિલનાડુના વિપક્ષો મુખ્યમંત્રી સ્ટાલિનના આ પગલાને તમિલનાડુનુ અપમાન ગણાવે છે. વળી, વધુ વક્રતા એ છે કે ઉદયકુમારના પિતા ધર્મલિંગમ સ્ટાલિનના જ પક્ષ ડીએમકેના ભૂતપૂર્વ ધારાસભ્ય છે. આ મુદ્દાઓ પર વિપક્ષ તેમને બરાબર ભીંસમાં લઇ શકે છે. અને કેટલાક વિશ્લેષકો માને છે કે આ સિમ્બોલ બદલીને સ્ટાલિને રાજકીય ભૂલ કરી નાખી છે.

જો કે તમિલનાડુ વિધાનસભામાં બજેટ રજૂ થઇ ગયું છે અને તમિલનાડુ સરકાર હવે  તેના રોજબરોજના વ્યવહારોમાં રૂપિયાના તમિલ લિપીના સિમ્બોલનો ઉપયોગ નહીં કરે તેમ જણાય છે અને આમ તે કદાચ કરી પણ નહીં શકે. એમ લાગે છે કે મોટો વિવાદ સર્જવાના અને ભાષા વિવાદમાં પોતાના પક્ષના અભિગમ તરફ ધ્યાન ખેંચવા માટે જ સ્ટાલિને રૂપિયાનો લોગો તમિલનાડુના બજેટ ડોક્યુમેન્ટ પર તમિલ લિપિમાં મૂકવાનું ગતકડું કર્યું હશે. લોગો, સિમ્બોલ વગેરે બાબતો રાજકીય રીતે પણ અનેક વખતે ઘણુ વજન ધરાવતી  હોય છે. રૂપિયાનું અગાઉ કોઇ ચોક્કસ પ્રતિક ન હતું, જેમ કે બ્રિટિશ પાઉન્ડ અને ડોલરના લોગો છે.

છેક ૨૦૧૦માં તે સમયની યુપીએ સરકારે રૂપિયાનો લોગો પણ બનાવવાનુ નક્કી કર્યું અને તેણે આ માટે એક સ્પર્ધા યોજી. અનેક નિષ્ણાતો, કલાકારોએ પોત પોતાના બનાવેલા લોગો મોકલ્યા અને તેમાંથી તમિલનાડુના ઉદય કુમારે બનાવેલો લોગો પસંદ કરવામાં આવ્યો. આ માટે તે વખતે એકાદ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જે પણ તેમને મળ્યું. ઉદય કુમારે બનાવેલો લોગો આજે રૂપિયાની નોટો અને સર્વત્ર વપરાવા માંડ્યો છે. પણ હવે આ જ લોગો તમિલનાડુના મુખ્યમંત્રીના એક પગલાને કારણે કંઇક વિવાદનું કારણ પણ બન્યો છે.

Most Popular

To Top