Comments

ગોદડી ઓઢું ઓઢું ને ખસી જાય…!

રૂપ-મિલકત-તંદુરસ્તી-જ્ઞાન હોય કે ઋતુ, આ બધા માયાવી. ગમે ત્યારે છેતરે, કે ભાંગી કઢાવે..! ભરોસો કે અભિમાન નહિ રખાય..! સરવાળે ભોજ્લું જ નીકળે..!  મૌસમ પ્રમાણે કૃતિ બદલાય, પ્રકૃતિ બદલાય, આકૃતિ બદલાય એમ, એમાં પણ સુનામી આવે. રૂપ ઉપર અભિમાન આવે તો, અભિનેત્રીના  અત્યારના ચહેરા જોવાના,  મિલકત ઉપર અભિમાન આવે તો ધરતીકંપવાળા વિસ્તારની મુલાકાત લેવાની. જ્ઞાન ઉપર અભિમાન આવે તો ગાંડાની હોસ્પીટલમાં એકાદ લટાર લગાવી આવવાની. તંદુરસ્તી ઉપર ફાંકો આવે તો, એકાદ અસ્પતાલની મુલાકાત લઇ આવવાની. કોઈક  દવાખાનાની મુલાકાત લેવાની..! ભગવદ ગીતા જેવું જ્ઞાન મળશે.  ને ભ્રમ ભાંગી જશે કે, સાલું આ તો બધું તકલાદી-ક્ષણ ભંગુર છે..!

આ  ઋતુઓનું કામકાજ પણ એવું હંકેકે..! જુઓને ખેડૂતોની હાલત હવામાને  કેવી કરી નાંખી? એના કપાળમાં કાંદા ફોડું, શિયાળામાં ઉનાળો ઘુસાડે, ને ઉનાળામાં વાદળ ગરજાવે..! દાઢીમાં મુછ ઘુસી જાય, ને મૂછમાં દાઢી ઘુસી જાય..! સમજમાં જ નહિ આવે કે, શરીરને છત્રીનો ભોગ ચઢાવીએ કે ગરમીના કપડાનો ભોગ..! કે પછી રેઇનકોટનો..? શિયાળો ભલે ઠંડો લાગે, પણ  શાણો નથી. સવાર-સવારમાં તો  ટાઢ  જુલમ જ કરે દાદૂ..! પત્ની ભલે ભડ-ભડ કરતી, શૈયા-ત્યાગ કરવાનોચાલે.. ‘ગોદડી ઓઢું ઓઢું ને ખસી જાય.!  ટાઢ કોઈની સગી થતી નથી. જુનો માર ખાધો હોય તે શીયાળા જ ઉભરે. આઝાદીની લડત કે મોરચામાં ખાધેલી લાઠીનાં દુઃખણા શિયાળામાં ઉભા થાય. એવા ઉભરે કે, નાની યાદ આવી જાય..!  એમાં ઉમરના કાંઠે પહોંચેલાની તો  હાલત ખરાબ થઈ જાય. જુવાનીયાભલે  ઝૂમતા હોય, પણ ડોહા થથરતા હોય..! એ પણ થથરે  ને વાડકામાં મુકેલા દાંતના ચોકઠાં પણ ધ્રુજે..! એમાં તોડી નાંખે એવી ટાઢમાં નહાવાની વાત આવે ત્યારે તો, શરીરમાં ચુડેલોની સભા મળી હોય એવી હાલત થાય..! બ્રહ્માંડનો “ શીતળ પાવર પ્લાન્ટ” આપણા બાથરૂમમાં જ પડ્યો હોય એમ, નહાવાનું તો ઠીક, આંગળી પલાળવાનો પણ ડર લાગે. તોડી નાંખે એવી ટાઈઢમાં ન્હાવું પણ એક તપસ્યાથી ઓછું નથી દાદૂ..? સંપૂર્ણ સ્વચ્છતાનો સિધ્ધાંત એળે જાય તો ભલે જાય, , પણ અરીસા સામે ઉભા રહીને અરીસા ઉપર પાણી છાંટીને જ નાહી લીધાનો ઓડકાર ખાવાનું મન થાય..! જો શૈલી નહિ ખીજાય તો..! 

શિયાળો બેસે એટલે ગરમ કપડાઓ ઉભા થવા માંડે. કબાટમાં કેદ થયેલા ઠંડીના સંરક્ષકો જામીન ઉપર છૂટવા માંડે. ને પોતપોતાના શરીર શોધીને, NRI ની માફક ફરતા થઇ જાય. ચટાકા-પટાકા પણ બદલાય જાય. પાપડી-બટાકા-સક્કરીયા-કેળા-રતાળુ કન વગેરેની ધરપકડ કરીને તેને ગરમ માટલામાં નાંખી બફારાની સજા થાય. જેને આપણે ‘ઉબાડિયું’ કહીએ. શિયાળો આક્રો પણ લાગે ને આહલાદક પણ લાગે. શિયાળાની સવારે તો પથારી માણસને તાણીને પકડી રાખે. એલારામ ની પણ  ‘ઐસીકી તૈસી’ કરી દે. પણ વાઈફના બ્યુગલ એવા વાગે કે, ઠરવા નહિ દે. એ વખતે મા અને વાઈફના ભેદ સમજાય. મા તો ઉપરથી બીજી રજાઈ ઓઢાડીને ઊંઘવા દે,  વાઈફ તો  દુશાસનનો અવતાર હોય એમ, ઓઢેલી રજાઈ પણ ખેંચીને ઉઠાડે..! મા તે મા, બાકીની હવા હવા..! કવિ આનંદ્દ્વારી લખે એમ,

 સુરજને પણ હંફાવે એનું નામ શિયાળો, ધાબળા પણ ધ્રુજાવે એનું નામ શિયાળો
વૈભવ ઘણો ઉંચો ને રસમ એની નોખી, ત્રણેય પ્રહર મથાવે એનું નામ શિયાળો
શિયાળો એટલે, નકરું શ્રીમંત ઘરાનાનું વંઠેલ બની ગયેલું છોકરું હોય તેવો..!  ભણતા ત્યારે ઋતુના જ નિબંધો લખીને, આંગળીએ આંટણ પાડેલા. જેમ કે, શીયાળાની સવાર, ઉનાળાની બપોર, વસંત ઋતુની સાંજ વગેરે વગેરે..! હરામ્મ બરાબર જો કોઈને બે આંખની શરમ નડે  તો..! અલ્યા, અમુક વખતે તો ટાઈઢ એવો જુલમ કરે કે, શરીરનું ‘હેમોગ્લોબીન’ પણ ગાયબ થઈ જાય..!  સુરજ જેવા સુરજદાદા પણ મોંઢું બતાવતા ધ્રુજે..! સુરજદાદાનું કામ પણ એવું કે, તમામ ઋતુમાં એમના મિજાજ અલગ ..! ઉનાળામાં  ડોળા ફાડે, ચોમાસામાં સંતાકુકડી રમે, ને શિયાળામાં સાવ ‘લેઇટ લતીફ’ બની જાય ..!

ઉનાળામાં પરસેવાન થવાનું, ચોમાસામાં પલળવાનું, ને શીયાળામાં ટાઇઢથી થથરવાનું..! એનું નામ ઋતુ..! ઘડિયાળનાં કાંટે જાગી તો જવાય, પણ ઊંઘવાની માયા ઉઠવા નહિ દે..! પાંપણનાં દરવાજા અંદરથી વાસી દીધા હોય એમ, આંખો  ઉઘડવાનું નામ જ નહિ લે..!  એમાં પછી શૈયા ત્યાગ કર્યા પછી, નહાવાનું ટેન્શન..! સવારે છ વાગ્યે ઉઠવાનું એલારામ વાગે ત્યારે તો, કાનમાં કોઈ બરફના  બરફનો ટુકડો નાંખ્યો હોય એટલો આઘાત લાગે. શિયાળો  માત્ર હવામાનની સ્થિતિ નથી, એક ફિલોસોફી છે.  ગરમાગરમ ચાનો પહેલો ઘૂંટ, કે હીટરની નજીક બેસવાનો વૈભવી આનંદ  શિયાળામાં જ મળે. બીજી કોઈ ઋતુમાં નહિ..!

શિયાળો એક એવો સ્વયંભુ રાજા છે કે, જેના સર્વાંગમાં માત્ર સમાજવાદી જ ભાવ હોય. એવું નહિ કે, ધનિકને ઓછી ટાઈઢ આપે ને ગરીબના ગાત્રો થીજી નાંખે. નાનો હોય કે મોટો, સૌ ઉપર સરખો વરસે..! કોઈને છોડતો નથી. સબકા સાથ સબકા વિકાસ જેવું..! શિયાળાનાં ચમકારા સૌને સરખા આપે. સમય સમયના સમીકરણો છે દાદૂ..! ટાઈઢનો સર્વોત્તમ ગુણ એ પણ ખરો કે, કોઈને  ઉઘાડો નહિ રહેવા દે, સંસ્કારી રાખે કોઈની તાકાત નહિ કે, નાગો કહી જાય..! એમાં એવું છે ને મામૂ, ઋતુ પ્રમાણે માણસ બદલાય, ને માણસ પ્રમાણે વૃતિ બદલાય. માત્ર એટલુજ સમજમાં નથી આવતું કે, ઋતુઓને જોઇને સુરજ ફરે છે કે, સુરજને જોઇને ઋતુઓ સ્થાન ભ્રષ્ટ થાય છે? તમારું શું માનવું છે..? 

લાસ્ટ બોલ
આજે કેમ આટલી બધી ઠંડી છે ?
સુરજ નીકળ્યો નથી એટલે…!
આજે કેમ નહિ નીકળ્યો?
એની મમ્મીએ જ ના કહી હશે કે, બહાર આટલી ઠંડી છે, તો બહાર નીકળતો નહિ..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top