National

ઇન્ડિગો કટોકટી પર DGCAની સખત કાર્યવાહી: બેદરકારી બદલ 4 ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

ઇન્ડિગો એરલાઇનમાં સર્જાયેલા મોટા સંકટ બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ સલામતી અને સંચાલન નિયમોની બેદરકારી બદલ ચાર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટરોને તરત અમલમાં મુકાય તે રીતે સસ્પેન્ડ કર્યા છે. આ તમામ ઇન્સ્પેક્ટરો ઇન્ડિગો માટે પ્રિન્સિપલ ઇન્સ્પેક્ટિંગ ઑફિસર (PIO) તરીકે કાર્યરત હતા અને એરલાઇનની સલામતી તેમજ ક્રૂ મેનેજમેન્ટ પર દેખરેખ રાખવા માટે જવાબદાર હતા.

5 ડિસેમ્બરે 1,600 ફ્લાઇટ્સ કેન્સલ
5 ડિસેમ્બરના રોજ ઇન્ડિગો દ્વારા રેકોર્ડ 1,600 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેના કારણે દેશભરમાં લાખો મુસાફરોને ભારે અસુવિધા ભોગવવી પડી હતી. DGCAના મત મુજબ આ સંકટનું મુખ્ય કારણ ક્રૂ, ખાસ કરીને પાયલટ્સની ગંભીર અછત હતી. જેના વિશે એરલાઇનને અગાઉથી જાણ હોવા છતાં પૂરતી ભરતી કરવામાં આવી નહોતી.

તપાસમાં બેદરકારી બહાર આવતા ઇન્સ્પેક્ટરો સસ્પેન્શન
DGCAએ સ્પષ્ટ કર્યું છે કે સસ્પેન્ડ કરાયેલા ઇન્સ્પેક્ટરો ઇન્ડિગોની સંચાલન અને સલામતી તપાસમાં બેદરકારી દાખવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ એરલાઇનને 1 જુલાઈ 2025 અને ત્યારબાદ 1 નવેમ્બરથી લાગુ થનારા નવા ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન'(FDTL) અથવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો વિશે સંપૂર્ણ જાણ હતી. જેના કારણે પાયલટની જરૂરિયાત વધવાની હતી તેમ છતાં એરલાઇને પૂરતી ભરતી કરી નહોતી. પરિણામે ઇન્ડિગો નવા નિયમો મુજબ કામગીરી કરી શકતી ન હોવાથી વ્યાપક ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી.

DGCAનો વધારાનો મોનિટરિંગ પ્રોગ્રામ
ઇન્ડિગોની સ્થિતિ સુધરે તે માટે DGCAએ ગુરુગ્રામ સ્થિત ઇન્ડિગોના મુખ્ય મથકે બે વિશેષ ટીમો તૈનાત કરી છે. જે દરરોજ સાંજે 6 વાગ્યે નિયમનકારને ક્રૂ યુટિલાઇઝેશન, રિફંડ પ્રક્રિયા અને કામગીરીની સ્થિતિનો અહેવાલ આપશે. DGCAનુ કહેવું છે કે મુસાફરોની સલામતી સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે.

Most Popular

To Top