કેન્દ્ર સરકારે ( central goverment ) એવા મીડિયા અહેવાલો અંગે પંજાબ સરકાર ( punjab goverment) નો ખુલાસો માગ્યો છે કે જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પંજાબ સરકારે કોવિડ-૧૯ની રસીઓ ખાનગી હોસ્પિટલોને વેચી દીધી છે અને નફાની કમાણી કરી છે.પ્રાથમિકપણે આ ઉદારીકૃત કિંમતનિર્ધારણ અને વેગવાન બનાવાયેલ રાષ્ટ્રીય કોવિડ-૧૯ રસીકરણ વ્યુહરચનાનો સ્પષ્ટ ભંગ છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાંના અધિક સચિવ વંદના ગુરનાનીએ પંજાબ સરકારના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવને જણાવ્યું હતું. જેમ કે તમે વાકેફ છો, પહેલી મે, ૨૦૨૧થી લિબરલાઇઝ્ડ પ્રાઇસિંગ એન્ડ એકસલરેટેડ નેશનલ કોવિડ-૧૯ ( covid 19) વેક્સિનેશન ( vaccination) સ્ટ્રેટેજી અમલમાં આવી છે.
આ વ્યુહરચના મુજબ ખાનગી સેકટરની હોસ્પિટલો કોવિડ-૧૯ની રસીઓ રસી ઉત્પાદકો પાસેથી સીધી ખરીદે છે એેમ પત્રમાં જણાવાયું છે. આથી રાજ્ય સરકારને આ સમાચાર લેખની સત્યતાની ચકાસણી કરવા અને આ સંદર્ભમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયને તત્કાળ ખુલાસો મોકલવા વિનંતી કરવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું.
કોવિડ રસીઓ ખાનગી હોસ્પિટલો તરફ વાળી દેવા બદલ વિપક્ષના પ્રહારો હેઠળ આવી ગયેલી પંજાબ સરકારે શુક્રવારે ૧૮થી ૪૪ વર્ષની વયજૂથ માટેનો રસીનો તમામ સ્ટોક સરકારને પરત કરવા ખાનગી હોસ્પિટલોને જણાવ્યું હતું. આ નાટ્યાત્મક વળાંક એના પછી આવ્યો હતો જ્યારે પંજાબના વિપક્ષો શિરોમણી અકાલી દલ, આપ અને ભાજપે પંજાબની કોંગ્રેસ સરકાર પર ખાનગી હોસ્પિટલોને રસીઓ વેચી દેવાનો આક્ષેપ કર્યો હતો. આના પછી પંજાબ સરકારની નોંધમાં જણાવાયું હતું કે ૧૮-૪૪ વયજૂથના લોકોને ખાનગી હોસ્પિટલો મારફતે રસી આપવાનો આદેશ યોગ્ય ભાવનાથી અપાયો નથી અને તેથી પાછો ખેંચવામાં આવે છે. વિપક્ષોએ આ બાબતે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં આપના નેતા રાઘવ ચઢ્ઢાએ તો આને હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ ગણાવ્યું હતું.