ખનન માફિયાઓ રેતીની ખેતી કરતા રહે છે. એમની પ્રવૃત્તિ બેફામપણે ચાલતી રહી છે. નદીઓની છાતી ચીરી રેતીનું આડેધડ ખનન થાય છે. બેરોકટોક થતી આ પ્રવૃત્તિ પાછળ ભ્રષ્ટાચાર પણ એટલો જ ચાલે છે. સરકારે ભૂસ્તરશાસ્ત્રીની એક પણ જગ્યા ખાલી રહેવા દેવી જોઈએ નહીં અને સરકારી અધિકારી ભ્રષ્ટ નહીં બને તેની તકેદારી પણ જરૂરી છે. ગેરકાયદે થતા રેતીખનન દ્વારા પ્રકૃતિને પણ નુકસાન થતું રહે છે. રેતી કાઢવાની જેમને પરવાનગી અપાઈ હોય તે લોકો જ ખનન માફિયાની ભૂમિકામાં પણ આવી જાય છે. ઘણી જગ્યાએ લીઝની હદ બહાર નદી વચ્ચે પાઈપ નાંખી રેતીચોરી થાય છે ત્યારે જાળ પાથરનાર, માછલી પકડનાર માછીમારોની યાદ આવી જાય છે.
સરકારી ખાણ-ખનિજ વિભાગ આંખ આડા કાન કરે છે. ચોક્કસ લીઝમાંથી ચોક્કસ માત્રામાં રેતી કાઢવાની પરવાનગી અપાય છે, જેનો મોટે ભાગે ભંગ થતો રહે છે અને બેફામ ખનન થતું રહે છે. માફિયાઓ જાણે રેતીની ખેતી ચલાવે છે. નદીમાંથી એ હદે ખનન થાય છે કે કેટલાક ભાગમાં નદીનું કુદરતી સ્વરૂપ ખોવાઈ જાય તેટલી ઊંડી સ્થિતિ સર્જાય છે. જેને કારણે નદીમાં સ્નાન કરવા ગયેલા નિર્દોષ નાગરિકોના જીવ માટે જોખમરૂપ ધરાનું નિર્માણ થાય છે. વળી નદી તેના મિનરલ્સ પણ ગુમાવતી જાય છે. માફિયાઓને ખનિજચોરીનું પણ મોકળું મેદાન મળે છે. જમીન પર તો પરિશ્રમ દ્વારા પ્રામાણિકપણે ખેતી થાય છે, પણ આ તો જળપ્રદેશમાં ઉપજતી રેતીની ચોરી દ્વારા રેતીની ખેતી થઈ રહે છે. ખનન માફિયાઓ તરફ યોગ્ય નજર રાખી, યોગ્ય પગલાં લેવાય તો ન્યાય જળવાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે