રસી અંગે દેશવાસીઓનો ખંચકાટ સરકાર માટે મોટી સમસ્યા ઉભી કરી શકે

દેશમાં મોટાપાયે કોવિડ-૧૯ વિરોધી રસીકરણ કરવા માટેની તડામાર તૈયારીઓ સરકારે શરૂ કરી દીધી છે ત્યારે એક અહેવાલ એવા આવ્યા છે કે દેશના ઘણા બધા લોકો આ રસી અંગે શંકાઓ ધરાવે છે, તેઓ રસી મૂકાવવા બહુ ઉત્સુક નથી અને રસી મૂકાવવા માટે ખંચકાઇ રહ્યા છે.ઘણા ભારતીયો કોવિડ-૧૯ રોગ સામે રક્ષણ આપતી રસી મૂકાવવા અચકાઇ રહ્યા છે કારણ કે સપ્ટેમ્બર પછી ચેપના કેસોની સંખ્યા ઘણી ઘટી છે અને કેટલાક લોકો આ રસીના આડઅસરો અંગે અચકાઇ રહ્યા છે એમ ૧૮૦૦૦ જેટલા લોકો પર કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં
જણાયું છે.

ભારત હવે થોડા સપ્તાહોમાં રસીકરણ કાર્યક્રમ શરૂ કરે તેવી શક્યતા છે ત્યારે નવી દિલ્હીના સિટિઝન સર્વે પ્લેટફોર્મ લોકલસર્કલ્સ દ્વારા કરવામાં આવેલ એક સર્વેમાં જણાયું છે કે જવાબ આપનારા કુલ લોકોમાંથી ૬૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે રસીકરણ કરાવવાની તેમને કોઇ તાકીદની જરૂરિયાત જણાતી નથી.

એવું લાગે છે કે આ ખંચકાટ માટેના કેટલાક મહત્વના કારણો એ છે કે લોકો પાસે રસીની આડઅસરો અંગે તથા તેની અસરકારકતાના સ્તર અંગે મર્યાદિત માહિતી છે અને વસ્તીના એક મોટા ભાગમાં એવી માન્યતા છે કે તેમની ઉંચી રોગપ્રતિકારક શક્તિને કરાણે કોવિડનો રોગ તેમને અસર કરશે નહીં એમ લોકલસર્કલ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું.

દેશના લગભગ ૩૩ ટકા જેટલા જિલ્લાઓમાં આ સર્વે હાથ ધરાયો હતો. એવા પણ જવાબ મળ્યા હતા કે આપણે હવે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધી રહ્યા છીએ. બધી રસી કંપનીઓ એક બીજા સાથે હરિફાઇ કરી રહી છે તેથી મને  તે બાબતે ચિંતા છે એ મુજબ એક વ્યક્તિએ જણાવ્યું હતું. લોકો સ્વાભાવિકપણે રસીની આડઅસરો અંગે ગભરાઇ રહ્યા છે અને તેમની કેટલીક શંકાઓ વાજબી પણ લાગે છે.

એક રોગ માટે અનેક કંપનીઓની રસીઓ મેદાનમાં ઉતારવામાં આવી રહી હોય તેેવું આ કદાચ પ્રથમ વખત બની રહ્યું હશે અને તેથી જ લોકોની શંકાઓ વધી જાય છે. અને દુનિયામાં બીજા કોઇ પણ રસી આટલી ઝડપથી તૈયાર કરવામાં આવી નથી. આ રસીઓ ઉતાવળે અને વેઠ ઉતારીને તૈયાર કરી નાખવામાં આવી હોય તેવું પણ કેટલાક લોકોને લાગી શકે છે. સરકારે લોકોની આવી શંકાઓનું વાજબી રીતે નિરાકરણ કરવું જ જોઇએ.

ભારતમાં જ નહીં વિદેશોમાં પણ રસીઓ અંગે કંઇક શંકાનો માહોલ તો લાગે જ છે. કેટલીક આડઅસરની ઘટનાઓ જે થોડી સ્વાભાવિક પણ ગણી શકાય, તે બળતામાં ઘી હોમી શકે છે. હાલ અમેરિકામાં સોશ્યલ મીડિયામાં કથિત આડઅસર અંગેનો એક વીડિયો વાયરલ થયો છે.અમેરિકામાં રસીકરણ શરૂ થઇ ગયું છે ત્યારે ત્યાંના ટેનેસી શહેરની એક હોસ્પિટલની એક નર્સને રસી મૂકાયા બાદ થોડી વાર પછી તે બેભાન થઇ ગઇ હતી,

જે ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વ્યાપક રીતે ફરતો થયો હતો. ટિફેની ડોવર નામની આ નર્સને ફાઇઝરની રસી મૂકવામાં આવી હતી. રસી લીધા પછી તે પત્રકારોના સવાલના જવાબ આપી રહી હતી જેમાં તેણે કહ્યું હતું કે રસી અંગે તે ઘણી ઉત્સાહિત છે. જો કે થોડી જ વારમાં તે અસહજ લાગવા માંડી હતી અને તેણે કહ્યું હતું કે મને ચક્કર આવે છે અને થોડી વારમાં તે બેભાન થઇ ગઇ હતી.

આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. જો કે હોસ્પિટલ સત્તાવાળાઓએ કહ્યુ હતું કે ટિફેનીને એક દુ:ખાવાની તકલીફ છે અને તેને દુ:ખાવો વધી જાય છે ત્યારે તે આ રીતે બેભાન થઇ જાય છે. રસી સાથે આ ઘટનાને કંઇ લેવા દેવા નથી એમ હોસ્પિટલે કહ્યું હતું. જો કે લોકો સામાન્ય રીતે આવા ખુલાસાઓને પણ શંકાની રીતે જોતા હોય છે.                               

જો લોકોમાં રસી અંગે શંકાનો માહોલ ઘણો વ્યાપક થઇ જાય અને સમાજનો એક ઘણો મોટો વર્ગ રસી મૂકાવવાનો જ ઇન્કાર કરી દે તો સરકારના આખા રસીકરણના કાર્યક્રમનો જ ફિયાસ્કો થઇ જાય. વળી, સરકારે કહ્યું જ છે કે આ રસી મૂકાવવી સ્વૈચ્છિક છે, ફરજિયાત નથી.

એટલે હવે તેણે પોતાના બોલને વળગી રહેવું પડશે. વળી, આ રસીઓ મૂકાવવા લોકો પર દબાણ કરવું સરકાર માટે અનેક રીતે ઇચ્છનીય પણ નહીં હોય. આવા સંજોગોમાં લોકોમાંથી રસી અંગેની શંકાઓ અને ભયનો માહોલ યોગ્ય રીતે દૂર કરવો એ જ સરકાર માટે એક ઉપાય  છે.

Related Posts