દિલ્હી લિકર પોલિસી કેસમાં (Delhi Liquor Policy Case) અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બે કલાક સુધી ચર્ચા થઈ. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરી શકાય છે જેથી તેઓ પ્રચારમાં ભાગ લઈ શકે.
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરવાનો સંકેત આપ્યો છે. ટોચના ન્યાયાધીશે કહ્યું કે જો મુખ્ય કેસમાં દલીલોમાં સમય લાગે તો દિલ્હીમાં ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી માટે વિચારણા કરી શકાય છે. બેન્ચે કહ્યું કે મુખ્ય કેસ કે જેમાં કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યો છે તેમાં સમય લાગી શકે છે. તેથી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે તેમની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરવાનું વિચારી શકીએ છીએ. કેજરીવાલ અને ED તૈયાર રહે. અમે 7 મેના રોજ તેના પર સુનવણી કરીશું.
કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને ED વતી એએસજી એસવી રાજુએ સુપ્રીમ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. સિંઘવીએ ફરી એકવાર ધરપકડના આધારે સવાલો ઉઠાવ્યા છે. એસવી રાજુએ કેજરીવાલની ધરપકડનો આધાર આપ્યો હતો. બેન્ચે કહ્યું કે કોર્ટ વચગાળાના જામીન પર તપાસ એજન્સીને સાંભળવા વિચારી રહી છે. આના પર રાજુએ કહ્યું કે તે કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરશે. તેના પર બેન્ચે કહ્યું કે “અમે કહીએ છીએ કે અમે વચગાળાના જામીન પર સુનાવણી કરીશું અને એવું નથી કહી રહ્યા કે અમે વચગાળાના જામીન આપીશું. અમે વચગાળાના જામીન આપી પણ શકીએ કે ન પણ આપી શકીએ,”
સર્વોચ્ચ અદાલતે રાજુને 7 મેના રોજ વચગાળાની જામીન અરજી પર દલીલો માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. ઇડીએ કરેલી ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર બેંચ સુનાવણી કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી 21 માર્ચે ધરપકડ થયા બાદ હાલમાં તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલે EDને નોટિસ પાઠવી હતી અને તેનો જવાબ માંગ્યો હતો.